શિક્ષણ સમિતિની સ્કૂલોમાં બેદરકારી:1.50 લાખથી વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત, વિદ્યાર્થીઓને ટિફિન લાવવાની નોબત

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું છે પરંતુ પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 320થી વધુ શાળાઓના 1.50 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પુરુ પાડવામાં આવતું નથી. એટલું જ નહીં કોરોનાકાળમાં સ્કૂલો બંધ હતી ત્યારે મધ્યાહન ભોજન અંતર્ગત ફુડ સિક્યુરિટી એલાઉન્સ રીતે અપાતું અનાજ પણ બંધ કરી દેવાયું છે. આ સંદર્ભે પૂર્વ સભ્યે પાલિકા કમિશનરને આવેદન આપી રજૂઆત કરી છે.

કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી બાળકોને મધ્યાહન ભોજન યોજનાનો લાભ મળી શક્યો ન હતો. જેથી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના ‘ફૂડ સિક્યુરીટી એલાઉન્સ’ના રૂપે જરૂરી અનાજ પુરવઠો સરકારી સસ્તા અનાજની દુકાનો થકી આપવા આદેશ કરાયો હતો. પરંતુ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઓફલાઇન ચાલુ કરવામાં આવતા બાળકોને આપવામાં આવતંુ ફુડ સિક્યુરિટી એલાઉન્સ પણ બંધ કરાયું હતું. હવે શાળા શરૂ થઇ ગઇ ત્યારે બાળકોને પોષણ માટે અપાતું મધ્યાહન ભોજન પણ ચાલું કરવામાં આવ્યું નથી.

આ માટે જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. ઉપરાંત બાલવાડીના 3000 બાળકોને પણ મધ્યાહન ભોજન મળતું નથી. હવે શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાને આરે હોવાથી જવાબદારો આ મુદ્દે કોઈ તસ્દી લેતા નથી. નવા સત્રથી જ મધ્યાહાન ભોજન ફરી શરૂ કરાય તેવું હાલ લાગી રહ્યું છે. આ મામલે શાસનાધિકારી વિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, મધ્યાહન ભોજન શરૂ કરવા માટે હજુ સુધી સરકાર તરફથી પરવાનગી અપાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...