પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોન પર અપાતી 2.67 લાખની સબસિડી છેલ્લા 4-4 વર્ષોથી નહીં મળતા હજારો લોકો રોજે-રોજ બેંકોના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. બીજી બાજુ સમયથી સબસિડી નહીં મળતા ફાયનાન્સ કંપનીઓ પાસેથી હોમ લોન લેનારા હજુ પણ 9થી 10 ટકા ઇન્ટરેસ્ટ રેટ પર ઈએમઆઈ ભરી રહ્યા છે. કોવિડ બાદ RBIએ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યા છતાં ઘણી બધી ફાયનાન્સ કંપનીઓએ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યું નથી. જેના કારણે સબસિડીની રાહમાં લોકો છેલ્લા 4 વર્ષથી 9થી 10 ટકા સુધી વ્યાજ ભરવા મજબૂર છે. સુરતમાં 20 હજારથી વધુ લોકોની 500 કરોડથી વધુની સબસિડી બાકી છે.
સબસિડી મળશે કે નહીં આવી મુંઝવણના કારણે હજારો લોકો દરરોજ બેંકોના ધક્કા ખાઈ રહ્યા છે. બીજી બાજુ સબસિડી સ્કીમ બંધ થઈ ગઈ હોવાથી જે લોકોની ક્લેપ આઈડી જનરેટ થઈ ગઈ છે તેઓને વધારે મુંઝવણ છે. કેમ કે, તેમને સબસિડી ક્યારે મળશે તે અંગે બેંકો ચોક્કસ જવાબ આપતી નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના પોર્ટલ પરથી મળેલા આંકડા મુજબ સુરત શહેર માટે કુલ 2684.73 કરોડની સબસિડી સેંક્શન કરાઈ છે. જેમાંથી 2116.05 કરોડની સબસિડી રિલીઝ કરી દેવાઈ છે.જ્યારે હજુ પણ શહેરમાં 20 હજારથી વધુ લોકોની 568 કરોડની સબસિડી રિલીઝ કરવાની બાકી છે. નિયમો પ્રમાણે જો, ગ્રાહકો સબસિડી પહેલા હોમ લોન ટ્રાન્સફર કરાવી લે તો તેને સબસિડીનો લાભ નહીં મળે.
બેંકકર્મીઓ-કસ્ટમર કેરવાળા પણ કોઈ ચોક્કસ માહિતી આપતા નથી
છેલ્લા 2 વર્ષથી સબસિડી સ્ટેટસ ત્રીજા સ્ટેજ ઉપર જ બતાવે છે
વર્ષ 2018માં ICICIમાંથી લોન લીધી હતી. સબસિડી માટે બેંક મને સતત ધક્કો ખવડાવી રહી છે અને કોઇ ચોક્કસ જવાબ નથી આપતી. PMAYની મેઇલ આઈડી પરથી પણ કોઈ ચોક્કસ જવાબ મળતો નથી. - યોગેશ ટેલર, ICICI બેંક ગ્રાહક
સબસિડીના ચક્કરમાં 10.75 % વ્યાજ દરે લોન ભરવા મજબૂર
2017માં ડીએચએફએલમાં લોન લીધી હતી. અગાઉ પૂછતો તો કહેતા કે, વાર લાગશે, પછી કહ્યું કંપનીની ટેક ઓવરની કામગીરી ચાલી રહી છે અને હવે કહે છે કે, રાહ જુઓ આવશે. 10.75% લેખે વ્યાજ ભરી રહ્યો છું. - સુબોધ પટેલ, DHFL
મારા પછી લોન લેનારાઓને પણ સબસિડી મળી
2019માં લોન લીધી હતી.3 વર્ષ છતાં સબસિડી મળી નથી. બે મહિના પહેલા જ સ્ટેટસ પ્રથમ સ્ટેજથી વધીને ત્રીજા સ્ટેજ પર પહોંચ્યું છે. મારા પછી લોન લેનારા લોકોને પણ સબસિડી મળી ગઈ. બેંકવાળા કહે છે પ્રોસેસમાં છે. - બિનલ મેવાડા, BOB
સબસિડી માટે 6 વર્ષથી બેંકના ધક્કા ખાઉં છું
2016માં 13% લેખે 20 વર્ષ માટે લોન લીધી હતી. 6 વર્ષ બાદ પણ સબસિડી મળતી નથી. 9.5 ટકા લેખે વ્યાજ ભરી રહ્યો છું. 20 વર્ષની લોન 6 વર્ષ ભર્યા બાદ પણ 20 વર્ષ બાકી બતાવે છે. - નિતિન તિવારી, DHFL ગ્રાહક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.