સુરત ગ્રીષ્મા હત્યા કેસ:ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાની વાતનું સરકાર પક્ષ દ્વારા ખંડન, આખું ખાનદાન સાફ કરી નાખવાની ભાવના પ્રેમમાં ન હોયઃ કોર્ટમાં દલીલ

સુરત6 મહિનો પહેલા
  • પેન ડ્રાઈવમાં રજૂ કરવામાં આવેલા ફોટો સાથે ચેડાં થયેલા હોય તેવી શક્યતા
  • સરકાર પક્ષની ત્રણ દિવસમાં 12 કલાક દલીલો ચાલ્યા બાદ દલીલો પૂર્ણ થઈ

સુરતના પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાની હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામે ચાલી રહેલી ટ્રાયલમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સતત ત્રીજા દિવસે ધારદાર દલીલ કરી હતી. આરોપી તરફેથી ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, આ વાતને સરકાર પક્ષ દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ સાથે જ સરકાર પક્ષના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો પ્રેમ હોય તો કંઈ આખું ખાનદાન સાફ કરી નાખવાની ભાવના પ્રેમમાં ન હોય.

ગ્રીષ્મા અને ફેનિલના ફોટો છે એવું પૂરવાર થયું નથી
સરકાર પક્ષના મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, આજે સરકાર પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. આજની દલીલમાં આરોપી પક્ષ દ્વારા કહેવાતા ફોટો રજૂ કર્યા હતા તેનું ખંડન કરતી દલીલ કરી હતી. આ ફોટાની ઓરિજિનલ છે કે કેમ એની કોઈ ગેરંટી નથી. દલીલ ખાતર એવું માની લેવામાં આવે કે બંનેના સાથે ફોટા છે તો સાથે ફોટા હોવા માત્રથી પ્રેમ છે એવું સાબિત ન થાય. આજના જમાનામાં છોકરા-છોકરીના સાથે ફોટો હોવાથી બંનેને પ્રેમ છે એવું માની ન શકાય. આ કેસમાં તો બંનેના ફોટો છે એવું પૂરવાર થયું નથી.

રજૂ કરાયેલા ફોટાઓ સાથે ચેડાં થયેલા હોય તેવી પૂરી શક્યતા
આરોપી તરફે જે પ્રેમ હતો એવો ડિફેન્સ લેવામાં આવે છે એ પણ માની શકાય તેમ નથી. પ્રેમની વ્યાખ્યા છું એ અંગે સરકાર પક્ષે કહ્યું કે પ્રેમ એ ત્યાગ અને બલિદાનનો વિષય છે. કોઈની બલિ લેવાનો વિષય નથી. પ્રેમમાં ત્યાગની ભાવના હોવી જોઈએ. ખાનદાન સાફ કરી નાખવાની ભાવના ન હોય. જેથી પ્રેમની વાતને માની શકાય તેમ નથી. રજૂ કરાયેલા ફોટાઓ સાથે ચેડાં થયેલા હોય તેવી પૂરી શક્યતાઓ છે. ફોટો હતા તો આરોપીઓ તપાસ દરમિયાન કેમ ન આપ્યા. ફોટો પાછળથી ઉભા કરી દીધા હોવાની શક્યતા છે. સરકાર પક્ષે તમામ પુરાવા થકી કેસ પૂરવાર કર્યો છે. આરોપીને દોષિત ઠેરવવો જ જોઈએ તેવી દલીલ સાથે દલીલો પૂર્ણ થઈ છે.

ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી.
ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરી હતી.

આરોપીએ સહાનૂભુતિ મેળવવા જાતે ઇજા કરી
આરોપીની અત્યાર સુધીની હરકત બાબતે પણ દલીલો કરવામાં આવી હતી જેમાં તે કોર્ટમાં બેભાન થઈ ગયો. જેલમાંથી ફોન કર્યો. આરોપીનું એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ રજૂ કરાયું છે. આરોપીએ સહાનૂભુતિ મેળવવા માટે ઇજા કરી હોય એવું દેખાઈ આવે છે. કેમકે બનાવ બાદ જો આરોપીએ મરવું જ હોત તો તેણે ફોન કરીને મને અહીંયાથી લઇ જાઓ એમ ન કહેતે. પોલીસ આવી તો એમ કહ્યું કે પીસીઆર મંગાવો, એટલે તે મરવા ઇચ્છતો નહતો. માત્ર દેખાડો કરતો હતો. આરોપી અગાઉ ચોરીના બનાવમા જેલમાં જઈ આવ્યો છે. આમ, જેલમા ગયા બાદ પણ તે સુધર્યો નહતો. સજા કરતી વખતે કોર્ટ જુએ છે કે પીડિતા પરિવારને ન્યાય મળે અને બીજી તરફે આરોપીને સબક. આમ, આરોપી ગંભીર માનસિકતા ધરાવતો આરોપી છે. આરોપી સામે તમામ પુરાવા છે.

ગ્રીષ્માના ભાઈને પણ ફેનિલે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી.
ગ્રીષ્માના ભાઈને પણ ફેનિલે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી.

માતાની જુબાની ન માનવાનું કોઈ કારણ નથી
ગત રોજ સરકારી વકીલ દ્વારા ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે એક માતા કે જેણે નવ મહિના કૂખમાં રાખી, પ્રસુતીની અસહ્ય પીડા સહન કરી, રાત્રિના ઉજાગરા કર્યા અને જે દીકરીને જન્મ આપ્યો તેને જ નજરની સામે મોતને ભેટતા જોવી એક માતા માટે જીવનભર ન ભૂલાઇ એવી પીડા છે. માતાએ જુબાની આપી છે, તો માતાની જુબાની નહીં માનવાનું કોઈ કારણ નથી. તે મરનારની માતા છે. તે ખોટા આરોપી સામે જુબાની આપે છે એવું માની ન શકાય. માતાએ દીકરી માટે અનેક સ્વપ્ન જોયા હશે. હવે આ જ મા સામે જ્યારે કોઈ તેની હત્યા કરતો હોય ત્યારે તેની વેદના, હત્યાની વેદના પ્રસુતિની પીડા કરતા અધિક હશે. આ વેદનાથી માતાની આખી જિંદગી વેદના બની ગઈ છે.

ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું.
ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ આપઘાત કરવાનું નાટક પણ કર્યું હતું.

ત્રણ દિવસમાં 12 કલાક સરકાર પક્ષની દલીલો ચાલી
છેલ્લા ત્રણ દિવસથી સરકાર પક્ષની દલીલો ચાલી રહી છે. બે દિવસ પહેલા 3 કલાક, ગત રોજ 6 કલાક અને આજે 3 કલાક એમ 12 કલાક દલીલો ચાલી હતી. ત્યારબાદ સરકાર પક્ષની દલીલો પૂર્ણ થઈ છે. હવે બચાવ પક્ષની દલીલો શરૂ થશે. અત્યાર સુધીની દલીલોમાં નજરે જોનારા આઠ સાહેદોની જુબાની પર દલીલો કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇજાગ્રસ્ત સાહેદની જુબાની બાબતે પણ છણાવટ કરવામાં આવી હતી. એફએસએલના પુરાવા બાબતે પણ દલીલો કરવામાં આવી હતી. જેમાં આરોપીની હાજરી સ્થળ પર હોવાનું પૂરવાર થાય છે.

ફેનિલને કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર કરવામાં આવે છે.
ફેનિલને કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર કરવામાં આવે છે.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.