તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઓરિજિનલ:દાઝ્યા પર ડામ - વીમા કંપનીઓની કોરોના દર્દીઓના બીલ પાસ કરવામાં આડોડાઇ, ગ્રાહક કોર્ટમાં ચાર મહિનામાં 400થી વધુ કેસ

સુરત4 મહિનો પહેલાલેખક: સલીમ શેખ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હોસ્પિટલોએ દર્દીઓના આડેધડ બીલ બનાવ્યા અને વાંધાવચકા કાઢી વીમા કંપનીએ નામંજૂર કર્યા
  • કેટલાકને હાઈપર ટેન્શનનું કારણ ધરી ક્લેઇમ ન આપ્યો

છેલ્લા સાડા ચાર માસમાં સુરતની ગ્રાહક કોર્ટમાં 400થી વધુ લોકોએ વીમા કંપનીની આડોડાઇ સામે કેસ કર્યા છે. લોકોને આરોગ્યની સાથે નાણાકીય મુશ્કેલી અને હવે કોર્ટના શરણે જવાનો વારો આવ્યો છે. કોરોના કાળનો લાભ લઇને વીમા કંપનીઓએ પણ લોકોને લૂંટવામાં કશું બાકી રાખ્યું નથી. વીમા કંપનીઓ જુદા જુદા બહાના કાઢીને કોરોના દર્દીઓના વીમાની રકમ આપવાથી મોં ફેરવી રહી છે. પીપીઇ કીટ, ગ્લોવ્સ, ઓક્સિમીટર સહિતના ચાર્જિસ તો કંપનીઓએ પૂરેપૂરા કાપી જ નાખ્યા છે. ઇન્જેક્શનના કેસમાં તો વીમા કંપનીઓ કહે છે આ ‘રિઝનેબલ’નથી. હોસ્પિટલોથી પણ લોકો નાણાકીય રીતે દાઝ્યા છે. બાયોવેસ્ટનો ચાર્જપણ દર્દીઓના માથે નાખી દેવાયો છે.

વીમા કંપનીએ ડાયાબિટિસ હોવાનું કહી ક્લેઇમ નામંજૂર કર્યો
અનિલ ચૌહાણ નામના દર્દી વરાછાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા, 11 દિવસની સારવાર બાદ તેમને 5.50 લાખનું બિલ પકડાવી દેવાયુ હતુ. વીમા કંપની પાસે જ્યારે ક્લેઇમ કરાયો તો તેણે તે નકાર્યો હતો અને કારણ આપ્યુ હતુ કે દર્દીને અગાઉથી જ ડાયાબિટિસ અને હાયપરટેન્શન હતુ. વકીલે જવાબ આપ્યો કે ડાયાબિટિસ અને વાયરસને શું લેવા-દેવા. આ કેસમાં પાછળથી આ કેસમાં માલુમ પડયુ કે હોસ્પિટલે ખોટી રીતે ડાયાબિટિસની બિમારી લખી દીધી હતી.

45 હજારના ઇન્જેક્શન અપાયા, વીમા કંપનીએ કહ્યું - ભાવ રિઝનેબલ નથી
વાસણ‌વાલા પરિવારના સભ્યને ઉધના દરવાજા કેનાલ રોડ પરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આ‌વ્યા હતા. ડિસ્ચાર્જ વખતે તેમને રૂપિયા 3.76 લાખનું બિલ આપવામાં આવ્યુ હતુ. વીમા કંપનીએ તેમાંથી રૂપિયા 1.96 લાખનું બિલ રિજેક્ટ કરી દીધું હતુ. જેમાં એક કારણ એ આપ્યુ હતુ કે હોસ્પિટલે બેવાર 45-45 હજારના ઇન્જેકશન લગાવ્યા છે. જે રિઝનેબલ નથી. આ ઉપરાંત પણ પીપીઇ કીટ, ગ્લોવ્ઝ, ઓક્સિમિટરનો ચાર્જ કાપી લેવાયો હતો.

વીમા કંપનીએ કહ્યું, હોસ્પિટલના ખર્ચ ચુકવાય, એમ્બ્યુલન્સનો નહીં
જૈન પરિવારના સભ્યને પહેલાં અઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોરોનામાં તબિયત વધુ બગડતા મુંબઇની ફાઇવસ્ટાર કક્ષાની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સથી ખસેડવાની નોબત આવી હતી. એક ટ્રીપમાં તેમને 15 હજાર અને બીજામાં 17500નો ચાર્જ થયો હતો. આ ક્લેઇમ વીમા કંપની સમક્ષ રજૂ કરાયો જે નકારી કઢાયો હતો.વીમા કંપનીએ કહ્યુ હોસ્પિટલમાં જે ખર્ચો થયો તે ચૂકવાય, એમ્બ્યુલન્સનો નહીં.

સવા વર્ષમાં હજાર કેસ, પહેલા મહિને 70થી 80 કેસ આવતા હતા
સવા વર્ષમાં હજાર જેટલાં કેસ દાખલ થયા છે. અગાઉ પહેલાં રાઉન્ડમાં દર મહિને 70 થી 80 કેસ આવતા હતા, જે હવે વધીને દર મહિને 110થી વધુ આવી રહ્યા છે. મોટા ભાગના કેસ મેડિકલ ક્ષેત્રના આવી રહ્યા છે. જેમાં પણ સૌથી વધુ કોરોના દર્દીના જોવા મળી રહ્યા છે.

વીમા કંપનીઓએ અનેક બિલો મંજૂર કર્યા નથી
વીમા કંપનીઓએ અનેક બિલો પર કાતર ફેરવી છે. હોસ્પિટલોએ વધુ પડતા બિલ આપ્યા હોવાની દલીલ સાથે બિલ કાપ્યા છે તો જે પીપીઇકીટ વગેરે વપરાય છે તેનો ચાર્જ પણ આપ્યો નથી. આવા કેસ હાલ કોર્ટમાં જઇ રહ્યા છે. એસએમસીના ધારાધોરણ મુજબ બિલ નથી એમ કહીને પણ બિલ કાપ્યા છે. - શ્રેયસ દેસાઈ, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...