નિયમ વિરુદ્ધ થતાં બાંધકામ રોકી દેતી પાલિકાનું અડાજણમાં નગર પ્રાથમિક શાળા ભવન માટે થઇ રહેલું બાંધકામ ખાનગી જમીન પર થઇ રહ્યું હોવાનો દાવો થતા કામગીરી રોકવાની નોબત પડી છે. અગિયારી મહોલ્લા સ્થિત હોડી ચકલામાં શાળા ક્રમાંક-150ની જર્જરીત બિલ્ડિંગને ઉતારી નવું ભવન બનાવવા કવાયત કરી હતી. જોકે ફાઉન્ડેશન, 20 કોલમ ઊભાં કરાયા બાદ સ્લેબ ભરાય તે પહેલાં જ આ જમીનની 7-12ની નકલ સાથે માલિક તરીકે એન્ટ્રી હોવાની બાબત રજૂ કરી દાવો કરાતાં રાંદેર ઝોને ઉકેલ ન આવે ત્યાં સુધી પીછેહઠ કરવાની ફરજ પડી હતી. જોકે પાલિકાએ અગાઉથી જ દસ્તાવેજોની ચકાસણી કેમ ન કરી તે પ્રશ્ન છે.
આ શાલા વર્ષ 1865 જુના ભવનમાં ચાલી રહી હતી. કેમ્પસમાં અલગ અલગ બિલ્ડિંગમાં કુલ 550 વિદ્યાર્થીઓ છે. હાલના બિલ્ડિંગની બાજુમાં જ એલ આકારની વિશાળ જમીન પહેલા શાળા બિલ્ડિંગ તરીકે જ ઉપયોગમાં હતી. જોકે આ મકાનનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતાં પાલિકાએ 2020માં મકાન ઉતારી નવું ભવન બનાવવા કવાયત કરી હતી. રાંદેર ઝોને વર્ક ઓર્ડર જાહેર થતા નિર્માણ શરૂ કર્યું હતું. પ્લીન્થ લેવલ પર 20 કોલમ સ્કેજ પણ તૈયાર કરી લેવાયા હતાં.
જોકે અચાનક આ જમીન ખાનગી હોવાના દાવા સાથે 7-12ની નકલ રજૂ કરાઇ હતી. સાથે જ જમીન ખાનગી હોવાનો દાવો કરાયો હતો. પાલિકાએ આ બાંધકામ અધવચ્ચે જ અટકાવી દીધું છે. આ અંગે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે કહ્યું કે, મુદ્દો સબ જ્યુડિશ થતા માલિકી ગૂંચનો ઉકેલ ન આવે ત્યાં સુધી બાંધકામ બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. ભવન શાળા કેમ્પસમાં જ છે અને દાવો માત્ર 7-12ની એન્ટ્રી પરથી કરાયો હોવાનું પણ વિભાગે ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.