ભાસ્કર ઈન ડેપ્થ:કૂતરાં ઓછા કરવા પાલિકા પાસે કોઈ ઠોસ સિસ્ટમ જ નથી ગણતરી થાય તો ખસીકરણની સફળતા વિશે ખબર પડશે

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નાર્થ : વરિયાવ​​​​​​​-કતારગામમાં બનનારા ઢોર ડબ્બામાં એનિમલ બર્થ કંન્ટ્રોલની હોસ્પિટલ પણ હશે

શહેરમાં ડોગ બાઇટની ઘટના દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે. ડિસેમ્બરમાં જ શહેરમાં 2000 લોકોને કૂતરા કરડ્યા હતા. બીજીતરફ, પાલિકા દાવો કરી રહી છે કે તેમની કૂતરાઓના ખસીકરણની કામગીરી આખા રાજ્યમાંથી શ્રેષ્ઠ છે, પરંતુ આખી સિસ્ટમ જ લકવાગ્રસ્ત હોય તેમ કૂતરાઓની સંખ્યામાં ઘટાડો તો દૂર, વધારો થઈ રહ્યો છે.

2019ની કૂતરાઓની વસતી ગણતરી મુજબ શહેરમાં 80 હજાર કૂતરા હતા. વર્ષ 2020માં કોરોના આવતા ખસીકરણ થયું ન હતું. આવતા વર્ષે ફરી ગણતરી થાય તો ખબર પડે કે ખસીકરણ કેટલું સફળ રહ્યું. કૂતરાં પર અંકુશ મેળવવા માટે પાલિકા કતારગામ અને વરિયાવમાં નવા ઢોર ડબ્બા બનાવશે, જ્યાં એનિમલ બર્થ કંન્ટ્રોલ પ્રોગ્રામ માટેની હોસ્પિટલ સાકાર કરવાનું આયોજન છે. દિવ્ય ભાસ્કરે પાલિકાના માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ ડો. દિગ્વિજયરામ સાથે સીધી વાત કરતાં ઘણી બાબતો બહાર આવી હતી.

સીધી વાત
ડો.દિગ્વિજયસિંહ રામ, માર્કેટ સુપ્રિટેન્ડન્ટ

​​​​​ એકે રોડ પર બાળકી પર કૂતરાએ કરેલો હુમલો રૂંવાડા ખડા કરી દે તેવો છે, પાલિકા પાસે આવા બનાવ ઘટે તે માટે શું પ્લાનિંગ છે?
- કોર્ટની ગાઈડ લાઈન છે કે કૂતરાને જ્યાંથી ઉપાડીએ તેને ખસીકરણ બાદ ત્યાં જ છોડવાના. જો કે, ખસીકરણથી કૂતરા કરડવાનું ઘટવાનું નથી. માત્ર પ્રજોત્પત્તિ અટકશે. જે લોકો કૂતરાંને ખવડાવે છે તેઓ જ અમારી પાસે આવીને ખસીકરણ કરાવી દે તો શોર્ટ ટાઈમમાં કૂતરાંનો જન્મદર ઘટી શકે.
ખસીકરણની કામગીરી તો 2012થી સોંપાઈ રહી છે તો આમ ને આમ ક્યાં સુધી ચાલશે, ખસીકરણ સાર્થક છે ખરું?
- હા. સંખ્યા ઘટવૈામાં ટાઈમ લાગશે.
ખસીકરણ કાગળ પર જ ચાલતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, થાય છે ખરું?
- તમે આવો. અહીં જ નહીં, આખા રાજ્યમાં હું કરું છું એટલે વખાણ કરું એવું નથી. પાલિકા પાસે બેસ્ટ ABC છે.
તો પછી હજુ કૂતરાની વસ્તી કેટલી ઓછી થઈ ? આપણે અત્યાર સુધી શું શું કર્યું?
- 2024માં વસતી ગણતરી થાય ત્યારે ખ્યાલ આવે. 2019માં જિલ્લા પંચાયતે ગણતરી કરતા અંદાજે 80 હજાર જેટલી હતી. રોજ 30થી 35 ઓપરેશન કરીએ છીએ. વેટ સોસાયટી ફોર એનિમલ વેલફેર એન્ડ રૂરલ ડેવલપમેન્ટને 10 હજાર કુતરાના ખસીકરણનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. બીજો 10 હજારનો રિન્યુ કર્યો છે.
કોન્ટ્રાક્ટર યોગ્ય ખસીકરણ કરે છે? રસ્તા પર તો સતત ગલુંડિયાં દેખાય જ છે.
- ડોગનું વજન 13 કિલોથી ઓછું હોય, બીમાર કે પ્રેગ્નન્ટ હોય તો છોડી દઈએ.
કૂતરાંને હડકવા થાય તો લોકો માટે પણ જીવલેણ બની શકે છે, ઘણાં કિસ્સા છે.
- એનિમલ વેલ્ફેરવાળા એટલું દબાણ કરે છે કે કર્મચારી સેન્ડવીચ થઈ જાય છે. લોકો પકડી લઈ જવા કહે છે ને એનિમલ વેલ્ફેરવાળા સીધી FIR કરી દે છે. સુરતમાં 33 કેસ ચાલી રહ્યા છે.
કોન્ટ્રાક્ટર પાસે 2 જ વાહન છે, સ્ટાફ ઓછો છે ત્યારે ખસીકરણ મોટાપાયે થઈ શકશે?
- બે નવા ઢોર ડબ્બા બને છે તેની સાથે એનિમલ બર્થ કંન્ટ્રોલ પ્રોગ્રામ માટેની હોસ્પિટલ ચાલુ કરાશે. હોસ્પિટલ બિલ્ડિંગમાં ડોગ કેનલ (પાંજરા), ઓપરેશન થીયેટર ટાઇપ હશે. ઓપરેશન બાદ 3-4 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે. હડકાયેલા કૂતરાને પણ. એટલે વરિયાવ-કતારગામમાં નવા બનનારા ઢોર ડબ્બામાં આ બધું સાકાર કરાશે. ત્યાર બાદ ઓપરેશન ક્ષમતા 100 સુધી પહોંચી શકશે.
પાલિકા કેટલો ખર્ચો કરે છે?
- 18-10-2021થી કોન્ટ્રાક્ટ અપાયો છે. એક ડોગ પર રૂપિયા 1395 ખર્ચ થાય છે, જેમાં વાહન, માણસો સહિતનો ખર્ચો કોન્ટ્રાક્ટરનો છે. પાલિકાએ જગ્યા આપવાની હોય છે.
સંપૂર્ણ સફળતા ક્યારે મળશે. શુ લોકોએ બાળકોને ઘરમાં જ રાખવાના?
- 2024માં ગણતરી થશે ત્યારે જ સફળતા વિશે ખબર પડશે. બે વર્ષ કોરોનામાં કૂતરાના રસીકરણની કામગીરી અટવાઈ હતી. કુતરાનો પ્રેગનન્સી પિરિયડ 2 માસ હો છે એટલે 2 વર્ષમાં તો વસ્તી તો ઘણી વધી હશે.

અન્ય સમાચારો પણ છે...