• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Modi Himself Entered The Fray To Solve The Problem Of Patidars For The BJP In Surat, After The Road Show, All Reliance Was Placed On Overnight Meetings

સન્ડે બિગ સ્ટોરીસુરતમાં ભાજપ માટે આજે કતલની રાત:શું મોદી ચૂંટણી પહેલાં રાત્રિરોકાણની અભૂતપૂર્વ ઘટનામાં પાટીદારોનો ખેલ પાડી દેશે? અગ્રણીઓ સાથે મિટિંગોમાં થશે બધું નક્કી

સુરત4 મહિનો પહેલાલેખક: દેવેન ચિત્તે

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકોને આવરી લઈને કાર્પેટ બોમ્બિંગની સ્ટાઈલમાં જોરશોરથી પ્રચાર પણ કર્યો છે. લગભગ બધે ભાજપનાં સમીકરણો સેટ થઈ ચૂક્યાં છે, ફક્ત એક સ્થળને બાદ કરતા અને તે સ્થળ છે સુરત. આમ તો સુરત એટલે ભાજપનો ગઢ, પરંતુ આ વખતે સુરતમાં ભાજપને તેના ગઢમાં ગાબડું પડવાનો ડર સતાવી રહ્યો છે. આ ડર પાછળનું કારણ છે સુરતની 12માંથી છ બેઠકો પર પાટીદાર મતદારોની નારાજગી. આ નારાજગી દૂર કરવા ભાજપે પ્રદેશથી માંડીને કેન્દ્રીય કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતાર્યા. પરંતુ કોઈ રીતે તેઓ માની રહ્યા નથી અને પાટીદારોમાં ભાજપનું ગોઠવાઈ રહ્યું નથી. હવે છેલ્લા પ્રયાસરૂપે ખુદ વડાપ્રધાન સુરતના મેદાનમાં ઊતરી રહ્યા છે. આ અંતર્ગત ચૂંટણીટાણે પહેલીવાર સુરતમાં રાત્રિરોકાણ કરીને એક રાતમાં બાજી પલટાવવા નરેન્દ્રભાઈ માસ્ટરસ્ટ્રોક મારવા જઈ રહ્યા છે.

સુરત એરપોર્ટથી અબ્રામા સુધી મિની રોડ-શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સુરત એરપોર્ટ આવશે અને ત્યાંથી આશરે 30 કિ.મી. સુધી મિની રોડ-શો બાદ અબ્રામા મેદાન જશે. અહીં સાંજે 7:00 વાગ્યાની આસપાસ વડાપ્રધાન જાહેરસભા સંબોધશે. જો કે, એરપોર્ટથી અબ્રામા જાહેરસભા સ્થળ સુધી મોદી પહોંચે તે પહેલાં રસ્તામાં અલગ અલગ પોઇન્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં વડાપ્રધાન ચોક્કસ પોઈન્ટ પર ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલશે અને ત્યાંથી કાફલો આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, આ મિની રોડ-શોના રૂટ દરમિયાન સુરત શહેરની 8 જેટલી વિધાનસભા બેઠકોના વિસ્તાર આવે છે.

મોદી ડોર ટુ ડોર પ્રચાર કરે તેવી પણ શક્યતા
વડાપ્રધાન મોદી આ વખતે સુરતમાં જાહેરસભા પહેલાં ડોર ટુ ડોર પ્રચાર કરે તેવી પણ શક્યતા છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોઈ સત્તાવાર રીતે ડોર ટુ ડોર પ્રચાર નહીં હોય પરંતુ જાહેર સભાસ્થળ પાસે આવેલી ગોકુલધામ સોસાયટીની એક મુલાકાત હશે. આ સોસાયટીમાં સુરતના પાટીદાર અગ્રણીઓ રહે છે અને ઘણા પાટીદાર મતદારો પર તેમનો પ્રભાવ છે. આમ, ગોકુલધામ સોસાયટીનાં કેટલાંક ઘરોમાં જઈને વડાપ્રધાન પાટીદાર સમુદાયની નારાજગી દૂર કરવાની વ્યૂહાત્મક શરૂઆત પણ કરી શકે છે. જ્યારે અસલી ખેલ તો અબ્રામાની સભા પછીના રાત્રિરોકાણ દરમિયાન થનારી મિટિંગોમાં પડી શકે છે. સુરત કલેક્ટર આયુષ ઓક દિવ્ય ભાસ્કરને જણાવી રહ્યા હતા કે, વડાપ્રધાન મોદી સુરત સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે.

