ગૌરવ:સ્વચ્છતામાં જનભાગીદારી જોડનારા પાલિકા કમિશનર પાનીના દ્રઢ નિશ્ચયથી સુરતને મળી સફળતા, મૂળ ઓડિશાના વતની છે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ બાદ સુરતને સ્વચ્છતામાં પાલિકા કમિશનર પાનીએ ગૌરવ અપાવ્યું(ફાઈલ તસવીર) - Divya Bhaskar
રાજકોટ બાદ સુરતને સ્વચ્છતામાં પાલિકા કમિશનર પાનીએ ગૌરવ અપાવ્યું(ફાઈલ તસવીર)
  • બંછાનિધી પાનીએ ભાવનગરમાં દેશનું પહેલુ મહિલા મતગણતરી કેન્દ્ર ચાલુ કરાવ્યું હતુ

દેશભરમાં સ્વચ્છતામાં બીજો ક્રમ મળતાં જ સુરતીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પરંતુ સ્વચ્છતાની બાબતમાં અગ્રક્રમે લાવવાનો અને જનભાગીદારી જોડવાનો શ્રેય પાલિકા કમિશનર બંછાનિધી પાનીને જાય છે.મૂળ ઓડિશાના વતની મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ સુરતનો પાલિકા કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ સુરત શહેરને સ્વચ્છતામાં ટોપ પર લઇ જવા દ્રઢ નિશ્ચય કર્યો હતો. સ્વચ્છતા સર્વેક્ષણના તમામ પાસા ઉપર અવ્વલ આવવા માટે તેમણે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. આ અગાઉ રાજકોટ પાલિકાને પણ તેઓ ટોપ ટેન સ્વચ્છ શહેરમાં લાવ્યા હતાં, જ્યારે ભાવનગરમાં બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ મેળવી ચુકેલા પાનીએ ત્યાં દેશનું પહેલુ મહિલા મતગણતરી કેન્દ્ર તેમણે ચાલુ કરાવ્યું હતું.

બંછાનિધી પાની સામાન્ય પરિવારમાંથી આવે છે
સુરત મહાપાલિકાના 30મા કમિશનર તરીકે ફરજ બજાવતા બંછાનિધી પાનીનો જન્મ 15 જુલાઈ 1976ના રોજ બુધ્ધાટોટા, ધન્કનાલ જિલ્લાના ઓડિશામાં થયો હતો. તેઓ એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. વર્ષ 1991માં ઓડિશાના રાઉરકેલાની પોલીસ હાઈસ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી ચૂક્યાં છે.પાનીએ JNU (જવાહરલાલ નેશનલ યુનિવર્સિટી)માંથી ઇન્ટરનેશનલ પોલિટિક્સ(CIPOD)નો અભ્યાસ કર્યો છે. પાની ગુજરાત કેડરના 2005 બેચના આઈએએસ છે.

સ્વચ્છતાની બાબતમાં લોકોમાં જાગૃતિ લાવ્યા
સુરતમાં સ્વચ્છતાના સર્વે દરમિયાન પાનીએ લોકોમાં જાગૃતિ લાવવાનું બીડું ઝડપ્યું હતું. જેના માટે તેમણે નેતાઓ, અધિકારીઓ-પદાધિકારીઓ સહિત સ્વચ્છતા કર્મીઓમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. સાથે જ લોકો સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાગ લે અ પ્રકારે કામ કર્યું હતું. સ્વચ્છતામાં જનભાગીદારી કેળવાય તે માટે પણ તેઓએ પ્રયાસ કર્યા હતાં. કન્ટેઈનર ફ્રી સુરત સહિતના ટર્શરી પ્લાન્ટના કામોને તેજ કરવામાં પણ તેમણે રસ દાખવ્યો હતો.

સુરતમાં કોરોના કામગીરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો
સુરતમાં કોરોના સંક્રમણ ફેલાવાની શરૂઆત થતાની સાથે જ લોકોને સીધો સંદેશ મળી રહે તે માટે તેઓ રોજ સોશિયલ મીડિયામાં બ્રિફીંગ આપતાં હતાં. સાથે જ સમય સંજોગો અનુસાર તેઓ ઓડિયો મેસેજ દ્વારા પણ લોકોને તકેદારીની સૂચનાઓ આપતાં રહે છે. શહેરમાં કોરોના સંક્રમણ માટે ત્રિપલ ટી-ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમન્ટની પધ્ધતિ અપનાવી છે. પાલિકા દ્વારા કોવિડ ટ્રેકર પણ તેમના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવ્યું છે. એપીએક્સ સર્વે સહિતની બંછાનિધી પાનીની કામગીરી નોંધપાત્ર છે.

બેસ્ટ ક્લેક્ટરનો 2014નો એવોર્ડ મળી ચૂક્યો છે
સનદી અધિકારી તરીકે પસંદ થયા બાદ પાની ગુજરાત કેડરમાં બનાસકાંઠાના કલેક્ટર રહી ચૂક્યા છે. તેમણે ભાવનગરના કલેક્ટર તરીકે કામ કર્યું છે. ભાવનગરમાં દોઢ વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ નોંધ લેવાતાં અનેક કામો કર્યા છે. તેમને 2014નો બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. રાજકોટમાં પાલિકા કમિશનર તરીકે સાયકલ ખરીદીમાં સબસિડી, સફાઈ કર્મચારીઓની હડતાળમાં કડકાઈ અને સ્વચ્છતામાં રાજકોટને દેશના ટોપટેન શહેરોમાં સામેલ કરાવવાની કામગીરી નોંધાવી ચૂક્યા છે.

ભાવનગરમાં દેશનું પહેલુ મહિલા મતગણતરી કેન્દ્ર ચાલુ કરાવ્યું હતુ
બંછાનિધી પાનીએ ભાવનગરમાં માત્ર દોઢ વર્ષની કારકિર્દીમાં બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ મેળ્યો હતો. તેની પાછળ અનેક કામગીરી છે. પૈકી એવું મતગણતરી કેન્દ્ર કે જ્યા પટાવાળાથી માંડી કાઉન્ટિંગમાં સ્ટાફ અને પોલીસ સુરક્ષા સુધીની વ્યવસ્થામાં માત્ર મહિલા હોય. સમગ્ર દેશમાં આવું મતગણતરી કેન્દ્ર એકમાત્ર ભાવનગરમાં ચાલુ કરાવ્યું હતું. ઉપરાંત ગ્રીનસિટી, ભાવનગર ટૂરિઝમના વિકાસ માટે મોબાઇલ એપ્લિકેશન સહિતની વ્યવસ્થા, સક્ષમ ભાવનગર પ્રોજેક્ટમાં સરકારી યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હોય એવા વ્યક્તિને શોધીને તેમની પાસે અરજી કરાવીને લાભ અપાવવો, નેશનલ ફૂડ સિક્યુરિટી અન્વયે પડતર થોકબંધ અરજીઓનો સામૂહિક નિકાલ કરાવવો, જેવા કામોએ તેમને સફળ કલેક્ટર તરીકેની નામના અપાવી હતી.