સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મદ્રેસા ઉભુ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને કોર્પોરેશન દ્વારા મદ્રેસાના સંચાલકોને વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે, સ્વૈચ્છિક રીતે ડિમોલિશન ન કરાતા આખરે કાયદાની રૂએ આગળ વધીને કોર્પોરેશન દ્વારા આજે મદ્રેસાના ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી. ડિમોલિશન દરમિયાન સમગ્ર વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં મામલો ગયો હતો
ગોપીપુરા વિસ્તારની અંદર મદ્રેસા બનાવી દેવાયા બાદ કોર્પોરેશનના ધ્યાને આવતા તેને દૂર કરવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા.શરૂઆતમાં મદ્રેસાના સંચાલકો દ્વારા દસથી પંદર દિવસમાં સ્વૈચ્છિક રીતે મદ્રેસા દૂર કરવાની વાત અધિકારીઓ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ મદ્રેસાના સંચાલકો દ્વારા આ સમગ્ર કેસને વકફ બોર્ડમાં લઇ જવાયો હતો. વકફ બોર્ડ બાદ આ કેસ હાઇકોર્ટમાં જતા હાઈકોર્ટે આ બાંધકામને ગેરકાયદેસર જણાવી સુરત મહાનગરપાલિકા પોતાની સત્તાથી તે દૂર કરી શકે છે. તે પ્રકારનો હુકમ કર્યો હતો. જેને ધ્યાનમાં રાખીને આજે કોર્પોરેશનની ટીમ દ્વારા ડિમોલેશન પ્રક્રિયા શરૂ કરીને મદ્રેસાને જમીનદોસ્ત કરી નાખ્યું હતું.
પાલિકાએ વેરો સ્વીકાર્યો નહોતો
મદ્રેસાના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેના તમામ પોતાના નામે વેરા બીલ આવે તે પ્રકારની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આકારણી વિભાગ દ્વારા કેટલાક પૂરાવા માંગવામાં આવ્યા હતા. જેના આધારે નક્કી થયું હતું કે, તેઓ આ મિલકતના માલિક નથી. આકરણી વિભાગ દ્વારા વેરા ન સ્વીકારાતા મદ્રેસા સંચાલકોની મુશ્કેલી વધી હતી. ગોપીતળાવ નજીક ગેરકાયદેસર મદ્રેસાનો વિવાદ વક્ફ બોર્ડ સમક્ષ ચાલી રહ્યો છે.પાલિકા જવાબ રજૂ કરે ત્યાં સુધી વકફ બોર્ડે સ્થળ સ્થિતિ યથાવત રાખવા હુકમ કર્યો હતો. પાલિકાએ કોર્ટમાં પૂરાવો રજૂ કરીને મદ્રેસા સરકારી જમીન ઉપર ઉભો કરવામાં આવ્યો હોવાનું પૂરવાર કર્યું હતું. આખરે તમામ નીતિ નિયમોના આધારે કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.