સુરતની કડોદરા GIDCમાં આગ:જીવ બચાવવા 70થી વધુ કામદારો બિલ્ડિંગ પરથી કૂદતાં એકનું મોત, 20ને ફ્રેક્ચર થયું

સુરત,પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફેકટરીના છત પર જીવ બચાવવા ચઢેલા 65 જેટલા કામદારોને હાઇડ્રોલિક ક્રેઇનની મદદથી વારાફરતી નીચે ઉતાયા હતા, - Divya Bhaskar
ફેકટરીના છત પર જીવ બચાવવા ચઢેલા 65 જેટલા કામદારોને હાઇડ્રોલિક ક્રેઇનની મદદથી વારાફરતી નીચે ઉતાયા હતા,
  • ગ્રાઉન્ડ ફ્લોર પર ફેક્ટરી ચાલતી જ્યારે 4-5મા માળે કામદારો રહેતા હતા
  • કંપની માલિક સહિત 3 સામે સાપરાધ માનવવધનો ગુનો
  • બળીને મરી જવું એના કરતા બચી જઈએ એ આશાએ ઉપરથી કૂદી પડ્યાં: કામદારો
  • પ્લાસ્ટિકના રો મટીરિયલના લીધે આગ વધુ વિકરાળ બની

સુરત નજીક કડોદરાના વરેલી ગામે આવેલી વિવાહ પેકેજિંગ કંપનીમાં રવિવારે મધરાતે શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. જેમાં 200થી વધુ કામદારો ફસાઈ ગયા હતા. કારખાનામાં એક કામદારનું સળગી જવાથી તો અન્ય એક કામદાર કૂદી જવાના કારણે ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો હતો. જીવ બચાવવા માટે 70થી વધુ કામદારો અલગ-અલગ માળેથી કૂદ્યા હતા, જેમાંથી 20ને હાથ-પગે ફ્રેક્ચર થયું હતું. સુરત ફાયર વિભાગે 125થી વધુને બિલ્ડિંગની ટેરેસ પરથી રેસક્યુ કર્યા હતા.

આ ઘટનામાં પોલીસે કંપનીના માલિક જનક મધુભાઈ જોગાણી (મહાલક્ષ્મી સોસાયટી, યોગીચોક), શૈલેષ વિનુભાઇ જોગાણી (કવિતા રો-હાઉસ, સરથાણા જકાતનાકા) અને મેનેજર દિનેશ નાથાલાલ વઘાસિયા (અંગના સોસાયટી, સીમાડા) સહિત ત્રણ વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો નોંધ્યો છે. આગમાં ઇજાગ્રસ્ત 18 કામદારને ચલથાણની સંજીવની હોસ્પિટલમાં તેમજ અન્યને સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે કંપનીમાં અંદાજીત નાઈટ શિફ્ટમાં 350થી વધુ કામદારો ફેકટરીમાં કામકારી રહ્યા હતા.

ઘાયલ કામદારોને હોસ્પિટલ ખસેડવા એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી.
ઘાયલ કામદારોને હોસ્પિટલ ખસેડવા એમ્બ્યુલન્સની લાઈન લાગી હતી.

સેંકડો કામદારો ગભરાઈને બિલ્ડિંગની છત પર ચઢી ગયા હતા પણ ધીરજ ખૂટતાં કેટલાક કામદારો દોરડું બાંધી નીચે ઉતરવાની કોશિશ કરી હતી. જેમાં કામદાર અબ્દુલકદીર અબ્દુલસમદ ભરવલિયા પાઇપ પકડી નીચે ઉતરવા જતા નીચે પટકાતા મોત થયું હતું. જ્યારે ફેકટરીના બેઝમેન્ટમાં કામદાર મોહન ક્રિપાકાંત અમેરી ઝા (ઉ.વ.18) આગમાં ભડથું થઈ ગયો હતો.

શ્વાસ ન લેવાતા ચોથા માળેથી કૂદી પડ્યો હતો
આજુ બાજુ ધુમાડો હતો કઈ દેખાતું ન હતું. શ્વાસ પણ લેવાતો ન હોવાથી જીવ બચાવવા ચેનના પટ્ટાથી ચોથા માળે ઉતર્યા બાદ નીચે પતરાના શેડ પર કુદી પડ્યો હતો. જેથી જીવ બચ્યો હતો. - અખીલેશ શાહ

બળીને મરી જવા કરતા કૂદીને જીવ બચાવી લીધો
અમે લોકો ત્રીજા માળે સુતા હતા ત્યારે ભાગો ભાગો અવાજ આવ્યો હતો.શ્વાસ લેવાતો ન હતો.ભાગવાનો કોઈ ચાન્સ ન હતો.પછી વિચાર્યું કે બળીને મરી જશુ એની કરતા કુદીને જીવ બચાવી બચાવ્યો. - રામસુરત

મગજ કામ કરતું બંધ થઈ ગયુને અંતે છલાંગ લગાવી
અમે સુતા હતા અચાનક ધુમાડો થતા મગજ કામ કરતુ ન હતું કે નીચે જઈએ કે કુદીને જીવ બચાવીએ ધુમાડો શ્વાસ નળીમાં જતો હતો અેટલે બળતરા થવા માંડી હતી.ચેઈનનું બંડલના મદદથી હિમંતભેર કુદી પડ્યો. - હસન મોહમ્મદ

મારી સાથે અનેક લોકો જીવ બચાવવા કૂદી પડ્યા હતા
ધુમાડો બંધ થતો ન હતો. ગુંગળામણ થવા માંડી એટલે જીવ બચાવવાનો કોઈ વિકલ્પ ન જણાતા ત્રીજા માળેથી કુદી પડ્યો. મારી સાથેના અન્ય લોકો કુદી રહ્યા હતા. - દુર્ગેશ ગૌતમ

અન્ય સમાચારો પણ છે...