આવેદન:મીઠીખાડી પૂરના કાયમી ઉકેલ માટે આંદોલન 150 સોસા.ના રહીશો આજે જાહેર સભા યોજશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા 7 દિવસમાં માગણીઓ નહીં સંતોષે તો ભૂખ હડતાળની ચિમકી
  • દર વર્ષની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા ચર્ચા કરી આવેદન અપાશે

શહેરની મીઠીખાડીમાં લગભગ દર વર્ષે આવતા પૂરના કાયમી નિરાકરણ માટે આવતીકાલે શનિવારે ખાડીપૂરથી અસરગ્રસ્ત બનેલી 150 સોસાયટીઓના રહીશો દ્વારા પરવટપાટિયા ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકામાં સત્તાધીશોને રજૂઆત બાદ અઠવાડિયામાં પ્રશ્નોનું નિરાકરણ નહિં આવે તો રહીશો દ્વારા ભૂખ હડતાળ સુધીના ઉગ્ર કાર્યક્રમ કરવાની ચિમકી આપવામાં આવી છે. શનિવારે પરવત પાટિયા, માધવબાગ પાસે આવેલ કષ્ભંજન હનુમાનજી મંદિરમાં રાત્રે ૯ કલાકે જાહેરસભા બોલાવાઇ છે.

નોંધનીય છે કે, મીઠીખાડીને ડ્રેજીંગ કરવા માટે બે-બે વખત ટેન્ડર મંગાવીને દફતરે કરાયા હતા. જેથી 2 લાખથી વધુ લોકો ખાડીપૂરથી અસર થયા છે. ખાડીપૂરથી લોકો બેથી ત્રણ દિવસ ઘરમાં પુરાય રહેતા કામકાજ ખોરવાયા હતા. ઘરવખરી સહિત કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અસરગ્રસ્તો જણાવી રહ્યા છે. જેથી તાકીદે ખાડીપૂરથી અસરગ્રસ્તોને સહાયપેકેજ આપવામાં આવે તેવી રહીશોની માંગણી છે.

ખાડી ઊંડી કરવા, મિલેનિયમ-4 પાસેના 2 દબાણો દૂર કરવા સહિતની માગણી કરાઈ
અસરગ્રસ્તોની મુખ્ય માંગણી છે કે, ખાડીનું ડ્રેજીંગ કરી ઊંડી કરવામાં આવે. મિલેનિયમ 4 આગળ બે જગ્યાના દબાણો દૂર કરી ખાડીને પહોળી કરવામાં આવે. ગટરોના પાણી અને વાલકના ડાયવર્ટ કરેલા પાણી મીઠીખાડીમાં આવતા બંધ કરવામાં આવે. ખાડીમાં આવતી દુર્ગંધને કાયમ માટે દૂર કરવામાં આવે, પુરગ્રસ્ત વિસ્તારને નુકશાન સહાય પેકેજ આપવા સહિતની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...