ભાજપનું સપનું ધૂળધાણી થઈ જશે?: પાટીદારોની 10 સહિત આ 19 બેઠક છોડાવી રહી છે ભાજપનો પરસેવો, ત્રિ-પાંખિયા જંગમાંથી હેમખેમ બહાર આવવા દોડધામ

અબ્રામા ખાતે જ મોદીની સભા શા માટે યોજાઈ?
સુરત શહેરમાં છ એવી વિધાનસભા બેઠકો છે કે જેમાં પાટીદાર મતદારોનું સૌથી વધુ પ્રભુત્વ છે. અહીં આમ આદમી પાર્ટીની (AAP) એન્ટ્રી બાદ સમીકરણો બદલાઈ ગયાં છે. આ તમામ છ બેઠક પર હવે ભાજપ અને AAP વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે. આવામાં ખુદ વડાપ્રધાન અબ્રામા ગામમાં આવીને જાહેરસભા કરે તો તમામ પાટીદાર પ્રભુત્વવાળી છ બેઠકોમાં એકસાથે મેસેજ આપી શકાય. સુરત શહેરની કુલ 12 બેઠકો છે અને આ તમામ બેઠક પરના ભાજપના ઉમેદવારોને અબ્રામાની જાહેરસભામાં બોલાવાશે. આ રીતે સુરત શહેરમાં ભાજપના તમામ ચહેરાઓને એક જ જાહેરસભામાં બોલાવીને પાટીદારોને મેસેજ અપાશે.

પાટીદારો સાથે છેક સુધી ભાજપનું 'ગોઠવાયું' નહીં
આમ તો સુરતમાં દોઢેક વર્ષથી રાજકીય સ્થિતિ બદલાઈ છે. અહીં જે રીતે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં AAPએ નોંધપાત્ર રીતે એન્ટ્રી મેળવી અને 27 સીટ જીતી તેનાથી સહુ ડઘાઈ ગયા હતા. આવામાં વિધાનસભા ચૂંટણી આવી અને છએક મહિના પૂર્વેથી AAPએ જોરદાર તૈયારીઓ શરૂ કરી. આવામાં વળી AAP અને PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના નેતાઓ વચ્ચે બેઠકો થવા લાગી. ભાજપને ધીરે-ધીરે લાગવા માંડ્યું કે PAAS તેમજ પાટીદાર મતદારો ધીરે-ધીરે AAP તરફ ઝૂકી રહ્યા છે. બસ ત્યારથી ભાજપે પાટીદાર સમુદાયને રીઝવવા અને પોતાના મતોમાં ભેલાણ ન થાય તે માટે પહેલાં પ્રદેશકક્ષાના નેતાઓ જેમકે સી આર પાટીલ, હર્ષ સંઘવીને કામે લગાડ્યા. છતાં તેના પ્રયાસોમાં નિષ્ફળતા મળી.

કેમ માંડવિયા પાટીદારોને રીઝવવામાં નિષ્ફળ રહ્યા?
આમ આદમી પાર્ટીની મજબૂત પકડમાંથી પાટીદાર સમુદાયને નિકાળવા ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સપ્ટેમ્બરમાં મેદાનમાં ઉતાર્યા હતા. પાટીદારોના પ્રભાવવાળી છ બેઠકો પર માંડવિયાને સંગઠન મજબૂત બનાવવા તથા સોશિયલ મીડિયાનું ગોઠવવાની જવાબદારી સોંપાઈ હતી. સાથે-સાથે સુરતના પાટીદાર વડીલોને મળીને જુવાનિયાઓને સમજાવવા પણ તેમને ભાજપે કામે લગાડ્યા હતા. માંડવિયા સમયાંતરે સુરતના પ્રવાસ કરતા હતા અને સતત પાટીદાર અગ્રણીઓ સાથે મિટિંગ કરતા હતા. ઓક્ટોબરમાં તો માંડવિયાનો વરાછામાં પાટીદારો સાથેની મિટિંગનો વીડિયો પણ વાઈરલ થયો હતો જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, વરાછા સહિત સુરતમાં ભાજપ કરતાં AAPનું સોશિયલ મીડિયા નેટવર્ક મજબૂત છે.

