શહેરમાં ભર શિયાળે પણ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુના કેસની સામે પાલિકાએ સર્વેની કામગીરી શરૂ કરી છે. ઉધના ઝોનમાં આ પ્રકારના સર્વે દરમિયાન ઉશ્કેરાયેલી બે મહિલાએ સુરત પાલિકાના બે કર્મચારી પર દંડા વડે હુમલો કરતા બંનેને ઈજા થઈ હતી. સર્વેની કામગીરી દરમિયાન કર્મચારી પર હુમલો થતા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો છે. જોકે આ મુદ્દે હુમલો કરનારે સારવારના પૈસા આપવા સાથે માફી માંગતા બંને વચ્ચે સમાધાન થઈ ગયો હતુ
કામગીરીમાં દખલ કરાઈ
પાલિકાના ઉધના ઝોનમાં કલ્યાણ કુટીર સોસાયટીમાં ડેંગ્યુનો કેસ મળી આવ્યો હોય પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલીકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને આ અંગે ચકાસણી કરતા કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતી એક મહિલાએ પાલિકાની કામગીરી માં દખલગીરી કરી હતી.
દાદાગીરી કરાઈ
કલ્યાણ કુટિર સોસાયટીના નંબર 476 માં રહેતા શારદાબેન બાવીસકર જે વેસુ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ ની ફરજ બજાવે છે તે અને તેની માતા પમો બેને બપોરના સમયે સર્વેની કામગીરી કરી લોકોને હેરાન કરો છો વાત કરીને ઝઘડો શરૂ કર્યો હતો. પાલીકાના કર્મચારીએ પોતાની કામગીરી અંગેની તેમને સમજ આપી હતી તેમ છતાં તેઓએ મારા મામાના ઘરેથી સેમ્પલ લેવાના નથી તેવી વાત કરી દાદાગીરી કરી હતી. આવી રીતે બોલાચેલી કરીને શારદાબેનના હાથમાં જે ડંડો હતો તેનાથી પાલિકા કર્મચારીને માર માર્યો હતો.
કર્મચારીઓને ઈજા પહોંચી
ઝપાઝપીમાં શર્મિલા પટેલ નામના કર્મચારીને આંખ પર ઈજા થઈ હતી જ્યારે શર્મિષ્ઠા પટેલ નામના કર્મચારીને આંગળીના ભાગે ઇજા થઈ હતી. કોન્ટ્રાક્ટ ના કર્મચારીએ ઉપરી અધિકારીને જાણ કરતા તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવામાં આવ્યો હતો જ્યાંથી બંને પક્ષને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં હુમલો કરનારે માફી માંગવા સાથે સારવારનો ખર્ચ આપવાની તૈયારી બતાવતા બંને વચ્ચે લેખિતમાં સમાધાન થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.