પુત્રીને લઈને જતી માતાના CCTV:સુરતમાં તાપી નદીમાંથી માતા અને 2 વર્ષની પુત્રીની બાંધેલી હાલતમાં લાશ મળી, પારિવારિક ઝઘડાને કારણે પગલું ભર્યું: પિયર પક્ષ

સુરત11 દિવસ પહેલા
  • મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ્ડ હોવાથી ઓળખ થવામાં મુશ્કેલી થઈ
  • માતા-પુત્રીની ઓળખ થતાં પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો

સુરતમાં મધર્સ ડેના દિવસે દયાળજીબાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીનો દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. કોઈક રાહદારીની નજર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. દરમિયાન માતા પુત્રીને લઈને જતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મૃતક માતા દિપાલી સાગર દૈવે અને બે વર્ષીય પુત્રી ક્રિશાની ઓળખ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે પહોંચ્યાં હતાં. પિયર પક્ષે જણાવ્યું હતું કે પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે.

ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દૈવેએ ગત તારીખ 07-05-2022ના રોજ 26 વર્ષીય દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયાં હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રિવર વ્યૂ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલી માતા અને પુત્રીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી નદીમાંથી બંનેની લાશ કાઢી રાંદેર પોલીસે કબજે કરી હતી. પરિવારજનોને માહિતી મળતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતાં.

મૃતક માતા અને પુત્રીની ફાઈલ તસવીર.
મૃતક માતા અને પુત્રીની ફાઈલ તસવીર.

ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા
મૃતકના પતિ સાગર દૈવે ઈલેક્ટ્રિક કોન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે. પત્ની દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા માતા-પિતા સાથે રહેતાં હતાં. સાગર દૈવે અને દિપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. મૂળ મહારાષ્ટ્રના નાદુરબાર જિલ્લાના બુલડાના વતની છે. દાંપત્ય જીવનમાં પણ સતત કંકાસ થતો રહેતો હોવાની ચર્ચા ચાલી રહી છે. પતિના પરિવારના સભ્યો સાથે દિપાલી ખુશ ન હોય એેવું જણાઈ આવતું હતું.

એક દિવસ બાદ મૃતક માતા-પુત્રીની ઓળખ થતાં પરિવાર દોડી આવ્યો.
એક દિવસ બાદ મૃતક માતા-પુત્રીની ઓળખ થતાં પરિવાર દોડી આવ્યો.

મૃતકના ભાઈએ આક્ષેપો કર્યા
મૃતક દિપાલીના ભાઇ પુનિત સોનાવણેએ જણાવ્યું હતું કે હતું કે મારી બેનના પારિવારિક ઝઘડા થતા હતા. તેમની સાસુ અને નણંદના કારણે પારિવારિક ઝઘડા થતા હતા. પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે. મારી બેન ઘણા સમયથી ઉદાસ રહેતી હતી. તે પારિવારિક જીવનમાં ખુશ ન હોય એવો મને અનુભવ થતો હતો.

મૃતકનાં પરિવારજનોએ આક્ષેપ કર્યા.
મૃતકનાં પરિવારજનોએ આક્ષેપ કર્યા.

બન્નેનાં સેમ્પલ ફોરન્સિક તપાસ માટે મોકલાયાં
મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા અને બાળકીનું ફોરેન્સિક વિભાગ દ્વારા પોસ્મમોર્ટમ કરવામાં આવ્યું હતું. બન્નેનાં શરીર પર કોઈ ઈજાનાં નિશાન મળ્યાં નહોતાં તેમજ બન્નેનાં મોત ડૂબી જવાને કારણે થયા હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બન્નેનાં સેમ્પલ લઈ ફોરેન્સિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.