BJP માટે ચિંતાનો વિષય: મનસુખ માંડવિયાનો વીડિયો વાઇરલ, 'વરાછામાં આપણા કરતાં AAPનું સોશિયલ મીડિયા સ્ટ્રોંગ કેમ?'

વરાછા-કતારગામમાં AAPનો હોલ્ટ રુપાલા ન તોડી શક્યા!
ભાજપને એક તબક્કે એવું લાગ્યું કે સુરતમાં પાટીદાર જુવાનિયાઓને કાબૂમાં કરવા હોય તો તેમના વડીલોને હાથ પર લેવા. આ માટે જ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાને પણ ઓક્ટોબરમાં અજમાવી જોયા. રુપાલાને પાટીદારોના પ્રભાવવાળી બેઠકો પર ભાજપ સંગઠનને મજબૂત કરવાની વ્યૂહરચના સોંપાઈ હતી. પરંતુ અત્યારે જે પ્રકારનો રાજકીય કરંટ દેખાઈ રહ્યો છે તેમાં એક વાત સ્પષ્ટ છે કે સુરતની વરાછા, કતારગામ સહિતની બેઠકો પર AAPનો જ હોલ્ટ છે. માંડવિયાની જેમ રૂપાલા પણ તેમને સોંપયેલો ટાસ્ક પૂરો કરી શક્યા નહોતા. પાટીદારોને ભાજપ સાથે પાછા જોડવાની કામગીરીમાં વડીલોનો સાથ લઈને સફળ થવાની રુપાલાની ટ્રિક પણ કામ કરી શકી નહોતી.

રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આવ્યા ખરા, પણ ફાવ્યા નહીં
સુરતમાં એક બાદ એક જે રીતે ભાજપના નેતાઓની દોડધામ વધી છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે અહીં બધું ઠીક નથી. ભાજપને સુરતની 12માંથી છ બેઠકો પર કંઈ અજુગતું થવાના અમંગળ વરતારા મળી રહ્યા છે. તેમાં પણ વરાછા અને કતારગામ બેઠક ઉપરનાં પરિણામો ભાજપની નેતાગીરીને ચોંકાવી શકે છે. માંડવિયા અને રુપાલા ફેઈલ ગયા અને તેનો રિપોર્ટ કેન્દ્રીય નેતાગીરીને મળ્યો તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ સુરત દોડી આવ્યા હતા. તમામ 12 બેઠકો ઉપર જેમની સંગઠનની મહત્ત્વની જવાબદારી હતી તે તમામ હોદ્દેદારો સાથે ઉધના કમલમ્ ખાતે બેઠક કરી હતી. તેમણે સુરત શહેરની તમામ બેઠકો પરની કામગીરી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરંતુ તેમાં તેમને સંતોષ જણાયો નહીં અને કદાચ તેમણે જ આ બાબતે વડાપ્રધાન મોદી સાથે પણ ચર્ચા કર્યાનું જાણવા મળ્યું છે.

આખરે મોદીએ જ પાટીદારોને મનાવવાની કમાન સંભાળી
પાટીદાર સમુદાય સાથે તાલમેલ મિલાવવામાં ભાજપના ટોચના નેતાઓ નિષ્ફળ દેખાતા વડાપ્રધાન મોદીએ જાતે જ સુકાન સંભાળ્યું છે. મહત્ત્વની વાત તો એ છે કે, ગઈ વખતે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં PAASનું ખૂબ મોટું આંદોલન થયું હતું. હાર્દિક સહિત PAAS ખુલ્લામાં ભાજપનો વિરોધ કરી રહી હતી. આ તમામ ઘટનાઓનું એપી સેન્ટર સુરત જ હતું. છતાં પણ મોદીએ વરાછા કે પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં એક પણ સભા કરી ન હતી. પરંતુ આ વખતે પાટીદારો સાઇલેન્ટલી એક મોકો બીજી પાર્ટીને આપવાના હોય તેવી માનસિકતાની ચર્ચા છે. એક પ્રકારે કહીએ કે સુરતમાં AAP પાટીદારોના ગઢમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. રાજકીય રીતે સુરતની હવામાં બદલાવ દેખાતા મોદી પણ તેને પારખી ગયા હોય તેવું લાગે છે. આ કારણે જે તેમણે સુરતમાં રાત્રે રોકાણ કરીને સમગ્ર સ્થિતિને થાળે પાડવાનો વ્યૂહ બનાવ્યો હોય તેમ લાગે છે.

