સુરતના સમાચાર:ગણેશ પંડાળોમાં 5200 કરતા વધારે કોરોના પ્રિકોશન ડોઝ, તાપી નદીમાં ગણેશજી માટીની પ્રતિમાનું વિસર્જન કરવા દેવાની માંગ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગણેશ ઉત્સવ ધાર્મિક આસ્થાની સાથે સેવાકીય કામગીરીનું માધ્યમ. - Divya Bhaskar
ગણેશ ઉત્સવ ધાર્મિક આસ્થાની સાથે સેવાકીય કામગીરીનું માધ્યમ.

ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વકનું ઉજવણી શહેરમાં થઈ રહી છે. ગણેશ મંડળો દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગણેશ મંડપમાં પ્રિકોશન ડોઝ આપવાનો નિર્ણય લેવાયો હતો. શહેરના વિવિધ ગણેશ મંડળોમાં જઈને આરોગ્ય વિભાગએ અત્યાર સુધીમાં 5,200 કરતાં વધુ ડોઝ લોકોને આપ્યા છે.

આરોગ્ય વિભાગે 119 મંડપમાં વ્યવસ્થા કરી
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ દરમિયાન રાજ્યમાં સૌથી ઝડપથી સો ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી હતી. સુરત શહેરમાં અત્યારે પણ કોરોના સંક્રમણના કેટલાક કેસો આવતા હોવાને કારણે કેન્દ્ર સરકારે જે પ્રિકોશન ડોઝ આપવા માટેની સૂચના આપી છે તે મુજબ કામ થઈ રહ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન અત્યાર સુધીમાં 119 જેટલા ગણેશ પંડાળોમાં જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 5200 કરતા વધુ વેક્સિન આપવામાં આવી છે.

અનંત ચતુર્થી સુધી વેક્સિનેશનની કામગીરી થશે
આરોગ્ય અધિકારી કૃતિકા પટેલે જણાવ્યું કે કોરોના સંક્રમણ માટે વેક્સિનેશનની જરૂરિયાત છે. સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન અનેક પ્રકારની કામગીરી થતી હોય છે. જેમાં બ્લડ ડોનેશન સહિતના વિવિધ સામાજિક કામો થતા હોય છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ અહીં મોટી સંખ્યામાં એકત્રિત થતા લોકોને સરળતાથી વેક્સિનેશન થઈ જાય તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના 250 જેટલા કર્મચારીઓ રોજ અલગ અલગ ગણેશ ઉત્સવ સ્થળે જઈને વેક્સિનેશન કરી રહ્યા છે.આ કામગીરી અનંત ચતુર્થી સુધી થશે.

તાપી નદીમાં ગણેશજી માટીની પ્રતિમાનું વિસર્જન કરવા દેવાની માંગ
ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેર ગણેશ વિસર્જન ઓવારા સમિતિ દ્વારા તાપી નદીમાં ગણેશ વિસર્જનની મંજૂરી આપવામાં આવી છે. સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 2018 થી તાપી નદીમાં ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવાની તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી છે. ત્યારે અમારી માંગ છે કે, તાપી નદીમાં માટીની ગણેશજીને પ્રતિમાનું વિસર્જન કરવા દેવાની અમને મંજૂરી આપવી જોઈએ.

લાગણી દુભાઈ છે
ગણેશ વિસર્જન ઓવારા સમિતિના પ્રમુખ ચેતન ખોલવડવાળાએ જણાવ્યું હતું કે, શહેરમાં 34 ઓવારા છે. આ તમામ ઓવારા ઉપર અગાઉ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન રંગ ચંગે થતું હતું. પરંતુ 2018 ના વર્ષથી વિસર્જન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને પ્રતિમાઓનો વિસર્જન દરિયામાં થઈ રહ્યું છે. ત્યારે ગણેશજીની પ્રતિમાઓને લાગણી દુભાય તે રીતે વિસર્જન થતું હોવાની ભાવિકો અને અમારી લાગણી દુભાતી હોવાથી અમે માંગ કરી રહ્યા છીએ. દરિયાની ભરતી દિવસમાં બે વખત આવે છે. એટલે તાપી નદી તો શુદ્ધ જ રહે છે. તંત્ર દ્વારા આઉટલેટનું ધ્યાન રાખવામાં આવતું નથી. પરંતુ ગણેશજીને પ્રતિમા વિસર્જિત શા માટે નથી કરવા દેવામાં આવતી તે અમને સમજાતું નથી. તેથી અમે પર્યાવરણને પ્રદૂષણ ન પહોંચે તે રીતે વિસર્જન કરવાની માંગ કરી રહ્યા છીએ.

કાયદાકીય લડત ચલાવીશું
ગણેશ વિસર્જન સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, અમને લિમિટેડ સાઈઝની મૂર્તિની પરમિશન આપવી જોઈએ ભલે વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય પરંતુ અમે તૈયાર છીએ. જો અમને મંજૂરી આપવામાં આવશે, તો અમે લોકોને ભક્તિ ભાવ જળવાઈ રહે તે રીતે વિસર્જન કરીશું. અમે આ અંગે સીઆર પાટીલને આવેદનપત્ર આપ્યું છે અને આગામી સમયમાં પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને અમને વિસર્જન કરવા દેવાને મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરીશું.

અન્ય સમાચારો પણ છે...