ટ્રેકિંગ કેમ્પ:આગામી 1 મહિનામાં 10 હજારથી વધુ સુરતીઓ ટ્રેકિંગ કરશે, 1થી લઈ 5 દિવસ સુધીના પેકેજ બુક

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળી વેકેશનમાં ગ્રુપ ટ્રેકિંગ પર જનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે - Divya Bhaskar
દિવાળી વેકેશનમાં ગ્રુપ ટ્રેકિંગ પર જનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે
  • રજા હોવાથી ગ્રુપમાં જઈ શકવાના કારણે ટ્રેકિંગ કરનારાની સંખ્યા વધી જાય છે

દિવાળી વેકેશનથી લઈને આવનારા એક મહિનામાં 10 હજારથી વધુ સુરતીઓ એડવેન્ચરસ ટ્રેકિંગ પર જશે. જેના માટે તેઓએ પેકેજ પણ બુક કરાવી લીધા છે. ટ્રેકિંગ કેમ્પ ચલાવતા અભિ વ્યાસે જણાવ્યું હતું કે, સૌથી વધારે લોકો દિવાળી વેકેશનમાં ટ્રેકિંગ ઉપર જાય છે. 15 ઓક્ટોબરથી ટ્રેકિંગ શરૂ થઈ જાય છે જે 1 મહિના સુધી ચાલે છે.

શહેરમાં નાની મોટી 15 જેટલી સંસ્થા ટ્રેકિંગ કેમ્પ કરાવે છે. નેચર ક્લબે અત્યારસુધીમાં 10 જેટલા કેમ્પ બુક કરી દેવાયા છે. એક ગ્રુપમાં 60 લોકો હોય છે. હજુ પણ બુકિંગ ચાલુ છે એટલે આવનારા એક મહિનામાં મારા થકી જ 1 હજારથી વધુ લોકો ટ્રેકિંગ માટે જશે. આવી જ સ્થિતિ અન્ય ટ્રેકિંગ કરાવનારા સંસ્થાઓમાં પણ છે. સુરતના મોટાભાગના લોકો આહવા, ડાંગ અથવા તો જૂનાગઢ બાજુ 2થી 5 દિવસના ટ્રેકિંગ પર જતા હોય છે.

દિવાળીમાં ટ્રેકિંગ કેમ વધે છે
આ સમય દરમિયાન લોકો પાસે રજા હોય છે. સાથે સાથે વાતાવરણમાં પણ ન વધારે ઠંડક હોય અને ન તો વધારે ગરમી હોય. એ સાથે જ સ્કૂલ કોલેજોમાં રજા હોવાથી ગ્રુપમાં લોકો ટ્રેકિંગ પર જઈ શકે છે. જેના કારણે દિવાળી વેકેશન અને ત્યારબાદના 15 દિવસ સુધી ટ્રેકિંગ કેમ્પ પર જનારા લોકોની સંખ્યા વધી જાય છે. દિવાળી વેકેશનમાં ગ્રુપ ટ્રેકિંગ પર જનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે અને તેઓ ગ્રુપમાં ટ્રેકિંગ કરે છે. ઉપરાંત રજા હોવાથી ઘણા લોકો પરિવાર સાથે પણ ટ્રેકિંગ કરવા માટે જાય છે.

5 દિવસના ગ્રુપ ટ્રેકિંગમાં 4 હજારનો ખર્ચ થાય છે
કેમ્પ ઓર્ગેનાઇઝર અભિ વ્યાસે જણાવ્યું હતું કે, નજીકના સ્થળો પર ગ્રુપ ટ્રેકિંગ માટે એક દિવસ અને એક નાઇટના 1200થી 1500 રૂપિયા ખર્ચ થાય છે. એવી જ રીતે 3 દિવસ માટે અઢી હજાર અને 5 દિવસ માટે 4થી 5 હજાર સુધીનો ખર્ચ થાય છે.

આ છે પસંદગીના સ્થળો
સુરતીઓ ડાંગ, આહવા, રૂપગઢ, સાપુતારા, નરારા ટાપુ, પોળો ફોરેસ્ટ, બેટ દ્વારકા, મહલ કેમ્પ સાઇટ, સોળધારા કેમ્પ સાઇટ, વાઘ દડ્ઢા, આંબાપાણી કેમ્પ સાઇટ તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વધારે કેમ્પ કરે છે. કેટલાક લોકો ઉત્તરાંચલમાં પણ ટ્રેકિંગ માટે જાય છે.

અન્ય સમાચારો પણ છે...