રાત્રિરોકાણ સુરત સર્કિટ હાઉસમાં, જ્યાં મિટિંગો થશે
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને પછી વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં તેઓ કદી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સુરતમાં રાત રોકાયા નથી. પરંતુ આ વખતે પહેલીવાર સુરતમાં જાહેરસભા સંબોધીને વડાપ્રધાન મોદી સુરતમાં જ રાત્રે સર્કિટ હાઉસમાં રોકાશે. સામાન્ય રીતે વડાપ્રધાન ગુજરાતમાં રાત્રિરોકાણ ગાંધીનગર રાજભવનમાં જ કરતા હોય છે. પરંતુ આ વખતે ચૂંટણી વેળાએ તેઓ રાતે રોકાઈ રહ્યા છે અને પાછું બીજા દિવસે સવારે તેમનો સુરતમાં કોઈ કાર્યક્રમ પણ નથી. એવું મનાય છે કે આ રાત્રિરોકાણ દરમિયાન સર્કિટ હાઉસમાં જ પાટીદાર અગ્રણીઓ સાથે મિટિંગોનો દોર ચાલશે. આ મિટિંગ દરમિયાન પાટીદારોને ભાજપ તરફ પાછા વાળવાનો તખ્તો ગોઠવવાના મોદી અંતિમ પ્રયાસો કરશે.

પાટીદાર આંદોલનના ભુલાઈ ગયેલા ચહેરાઓ હાલ શું કરે છે: દિલીપ સાબવાએ કહ્યું- હાર્દિકને બધી કારીગરી આવડે છે, એના કાન જુઓ કાન, ઈટાલિયા સ્ટેન્ડ બદલ્યા રાખે છે

મોદીનું લક્ષ્ય સુરતની 12 સાથે સૌરાષ્ટ્રની બેઠકો
સુરત શહેરની તમામ 12 બેઠકોને આ વખતે પણ ભાજપ જાળવી રાખે તે વાસ્તવમાં મોદી માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે. આ કારણથી જ હવે તેમણે કમાન હાથમાં લીધી છે. સુરત સિટી ઉપરાંત સૌરાષ્ટ્રની પણ ભાવનગર અને અમરેલીની બેઠકોને આ મિટિંગમાં જ કવર કરી શકાય છે. સુરતના પાટીદારો ભાવનગર અને અમરેલી સાથે સીધા સંકળાયેલા છે. આ જોતાં મોદી આ નુકસાન ભાજપને ન થાય તેના માટેના પ્રયાસો કરી રહ્યા છે. સુરતમાં રાત્રિરોકાણ કરીને રોષે ભરાયેલા પાટીદારો કે જે ભાજપની વિરુદ્ધ જઈ રહ્યા છે તેમને મનાવી લેશે તેવો ભાજપને વિશ્વાસ છે. મોદી આ પ્રયાસ દ્વારા સુરત શહેરની 12 તેમજ સૌરાષ્ટ્રની બેઠકોને પણ કવર કરી લેવા માગે છે.

મોદી લોકોની નાડ પારખવામાં માહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસિયત છે કે તેઓ લોકોની નાડ પારખવામાં માહેર છે. આ વખતે સુરતમાં લોકોનો મિજાજ કંઈક અલગ છે એ વાતનો તેમને પહેલાંથી ખ્યાલ આવી ગયો છે. જ્યારે મતદારોની નકારાત્મકતાને દૂર કરવામાં મોદી જેટલી રાજકીય અને સંગઠનાત્મક કુનેહ ભાજપમાં અત્યારે બીજા કોઈ પાસે નથી. મોદીનો બહોળો અનુભવ જ તેમને સુરતમાં પાટીદારોનો રોષ શમાવવામાં કામ લાગશે. લોકોની નાડ પારખીને તે દિશામાં કામ કરવા માટે તેઓ જાણીતા છે. અત્યારે સુરતમાં પાટીદારોમાં જબરદસ્ત ભાજપ વિરોધી અંડર કરંટ હોવાનાં ચિહ્નો મળી રહ્યાં છે. ભાજપને બદલે AAPને એક મોકો આપવો જોઈએ એ પ્રકારની હવા સુરત શહેરમાં ચાલી રહી છે, જેનાથી મોદી પણ અવગત થઈ ગયા છે. આવી સ્થિતિમાં મોદી કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.

