સજાનો હુકમ:લાંચ લેતા પકડાયેલા પાલિકાના ઇજનેરને 18 વર્ષે 3 વર્ષની સજા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2003માં 30 લાખનું ડ્રેનેજનું કામ કરનારા કોન્ટ્રાકટરને તેની રૂ. 62 હજારની ડિપોઝિટ પરત કરવા 4 હજારની લાંચ લીધી હતી

18 વર્ષ જુના લાંચ કેસમાં આરોપી પાલિકા ઇજનેરને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2003માં રૂપિયા 30 લાખનું ડ્રેનેજનું કામ કરનારા કોન્ટ્રાકટર પાસે તેની ડિપોઝિટ પેટેના રૂપિયા આપવા માટે 3 હજારની લાંચ માગનારા આરોપી જુનિયર ઇજનેર ચંદ્રેશ ગાંધીને અત્રેની એન્ટી કરપ્શનની સ્પેશિયલ કોર્ટેના જજ ડી.પી. ગોહિલે 3 વર્ષની સજા, 10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ 4 માસની સજાનો હુકમ કર્યો હતો.

સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ રાજેશ ડોબરિયાએ દલીલો કરી હતી કે, આરોપીને કડક સજા થવી જોઇએ. કેસની વિગત મુજબ, કોન્ટ્રાકટરને વર્ષ 2001માં સીંગપણપોરથી વેડ વચ્ચે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાંખવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે વર્ષ 2002માં પુરો થયો હતો. રૂપિયા 30 લાખના કોન્ટ્રાક્ટ માટે કોન્ટ્રાકટર દ્વારા પાલિકામાં રૂપિયા 62 હજારની ડિપોઝિટ જમા કરી હતી.

આ રકમ મેળવવા માટે તેણે જે તે સમયે જુનિયર ઇજનેર રહેલાં ચંદ્રેશ એન. ગાંધીનો સંર્પક કર્યો હતો, તો આરોપીએ પેમેન્ટ ચૂકવવા અગાઉ રૂપિયા ત્રણ હજારની લાંચ માગી હતી આથી કોન્ટ્રાકટરે તે આપવાથી ઇન્કાર કરી દીધો હતો. બાદમાં વધુ એકવાર કોન્ટ્રાકટરે આરોપી જુનિયર ઇજનેરની ઓફિસ જઈને ડિપોઝિટનો ચેક માગ્યો હતો તો આરોપીએ લાંચની રકમ એક હજાર વધારી ચાર હજાર માંગ્યા હતા. સીધી રીતે રૂપિયા મળે એમ ન લાગતા ફરિયાદી કોન્ટ્રાકટરે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને આરોપી છટકામાં ઝડપાયો હતો.

આરોપી ઉપલી કોર્ટમાં અપીલ માટે જઇ શકે
એપીપી રાજેશ ડોબરિયાએ કહ્યું કે 3 વર્ષની સજા છે એટલે આરોપી ઉપલી કોર્ટમાં અપીલ માટે જઈ શકે છે. ત્યાં તેણે જામીન માટે અરજી કરવી પડે.

અન્ય સમાચારો પણ છે...