સુરત અને તાપી જિલ્લામાં તોલમાપ કાયદાનો ભંગ કરનારા 47 જેટલા વેપારીને તોલમાપ વિભાગ દ્વારા ઝડપી પાડી તેમની પાસેથી રૂ.32,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ વેપારીઓ છાપેલી કિંમત કરતા વધુ કિંમત કે વજનમાં ઓછુ આપી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા.સુરત અને તાપી જિલ્લાની મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના નિરિક્ષકોની ટીમે મે મહિના દરમિયાન વેપારી અને એકમોની ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું હતું. અને ધી લીગલ મેટ્રોલોજી રૂલ્સ તથા ધી પેકેઝ કોમોડિટીઝ રૂલ્સની જોગવાઈઓ અને કાયદાના ભંગ બદલ 1100 વેપારી/એકમો સામે કેસ કરી રૂ.13,25,152ની ચકાસણી અને મુંદ્રાકન અંગેની સરકારી ફી વસૂલ કરવામાં આવી હતી. જ્યારે સુરત અને તાપી જિલ્લામાં મોબાઈલ કોર્ટ દરમિયાન 47 વેપારી સામે પ્રોસિકયુશન કેસ કરી રૂા.32,000નો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો હતો.
ગ્રાહકો તરફથી મળેલી ફરિયાદો અન્વયે નિરીક્ષકો દ્વારા ઓચિતી તપાસ કરી દુધ, છાશ, સિગારેટ, કોલ્ડડ્રિકસ જેવી ચીજવસ્તુઓ છાપેલી કિંમત કરતા વધુ ભાવો લેતા હોવાનું માલુમ પડતા સારોલી ખાતેના કુબેરજી વલ્ડ માર્કેટના દિપકકુમાર વ્યાસ, પલસાણા ચોકડી પાસે આવેલી હોટલ રજવાડી કાઠીયાવાડી, પલસાણાના દસ્તાન ફાટક નજીક ધનલક્ષ્મી ટોબેકો એન્ડ ટ્રેડ સ્ટોર, કામરેજ ચાર રસ્તા ખાતે મુરલીધર પાન પેલેસ, પલસાણાના બલેશ્વર ને.હા.નં.48 હોટલ રામદેવ જેવી દુકાનો પર પ્રોસેકયુશન કેસો કરીને રૂ.10,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વેપારી મૂળ કિંમત કરતાં વધુ રૂપિયા વસૂલતા તેમજ ઓછું માપ આપ કરી ગ્રાહકને છેતરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.