પાલિકામાં આગામી વર્ષ 2023-24 માટેના બજેટની ક્વાયત શરૂ થઈ ગઈ છે. ઝોન-વિભાગો પોતાના લેખાજોખા તૈયાર કરવા માંડ્યા છે. જાન્યુઆરી અંત સુધીમાં કમિશનર શાલિની અગ્રવાલ ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દેશે. જો કે, છેલ્લા ઘણા વર્ષોથી પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવા છતાં દર બજેટમાં ફૂલગુલાબી સ્થિતિ દર્શાવવા નવી નવી જોગવાઇઓ અને પ્રોજેક્ટો મૂકાતા હોય છે.
ક્યારેય વાસ્તવિક બજેટ રજૂ કરાતું નથી. વિતેલા વર્ષોના બજેટોમાં એવી 14થી વધુ જોગવાઈઓ છે જે આજ સુધી માત્ર કાગળ પર જ રહી છે. ગત બજેટમાં પણ આ જ સ્થિતિ હતી. આ જોગવાઇઓમાં ફિટ સુરત મુવમેન્ટ, ઝોનલ ચેલેન્જ થકી 2 નવા સ્પોટ્સ સ્ટેડિયમ સાકાર કરવા, સિટી સ્ક્વેર પ્રોજેક્ટ, ખજોદ સાઇટ ખસેડવી, મોબાઇલ ફૂડ ટેસ્ટ લેબ, ઝીરો વેસ્ટ સોસાયટીને અનુદાનમાં 25 ટકા વધારો, કન્વેન્સનલ બરાજ, રિવરફ્રન્ટ, ઇ-વાહનો, વોટર પ્લાઝા, અર્બન હેલ્થ ક્લિનિક સહિતની જોગવાઈઓ પર હજી સુધી કોઈ નોંધપાત્ર કામગીરી થઈ શકી નથી.
આ જોગવાઇઓમાં કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી, કેટલીક તો છેલ્લા 10 વર્ષથી હવામાં
વેસ્ટ ડિસ્પોઝલ
1. ખજોદ ડિસ્પોઝલ સાઇટ: ખસેડવા હજી સરકાર પાસેથી જગ્યા મળી નથી.
2. ઝીરો વેસ્ટ: સોસાયટીને સફાઇ અનુદાનમાં 25 ટકા વધારો અપાવાની જોગવાઇ હતી જેથી લોકોમાં જાગૃતિ વધે. જેમાં જે સોસાયટી ઝીરો વેસ્ટ બને એટલે કે સોસાયટીએ 100 ટકા કચરાનો નિકાલ પોતાની જાતે જ કરવામાં સફળ રહે તો અનુદાન લેતી સોસાયટીને અનુદાનમાંથી 25 ટકા વધારે અપાવાની જોગવાઇ કરાઇ હતી પરંતુ તે પણ આગળ વધી શકી નથી.
3. ભારત દેશનો સૌથી મોટો ‘પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ’ બનાવવા પણ ગત બજેટમાં જોગવાઇ કરાઇ હતી જે પણ આગળ વધી શકી નથી.
પબ્લિક હેલ્થ
1. ફિટ સુરત મૂવમેન્ટ હેઠળ રમતગમત અંગે પોલિસી બનાવી SVP ઉભી કરવાની મોટી મોટી વાતો હતી. જેમાં ઝોનલ ચેલેન્જ એપ્રોચથી 2 નવા સ્ટેડિયમ બનાવવા 120 કરોડની જોગવાઇ હતી જે કાગળ પર જ રહી છે.
2. મોબાઇલ ફૂડ ટેસ્ટ લેબ : સ્થળ પર જ રિપોર્ટ આપતી મોબાઇલ ફુડ ટેસ્ટ લેબ ખરીદવાની જોગવાઇ કરાઈ હતી, જે કાગળ પર જ છે. જો કે, રાજ્ય સરકારની મોબાઇલ લેબ જ માંડ દેખાઇ છે.
3. અર્બન હેલ્થ ક્લિનિક : શહેરના સ્લમ વિસ્તારોમાં દર 10 હજારની વસ્તીએ 1 અર્બન હેલ્થ ક્લિનિક એવા 142 ક્લિનિક બનાવવાનું આયોજન કરાયું હતું જે પણ પૂર્ણ થઈ શક્યું નથી.
તાપી સંબંધિત પ્રોજેક્ટ
1. કન્વેન્શનલ બરાજ : આ પ્રોજેક્ટ વર્ષોથી કાગળ પર જ ચાલે છે. રેમ્પ-ફ્લાય ઓવરનો કોન્ટ્રાક્ટ અપાયા છતાં કામગીરી હજી શરૂ થઈ શકી નથી.
2. તાપી રિવરફ્રન્ટ: 3904 કરોડના આ પ્રોજેક્ટ માટે SVP ગઠન કરાયું છતાં કામગીરી હજી કાગળ પર જ છે.
3. તાપી શુદ્ધિકરણ: વધુ 371 કરોડ ફાળવવા છતાં લીલ સહિતની ગંદકીથી પાણી દૂષિત થઈ રહ્યું છે.
4. વોટર પ્લાઝા : ગણેશ વિસર્જન માટેના કૃત્રિમ તળાવોને ડેવલપ કરી વોટર પ્લાઝા બનાવવાની બજેટમાં જોગવાઇ કરાતી આવી છે. સિંગણપોરમાં 5 કરોડની જોગવાઇ હતી પણ હજી ટેન્ડર પ્રક્રિયા જ થઈ શકી છે.
અન્ય પ્રોજેક્ટ
1. તળાવો નવસર્જિત : 192 કરોડના ખર્ચે 193 તળાવ તબક્કાવાર નવ સર્જિત કરવાની જોગવાઇ કાગળ પર છે.
2. ઇ-વાહનો: પ્રદૂષણ અટકાવવા પાલિકાના ફાયર, આરોગ્ય સહિતના વાહનોને ઇ-વાહનોમાં ફેરવાની છેલ્લા 3 બજેટોમાં સતત જોગવાઇ થતી આવી છે પરંતુ હજી નક્કર કામગીરી નથી.
3. ટ્રાફિક નિયમન સિસ્ટમ: શહેરના 300 સ્થળોએ ઉભી કરવાનું આયોજન કરાયું છે, પણ નક્કર કામગીરી નથી.
4. સુરત સિટી સ્કવેર પ્રોજેક્ટ: છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ ચાલી રહ્યો છે. દર બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે પણ પ્રોજેક્ટને યેનકેન પ્રકારે આગળ વધારી શકાતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.