• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Energy Minister Mukesh Patel, Who Has Clashed With Women IAS For Power Sub station In Surat, Has No Time To Inaugurate The Station Ready For Six Years

દીવા તળે જ અંધારું:સુરતમાં વીજ સબ-સ્ટેશન માટે મહિલા IAS સાથે બાખડનારા ઊર્જામંત્રી મુકેશ પટેલને છ વર્ષથી તૈયાર સ્ટેશનનું ઉદઘાટન કરવાનો સમય જ નથી

સુરત13 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
  • ઊર્જા રાજ્યમંત્રીની કરની અને કથનીમાં વિરોધાભાસઃ સુરતની 43 વીજ સબ-સ્ટેશનની અરજીઓ પેન્ડિંગ

ગત રોજ ગાંધીનગરમાં ઊર્જા વિભાગની રિવ્યુ બેઠકમાં વીજ સબ-સ્ટેશનની જમીન ફાળવણી બાબતે રાજ્યકક્ષાના ઊર્જામંત્રી અને ઊર્જા નિગમનાં એમડી મહિલા IAS શાહમીના હુસૈન વચ્ચે લાંબી દલીલો ચાલી હતી. આ મુદ્દો હાલ ચર્ચામાં આવી ગયો છે. ત્યારે રાજ્યકક્ષાના ઊર્જામંત્રી મુકેશ પટેલના મતવિસ્તાર અને સુરત શહેર જિલ્લામાં સબ-સ્ટેશનની જમીન ફાળવણીની કુલ 43 અરજી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. આ સાથે સુરત જિલ્લાના વેલુક ગામમાં 66 KV સબ-સ્ટેશનનું કામ પૂર્ણ થયાનાં 6 વર્ષ બાદ પણ ઊર્જામંત્રી ઉદઘાટન પણ કરાવી શક્યા નથી.

ઊર્જામંત્રીના વિસ્તારમાં વીજળી બાબતે લોકોને હાલાકી
2015માં ગેટકો સત્તાવાળાઓએ રેકોર્ડ સમયમાં ઓલપાડના વેલુક ગામમાં 66 KV સબ-સ્ટેશનનું બિલ્ડિંગ અને કમિશનિંગ પૂર્ણ કર્યું હતું. સ્થાનિક નેતા, રાજ્ય ઊર્જા વિભાગ અને ગુજરાત સરકારને અસંખ્ય વિનંતીઓ છતાં વેલુક સબ-સ્ટેશનનું ઉદઘાટન કરવાનું બાકી છે. વિડંબના એ છે કે ઓલપાડ વિધાનસભા મતવિસ્તાર ભાજપનો છે અને બે ટર્મથી ધારાસભ્ય મુકેશ પટેલ રાજ્યના ઊર્જામંત્રી છે. આમ છતાં વેલુક ગામમાં 66 KV સબ-સ્ટેશનનો પૂર્ણ થયેલા પ્રોજેક્ટના ઉદઘાટનમાં સરકારના ઉદાસીન વલણને કારણે હજારો ગ્રામજનો અને ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.

હજુ વધુ સમય ઉદઘાટન વિના સબ-સ્ટેશન ખંડેર બની જાય તો નવાઈ નહીં.
હજુ વધુ સમય ઉદઘાટન વિના સબ-સ્ટેશન ખંડેર બની જાય તો નવાઈ નહીં.

રહેવાસીઓને નવું વીજ-જોડાણ મળતું નથી
રાજ્યના ઊર્જામંત્રી મુકેશ પટેલે સુરત જિલ્લામાં સબ-સ્ટેશનના જમીન સંપાદન અને અન્ય મુદ્દાઓને લઈને યોજાયેલી ઊર્જા વિભાગની સમીક્ષા બેઠકમાં ઊર્જા નિગમનાં એમડી મહિલા IAS સાથે શાબ્દિક ટપાટપી કરી હતી. સુરત શહેરમાં 13 જેટલી અને જિલ્લામાં 30 જેટલી અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. ઓલપાડના દરિયાકાંઠાનાં ગામોમાં રહેવાસીઓને નવું વીજ-જોડાણ મળ્તું નથી. ઓલપાડ સબ-સ્ટેશન ઓવરલોડ હોવાનું જણાવીને સત્તાવાળાઓ દ્વારા તેમની અરજીઓ નકારી કાઢવામાં આવે છે. આવા સંજોગોમાં વેલુક ગામ ખાતે 66 KV સબ-સ્ટેશન શરૂ થવાથી ઓલપાડ તાલુકામાં વીજળીની કટોકટીનો ઉકેલ લાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.

2015માં રેકોર્ડબ્રેક સમયમાં સબ-સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.
2015માં રેકોર્ડબ્રેક સમયમાં સબ-સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.

ઊર્જામંત્રી માત્ર બધાની નજરમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ઘાટ
એક તરફ, ધારાસભ્ય નવાં સબ સ્ટેશનો માટે જમીન ફાળવણીના મુદ્દે અધિકારીઓ સામે બાંયો ચઢાવી રહ્યા છે. ઉગ્ર રીતે રજૂઆત કરી રહ્યા છે અને બેઠકો છોડીને જતા રહેવાનું વર્તન કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ, પોતાના વિસ્તારમાં થયેલ તૈયાર થયેલા સબ-સ્ટેશનનું ઉદઘાટન કરવામાં પણ તેઓ નિષ્ફળ થઇ રહ્યા છે, જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં મુકેશ પટેલનું વર્તન જોતાં એવું લાગી રહ્યું છે કે તેમણે પ્રજાના પ્રશ્નો અને ઉકેલ લાવવા કરતાં પોતે રજૂઆતો કરીને માત્ર બધાની નજરમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે.

હાલ સબ-સ્ટેશનની અંદર જંગલ જેવું થઈ ગયું છે.
હાલ સબ-સ્ટેશનની અંદર જંગલ જેવું થઈ ગયું છે.

સબ-સ્ટેશનના ઉદઘાટન ન થવાને લઈને ઊર્જામંત્રીએ મૌન સેવ્યું
દિવ્ય ભાસ્કરે રાજ્યકક્ષાના ઊર્જામંત્રી મુકેશ પટેલ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVCL)ના મેનેજિંગ ડિરેક્ટરને અમારા વિસ્તારની સબ-સ્ટેશન માટેની જે પેન્ડિંગ અરજીઓ છે એના માટે રજૂઆત કરી હતી. ઝડપથી એનો નિકાલ આવે એ જરૂરી છે. મેં મારી વાજબી વાત તેમના સમક્ષ મૂકી હતી. જોકે તેમને જ્યારે તેમના વિસ્તારમાં તૈયાર થયેલા સબ-સ્ટેશનનું ઉદઘાટન કેમ હજુ સુધી કર્યું નથી એવો પ્રશ્ન પૂછતાં તેમણે કંઈપણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.