અમરેલીથી અમેરિકા સુધી પાટીદારોનો દબદબો: પંજાબથી આવીને કણબીઓ અહીં વિસ્તર્યા, ઇતિહાસકારો મુજબ મહેનતકશ, લડાયક, મજબૂત કોમ 300 વર્ષથી પટેલ તરીકે ઓળખાય છે

સુરતના રાજકીય માહોલમાં બદલાવ કેમ દેખાયો
છેલ્લા આઠ મહિનાથી સંગઠનની રીતે AAP ખૂબ જ મજબૂતાઈથી સુરત શહેરમાં આગળ વધી રહી છે. સુરતમાં કોર્પોરેશનમાં વિરોધ પક્ષમાં બેઠા બાદ AAP સતત ભાજપના વિરોધમાં અનેક લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓને વાચા આપવામાં સફળ રહી છે. પરિણામે AAPના કોર્પોરેટરોએ પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાંથી ચૂંટાયા બાદ પોતાની ભ્રષ્ટાચાર મુક્ત ઈમેજ ઊભી કરી છે. સુરત મહાનગરપાલિકામાં પણ વરસાદ સમયે શહેરભરના તૂટી ગયેલા રસ્તાઓ મુદ્દે AAPના કોર્પોરેટરોએ બુમરાણ મચાવી હતી. આ કારણે લોકોને એક આશા બંધાઈ હતી કે AAPનું શાસન હોય તો રાજ્યમાં પ્રજાને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળી શકે છે. તેમજ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંતમાન સહિતના નેતાઓ સતત સુરતમાં પ્રવાસ કર્યા તેના કારણે તેમનો પાયો મજબૂત બન્યો હતો.

AAP-PAASના જોડાણથી માહોલ વધુ બદલાયો
પાટીદાર અનામત આંદોલન સમિતિના (PAAS) સુરતના મુખ્ય ચહેરા એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાયા છે. આને પગલે સુરત શહેરમાં પાટીદારોનો યુવા ચહેરો ઊભરી આવ્યો અને પાટીદાર યુવાનો AAP તરફ જતા દેખાઈ રહ્યા છે. AAPમાં PAASની ટીમ આવી ગયા બાદ વરાછા સહિતની પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો ઉપર ભાજપની પકડ ઢીલી પડી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં જે 27 બેઠકો AAPને મળી તેની પાછળ PAASની સૌથી મોટી ભૂમિકા હતી. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના સૂંપડાં સાફ થઈ ગયાં હતાં અને AAPને 27 બેઠકો મળતાં તે મજબૂત રીતે વિપક્ષમાં બેઠી હતી. નરેન્દ્ર મોદીને પણ આ બાબતની ચોક્કસ ખબર હશે જ કે 27 બેઠકો AAPને મળી તે પાછળનું મુખ્ય કારણ શું છે.

તો બે સીટ પર જીતી શકે છે AAP: સુરતમાં મ્યુનિ. કોર્પોરેશનની પેટર્ન પ્રમાણે જ વિધાનસભામાં મત પડે તો AAPને કેટલી સીટ મળે? પરિણામ ભાજપની ઊંઘ હરામ કરી શકે છે

AAPએ પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો જ ઘેરી
AAPમાં PAASની ટીમ અને તેના ચહેરાઓ જોડાઈ જતાં વરાછા-કતારગામનાં તો સમીકરણો જ બદલાઈ ગયાં છે. વરાછા બેઠક પર આ વખતે અલ્પેશ કથેરિયા, જ્યારે ઓલપાડ બેઠક પર ધાર્મિક માલવિયા AAPના ઉમેદવાર છે. AAPના જ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કતારગામમાંથી તો મનોજ સોરઠિયા એ કરંજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. AAPના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ સુરત ઉત્તર બેઠક પરથી ઝંપલાવ્યું છે. આનાથી AAP માટે તમામ છ બેઠકો પર જબરજસ્ત માહોલ ઊભો થયો છે. હવે આ માહોલને કેવી રીતે ઠારવો તે ભાજપ માટે પડકારજનક બની રહ્યું છે. હવે ખુદ વડાપ્રધાન મોદીનો છેલ્લો દાવ સફળ રહે છે કે કેમ તે તો 8મી ડિસેમ્બરે જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...