સુરત:નગરપ્રાથમિક શાળાની સામાન્ય સભા તોફાની બની,વિપક્ષના સભ્યોએ શાસકોની અણઆવડત લખેલા માસ્ક પહેર્યા

સુરત3 વર્ષ પહેલા
ઓનલાઈન સામાન્ય સભામાં વિપક્ષના નેતાઓએ મોં પર લખાણવાળા માસ્ક બાંધીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
  • કોરોના સમયમાં સમિતિની શાળા મર્જ કરવાનો વિરોધ કરવામાં આવ્યો
  • શાસકોની અણઆવડત સહિતના લખાણવાળા માસ્ક પહેરી વિરોધ

કોરોનાના લોકડાઉન વચ્ચે નગર પ્રાથમિક શાળા સમિતિની બીજી ઓનલાઈન વીડિયો કોન્ફરન્સથી સામાન્ય સભા મળી છે. જેમાં 14 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યાં છે. વિપક્ષે શાળા મર્જ કરવાનો સખત વિરોધ કર્યો છે. સાથે જ વિપક્ષના સભ્યોએ ચહેરા પર શાસકોની અણઆવડતથી અધિકારીઓને લીલા લહેર સહિતના લખાણવાળા માસ્ક પહેરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.વિરોધપક્ષે કહ્યું કે, 100થી ઓછા વિદ્યાર્થીવાળી શાળાને મર્જ કરવાની જગ્યાએ 160 જેટલા વિદ્યાર્થીઓની શાળા નિરીક્ષકના કહેવાથી મર્જ કરવામાં આવી રહી છે. શાસક પક્ષે કહ્યું કે, તમામ નિર્ણયો વિપક્ષની સંમતિથી જ લેવામાં આવી રહ્યાં છે.  

શાળા મર્જ કરવાનો વિરોધ

સફી જરીવાળા (ન.પ્રા. શિ. સ.ના સભ્ય, કોંગ્રેસ વિરોધ પક્ષ)ના નેતાએ જણાવ્યું હતું કે, શિક્ષકોને કોવિડ 19માં અપાયેલી જવાબદારીમાં મામા ફોઈની નીતિ અપનાવાઈ રહી છે. કેટલાક શિક્ષકોને 2-3 વાર જવાબદારી સોપાઈને ઓર્ડર અપાયા છે.કેટલાકને કોઈ જવાબદારી ન આપી કોવિડ 19 ની કામગીરીથી દુર રખાયા છે.સમિતિની શાળા ક્રમાંક 38-39 મર્જ કરાઈ એ સદંતર ગેરકાયદેસર અને એક નિરીક્ષકના લેખિત ભલામણથી શાળા મર્જ કરાઈ હોવાનો આરોપ કરાયો છે.

કોઈ જ અભિપ્રાય વગર શાળા મર્જ કરવાનો નિર્ણય કરાયો

સફી જરીવાળાએ કહ્યું કે, મર્જ પહેલા શાળા મેન્ટેનન્સ કમિટીનો ઠરાવ હોવો જોઈએ, આચાર્યની સલાહ અભિપ્રાય હોવો જોઈએ,જે તે વિસ્તારના કોર્પોરેટર શિક્ષણ સમિતિના સભ્યોનો પણ અભિપ્રાય લેવો જોઈએ. આ તમામ બાબતને નજર અંદાજ કરી નિર્ણય લેવાયો છે. શાળાના મર્જિંગથી લઘુમતીની કન્યા શાળાઓ બંધ કરવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવાયો છે.પ્રાથમિક શિક્ષણ નિયામકના પરિપત્રક મુજબ કોઈ પણ શાળા મર્જ કરવા માટે વિદ્યાર્થીની સંખ્યા 100થી ઓછી હોવી જોઈએ. પરંતુ આ શાળામાં 160 વિદ્યાર્થીઓ છે. તો મર્જનો હેતુ કૃત્રિમ છે. શિક્ષકની ઘટને સરભર કરવા માટે શાસકો નિરીક્ષકોના ઘૂંટણિયે પડ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

શાળાનું મર્જિંગ વિદ્યાર્થીઓના હિતમાં નથી

શાળાઓના આ મજિંગથી વિદ્યાર્થિનીઓની શૈક્ષણિક હિતની કોઈ વાત જણાતી નથી. નિરીક્ષકોની ફરજો કોવિડ 19 દરમિયાન 28 માર્ચે શરૂ કરવામાં આવી હતી પરંતુ એક નિરીક્ષક જાગૃતિબેને એમની ડયુટી વરાછા ઝોનમાં અપાઈ હતી. તેમ છતાં અવગણના કરી સેન્ટ્રલ ઝોનમાં મર્જની કામગીરી ડયુટી કરી હોવાનો આરોપ મુકાયો છે.જાગૃતિ બેને (નિરીક્ષક) 5 મુદ્દા ની ભલામણ કરતા શાળા મર્જ કરાઇ છે.વિદ્યાર્થીઓની સુરક્ષા,મેદાનની સગવડતા,એકમાંથી બીજી બિલ્ડીંગમાં જવાની સગવડ,ધોરણ દીઠ એક શિક્ષકની સગવડતા વગેરે મુદ્દે ચર્ચા તોફાની રહી હતી.

વિપક્ષનો ખોટો વિરોધ-શાસક પક્ષ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના ચેરમેન હસમુખ પટેલએ જણાવ્યુંમ હતું કે, લોકડાઉન દરમિયાન નગર પ્રાથમિક શાળાની ઓન લાઇન સામાન્ય સભા મળી હતી.તમામ મુદાઓ પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. કુલ 14 જેટલા મુદ્દાઓ મુકવામાં આવ્યાં હતાં. જેમાં તમામની સહમતી થઈ હતી. એક મુદ્દા પર વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. જો કે, તેમાં પણ કોંગ્રેસના એક સભ્યએ હાથ ઉંચો કરીને સહમતિ દર્શાવી હતી. બાકી ખોટો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...