સુરત રેલવે સ્ટેશનના પ્લે.ફોર્મ નં.1 ઉપરથી પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાના કેસમાં મુંબઇમાં રહેતા એક યુવકની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી આપ્યો છે. આ યુવક અપહરણકાર યુવતીનો પ્રેમી હોવાનું પોલીસે જણાવ્યું છે અને તેના માતા-પિતા 1993ના બોમ્બબ્લાસ્ટ કેસમાં મૃત્યુ પામ્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી યુવક-યુવતી બંને મળ્યા પણ ન હોવાનું પોલીસ કહી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 8મી નવેમ્બરના રોજ સુરત રેલવે સ્ટેશનથી વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઇને માત્ર પાંચ કલાકના સમયમાં જ કડોદરા ચાર રસ્તા ઉપરથી રેણુકાદેવી ઉર્ફે પાયલ શ્રીભગવાનદાસ શર્મા અને તેની સાથે એક રિક્ષાચાલક નામે યોગેશ રામબાબુ ચૌહાણની ધરપકડ કરી હતી.
અપહરણ કેસમાં પોલીસ તપાસ દરમિયાન આરોપી રેણુકાદેવીએ આ બાળકીને મુંબઇમાં રહેતા પ્રેમીને આપવાનું હોવાનું રટણ રટ્યુ હતુ. જેના આધારે પોલીસે મુંબઇથી ફૂટપાથ ઉપર રહેતા યુવક નામે નરસિંમહા દશરથ રાવની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન નરસિંમહા અને પાયલ એકબીજાને પ્રેમ કરતા હતા. પાયલ મુળ ક્યા શહેરની વતની છે તે હજુ સુધી પોલીસ પણ જાણી શકી નથી.
રખડતા ભટકતા જીવન જીવતી પાયલે મુંબઇમાં નરસિંમહાની સાથે સંપર્કમાં આવીને તેની સાથે જ રહેતી હતી. નરસિંમહાના માતા-પિતા પણ 1993ના બોમ્બબ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હોવાથી તે ફૂટપાથ ઉપર જ રહેતો હતો અને પાયલ પણ ફૂટપાથ ઉપર રહેતી હોય બંને એકસાથે જ અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા હતા. હાલ પોલીસે નરસિંમહાની ધરપકડ કરી તેને લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. આ સાથે પોલીસે અપહરણના ત્રણેય આરોપીની સામે રેલવે કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.