કોંગ્રેસ આખરે ગુજરાત વિધાનસભાની 2જા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસની આગલી સાંજે 37 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી છે. આ ચૂંટણીમાં પોતાની 7મી યાદીમાં કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે 2 સિટિંગ MLA- બેચરાજીના ભરતજી ઠાકોર અને બાયડના જશુ પટેલને કાપ્યા છે. ભરતજીના સ્થાને ભોપાજી ઠાકોરને ટિકિટ આપી છે જ્યારે બાયડમાં શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને એકોમોડેટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે નવ સિટિંગ MLAને રિપિટ કર્યા છે તેમજ ધોળકામાં વિવાદાસ્પદ રીતે 327 મતે હારનારા અશ્વિન રાઠોડને પણ ટિકિટ આપી છે.
ઉત્તર ગુજરાતમાં 2 MLAને રિપિટ ન કરાતા આશ્ચર્ય
કોંગ્રેસ આ વખતે ટિકિટ વિતરણમાં અણધારી રીતે બેચરાજી અને બાયડના સિટિંગ MLAને ટિકિટમાંથી કાપ્યા છે. ગત ચૂંટણીમાં બેચરાજીમાં 15,811 મતે જીતેલા ભરતજી ઠાકોરના સ્થાને ભોપાજી ઠાકોરને ટિકિટ અપાઈ છે. જ્યારે બાયડમાં ભાજપના ધવલસિંહ ઝાલાને 743 મતે હરાવીને 2019ની પેટાચૂંટણીમાં હરાવીને જાયન્ટ કિલર બનેલા જશુ પટેલને 3 વર્ષમાં જ કોંગ્રેસ કાપી નાંખ્યા છે. તેમના સ્થાને શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને પાર્ટીએ એકોમોડેટ કર્યા છે.
37 ઉમેદવારની યાદીમાં ફક્ત 2 જ મહિલા
આશ્ચર્યજનક રીતે કોંગ્રેસે જે 37 ઉમેદવારોની છેલ્લી યાદી પ્રસિદ્ધ કરી છે તેમાં માત્ર 2 મહિલાને ટિકિટ અપાઈ છે. આમાં નવરંગપુરાથી ટિકિટ મેળવનારા સોનલ પટેલ તથા ગોધરાની ટિકિટ મેળવનારા રશ્મિતા ચૌહાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાકીની તમામ 35 બેઠકો પર કોંગ્રેસ પુરુષ મતદારોને જ ટિકિટ આપી છે. જ્યારે કાંકરેજથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃત ઠાકોરને ટિકિટ મળી છે.
કોંગ્રેસના ઉમેદવાર
સૌરાષ્ટ્ર-કચ્છમાં 17 સિટિંગ MLA રિપીટ
કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 નામ ડિક્લેર કર્યાં છે, એમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. આમાં 17 સિટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે. આમાં દસાડાના (એસસી) નૌશાદ સોલંકી, ચોટીલાના ઋત્વિક મકવાણા, ટંકારાના લલિત કગથરા, વાંકાનેરના મો. જાવેદ પીરજાદા, ધોરાજીના લલિત વસોયા, કાલાવડના પ્રવીણ મૂછડિયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢના ભીખાભાઈ જોશી, માંગરોળના બાબુભાઈ વાજા, સોમનાથના વિમલ ચૂડાસમા, ઉનાના પુંજાભાઈ વંશ, અમરેલીના પરેશ ધાનાણી, લાઠીના વીરજી ઠુમ્મર, સાવરકુંડલાના પ્રતાપ દૂધાત, રાજુલાના અમરીશ ડેર તથા તળાજાના કનુભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. આ સિવાય એકમાત્ર પાલિતાણાના પ્રવીણ રાઠોડ એવા ઉમેદવાર છે, જેઓ ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી હારી ગયા હતા છતાં તેમને રિપીટ કરાયા છે.
કચ્છમાં હારેલા 3 ઉમેદવાર બદલાયા અને સૌરાષ્ટ્રમાં 8 નવા ચહેરા
કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને બીજા રાઉન્ડની ટિકિટો ડિક્લેર કરવા સુધીની તક આપી છે. આમાં કચ્છની અબડાસા બેઠક પર મામદભાઈ જંગ, માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજમાં અરજણ ભૂડિયાને ટિકિટ આપીને ત્રણેય જૂના ચહેરાને કોંગ્રેસે બદલી નાખ્યા છે. સુરેન્દ્રનગરની લીમડી બેઠકમાં ઉમેદવારી કલ્પના મકવાણાને અપાઈ છે, જ્યારે રાજકોટમાં ગોંડલમાં યતીશ દેસાઈ અને જેતપુરમાં નવા ચહેરા તરીકે દીપક વેકરિયાને ટિકિટ મળી છે. જામનગરમાં અત્યાર સુધીમાં ફક્ત દક્ષિણ બેઠકમાં ઉમેદવાર બદલીને મનોજ કથીરિયાને ટિકિટ અપાઈ છે. આ રીતે જૂનાગઢના વિસાવદરમાં 2017ના MLA હર્ષદ રીબડિયા ભાજપમાં જતા કરસન વડોદરિયાને તક અપાઈ છે. ભાવનગરમાં પશ્ચિમની બેઠક પર કિશોરસિંહ ગોહિલ તથા ગઢડાની બેઠક પર જગદીશ ચાવડાનું નામ જાહેર કરાયું છે.
મધ્ય-દક્ષિણમાં પણ 4 MLA રિપીટ, 13 સીટ પર નવા ચહેરા
મધ્ય ગુજરાતના નર્મદા અને ભરૂચ જિલ્લામાં 2-2 નવા ચહેરાને તક અપાઈ છે, જ્યારે વર્તમાન MLAમાંથી વાંસદામાં અનંત પટેલ, નિઝરમાં સુનીલ ગામિત, વ્યારામાં પૂનાભાઈ ગામિત અને માંડવીમાં આનંદ ચૌધરીને રિપીટ કરાયા છે. જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી, મજૂરા, ઉધના, લિંબાયત, કરંજ, સુરત (ઉત્તર), સુરત (પૂર્વ), અને માંગરોળમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.