ગ્રીષ્માના હત્યારાને સજા-એ-મોત:સુરતની કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી, કહ્યું-યુવાઓ વેબસિરીઝ જુએ છે, એમાં હિંસાત્મક-બીભત્સ ફિલ્મો ચાલે છે, જે મનને અસર કરે છે

સુરત13 દિવસ પહેલા
  • મનુસ્મૃતિના શ્લોક સાથે જજે કહ્યું- 'દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ'
  • ગ્રીષ્માને ન્યાય મળ્યાની લાગણી સાથે તેનાં પરિવારજનો કોર્ટરૂમમાં જ રડી પડ્યાં
  • ફેનિલના ચહેરા પર ન ડર દેખાયો ન અફસોસ, બન્ને પક્ષના વકીલો હાજર રહ્યા
  • ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- પરિવારને આપેલો વાયદો પૂર્ણ કરીને સંતોષ અનુભવું છું

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આજે ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

યુવાઓ હિંસક વેબ સિરીઝ જુએ છે જેની માનસિકતા પર અસર પડે છેઃ કોર્ટ
નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં યુવા પેઢીને પણ એક સંદેશો આપતા કહ્યું કે, આજની પેઢી મોબાઇલમાં રચી પચી રહે છે અને હિંસક વેબ સિરીઝ જુએ છે. જજે કહ્યું હતું કે યુવાનો આજે સતત વેબ સિરીઝ સતત જોતા રહે છે, જેના કારણે તેમની માનસિકતા ઉપર ખૂબ મોટી અસર થાય છે. વેબ સિરીઝમાં સતત અમર્યાદિત હિંસક અને બિભત્સ મૂવી ચાલતી રહે છે. યુવાનોએ પોતાનો સમય સર્જનાત્મકતા તરફ આપવો જોઈએ નહીં કે આવી પ્રવૃત્તિઓ પાછળ કે જે માનસિક રીતે નકારાત્મક વિચારો તરફ લઈ જાય.

જજે બેવાર નિર્ભયા હત્યા કેસનો ઉલ્લેખ કર્યો
જજે બે વખત નિર્ભયા હત્યા કેસનો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું કે નિર્ભયા હત્યા કેસમાં પણ આરોપીની ઉંમર ખૂબ ઓછી હતી, છતાં પણ તેમાં ક્રૂર માનસિકતા સામે આવી હતી. બચાવ પક્ષના વકીલ દ્વારા વારંવાર આરોપી ફેનીલ લઈને લઈને દલીલ કરવામાં આવી હતી.

ગ્રીષ્માને ન્યાય મળ્યોઃ ગ્રીષ્માના પિતા
ગ્રીષ્માના પિતાએ જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.

હત્યાના પ્રયાસના કેસમાં પણ સજાઃ સરકારી વકીલ
સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સરકાર પક્ષની દલીલો
ગત 22મીએ આખો દિવસ દલીલો ચાલી હતી, જેમાં સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે અમારો કેસ માત્ર વીડિયો પર આધારિત નથી. આરોપી ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો અને ગણતરીપૂર્વકની તેણે હત્યા કરી છે. આરોપી ચપ્પુ ખરીદવા માટે ઓનલાઇન ફ્લિપકાર્ટ દ્વારા ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર કેન્સલ થયા બાદ તેણે મોલમાંથી ચપ્પુ ખરીદ્યું હતું અને બીજું ચપ્પુ તેના મિત્ર પાસેથી ખરીદ્યું હતું. હત્યારાએ હત્યા કરતાં પહેલાં રેકી પણ કરી હતી. ગુનાના દિવસે તે ગ્રીષ્માની કોલેજમાં તેને શોધવા ગયો હતો. ગ્રીષ્માની મિત્ર ધૃતિને તેણે કહ્યું હતું કે આજે ગ્રીષ્માના ઘરે જઈને કંઈક મોટું કરવાનો છું અને ત્યાર પછી તેણે કહ્યું કે ના હોય તો વાત કરવા જવાનો છું. બનાવ પહેલાં ક્રિષ્ના સાથે તેણે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી, જેમાં પણ તેની હત્યા કરવાનો હોય એવું માલૂમ પડે છે. દરેક વાલિયો વાલ્મીકિ બની શકતો નથી. ભય વિના પ્રિત ન થાય. આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે છે. માત્ર ગ્રીષ્માની જ હત્યા નહીં, કાકા અને ભાઈ ધ્રુવની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરાઈ હતી.
ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપી હત્યા કરાઈ હતી.

બચાવ પક્ષની દલીલો
બચાવ પક્ષે જણાવ્યું હતું કે, લાડુ માગતો એટલે લટકાવી દો, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દો. આવી લાંબી દલીલ કરીને વધુ માર્ક્સ મેળવવાનો પ્રયાસ કરાયો છે. જેને ચાલવાનું ભાન ન હોય તે લાડું કેવીરીતે માગે અને ઇનોવા ચોરીમાં ક્યાં એ આરોપી પુરવાર થયો છે. એને પસ્તાવો નથી એવું કહેવામાં આવ્યું એ કોની સામે પસ્તાવો વ્યક્ત કરે. એને પસ્તાવો નથી એવું કેવી રીતે માની લીધું. છરીના ઘામાં સહાનુભૂતિ નથી મેળવી જે ઘા માર્યા તેમાં નસો કપાઈ ગઈ હતી. લિમિટ બહારનું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આને જો સજા નહીં થાય તો સમાજમાં કોઈ સ્ત્રી સુરક્ષિત રહેશે નહી? કેવી રીતે કહેવામાં આવ્યું. કાયદા કડક કરવાનાં સજા વધારવાના આ ફક્ત પોલિટિક્સ કમ્પઝેશન છે. જ્યાં કેપિટલ પનિસમેન્ટ છે ત્યાં ગુનાખોરી ઘટી જતી નથી. વાલિયો વાલ્મીકિ બનશે તેવું તો એને છૂટો મુકો તો જ ખબર પડશે. આ કોઈ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ નથી. ક્રિમિનલોની સંગતમાં ફરતો હોય એવો આ છોકરો નથી. હું બે હાથ જોડીને કહું છું કે ઓછામાં ઓછી સજા કરો. આ કંઈ બહાર આવીને ખૂંખાર આરોપી બની જવાનો નથી.

ગ્રીષ્માની હત્યાનો વીડિયોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.
ગ્રીષ્માની હત્યાનો વીડિયોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવ્યો
સત્ર ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા ગ્રીષ્મા હત્યા કેસમાં પુરાવારૂપે વીડિયોએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા સમયનો જે વીડિયો જોઇને લોકો કહેતા હતા કે કોઈ બચાવવા કેમ ન આવ્યું, એ વીડિયો જ આરોપી માટે ગાળિયારૂપ સાબિત થઈ ગયો છે.

ફેનિલને આકરામાં આકરી સજા માટે સરકાર પક્ષની માગ.
ફેનિલને આકરામાં આકરી સજા માટે સરકાર પક્ષની માગ.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. સમગ્ર કેસ કોર્ટમાં ચાલી જતાં જજે મૃત્યુદંડની સજા ફટકારી હતી.