ડિમોલિશ મુદ્દે હુકમ:રેલવેની જમીન પરનાં અતિક્રમણ મામલે સુરતની પાલિકા જવાબદારી લે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે ટ્રેકની આસપાસ ફેલાયેલી ઝૂપડપટ્ટીના ડિમોલિશ મુદ્દે કોર્ટનો હુકમ
  • ‘રાજ્ય કઈ રીતે જવાબદાર, પાલિકાએ જ ગેરવહીવટનો જવાબ આપવો પડશે’

સુપ્રીમ કોર્ટે શનિવારે જણાવ્યું હતું કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રેલવેની જમીન પર કરાતા અતિક્રમણ મામલે સ્થાનિક સ્તરે થયેલા "ગેરવહીવટ’ની જવાબદારી સ્વિકારે. જેના કારણે "જાહેર પ્રોજેક્ટ’ વિલંબિત થઈ રહ્યો છે.

રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં અંદાજે 5,000 ઝૂપડાંઓનાં ડિમોલિશન સહિતની બે અરજીની સુનાવણી વખતે સુપ્રીમે કહ્યુંં કે ‘સ્થાનિક સ્તરે શાસનની પ્રાથમિક જવાબદારી મ્યુનિસિપાલિટીની હોય છે. સુપ્રીમે અગાઉ ગુજરાતમાં આવાં ઝૂપડાંઓને તોડી પાડવા સામે યથાવત સ્થિતિ મંજૂર કરી હતી. જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને સી.ટી. રવિકુમારની બેન્ચે અવલોકન કર્યું હતું કે, રેલ્વે લાઇન પ્રોજેક્ટને 2018માં મંજૂરી અપાઈ હતી અને 3 વર્ષ બાદ પણ આવા અતિક્રમણને કારણે કંઈ જ થઈ શક્યું નથી. કોર્ટે પાલિકાને સંબોધીને કહ્યું કે, "તમે સ્લમ વિસ્તારને સમગ્ર શહેરમાં ફેલાવવાની મંજૂરી આપો છો પણ તેની જવાબદારી લેતા નથી. કોર્પોરેશને જવાબદારી લેવી જોઈએ.

બેન્ચે કહ્યું કે, આ મુદ્દે રાજ્યને શા માટે જવાબદાર ગણવું જોઈએ? તમારે સ્થાનિક સ્તરે જ તમારા ગેરવહીવટનો જવાબ આપવો પડશે. રાજ્યએ નહીં. શહેરના ‘ઉતરાણથી ભેસ્તાન રેલવે ઝૂંપડપટ્ટી વિકાસ મંડળ' નામના અરજદારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, જો ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા અને પુનર્વસન આપવામાં ન આવે તો મોટું નુકસાન જશે. બીજીતરફ નાગરિક સંસ્થા તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ઝૂપડાંવાસીઓના પુનર્વસન માટે રાજ્ય સરકારનો સંપર્ક કરવા કહ્યું હતું. છતાં અમે કહીશું કે, કોર્પોરેશને જવાબદારી લેવી જોઈએ. અમે આ મામલે કોર્પોરેશનને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપીશું.

વકીલે કહ્યું કે, પોલિસી હેઠળ, રાજ્ય પુનર્વસન માટે જવાબદાર છે. ત્યારે બેન્ચે કહ્યું કે, "રાજ્ય કેવી રીતે જવાબદાર હોઈ શકે? કોર્પોરેશને અતિક્રમણની મંજૂરી આપી અને પછી તમે કહો કે રાજ્ય જવાબદાર રહેશે.

આ મામલે કોર્પોરેશન તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે, અતિક્રમણ રેલવેની જમીન પર કરવામાં આવ્યાં છે. ત્યારે બેન્ચે કહ્યું કે, અતિક્રમણ ભલે રેલવેની જમીન પર હોય પરંતુ સ્થાનિક સ્તરે તમારા શાસન હેઠળ છે. તમારે ખાતરી કરવી પડશે કે કોઈ અતિક્રમણ ન થાય. વકીલે કહ્યું કે આ મુદ્દે સંબંધિત સત્તા સાથે ચર્ચા કરી કોર્ટમાં પરત આવીશું. આ મામલાની આગામી સુનાવણી 15 નવેમ્બરે નક્કી કરી બેન્ચે કહ્યું કે, આના કારણે સમગ્ર પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે. આ મુદ્દાનું ત્વરિત નિરાકરણ લાવવું પડશે, જેને કારણે પ્રોજેક્ટ લંબાઈ રહ્યો છે. ડિમોલિશન શરૂ કરી બાંધકામનું કામ પણ શરૂ કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...