કોરોના કાળ:ધારાસભ્ય ઝાલાવડીયા, સિવિલના સાત સહિત 10 ડોક્ટર મળી વધુ 245 પોઝિટિવ, 11ના મોત

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કામરેજના MLA સીએમ -ડે.સીએમની બેઠકમાં પણ હાજર હતા

શહેરના નગર સેવક બાદ હવે ધારાસભ્ય પણ સંક્રમિત થયા છે. કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. શનિવારે શહેરમાં સીએમ અને ડે.સીએમની બેઠકમાં પણ તેઓ હાજર હતા. શહેરમાં 204 અને જિલ્લામાં 41 કેસ સાથે શહેર જિલ્લામાં મંગળવારે વધુ 245 કેસ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ કેસની સંખ્યા 7001 થઈ છે. મંગળવારે પાલિકાના SSI સહિત વધુ 11 દર્દીના મોત થયા છે. શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 11 થયો છે. મંગળવારે વધુ 148 પોઝિટિવ દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 4209 દર્દીઓ સાજા થયા છે. મંગળવારે ધારાસભ્ય, સિવિલના 7 તબીબ સહિત 10 તબીબ, કાપડ-પ્લાસ્ટીકના વેપારી, જમીન દલાલ તેમજ નર્સ અને ફાર્મસિસ્ટનો સમાવેશ થયો છે.

ધારાસભ્ય અને કોર્પોરેટરને પણ ચેપ લાગ્યો 
કામરેજના MLA વી. ડી. ઝાલાવડિયા શનિવારે શહેરમાં સીએમ, ડે.સીએમ, મેયર અને અન્ય ધારાસભ્યને પણ મળ્યા હતા.આ દિવસે જ તેમના પીએનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હવે ઝાલાવડિયાનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ ગુરુપૂર્ણિમાએ વડતાલ દર્શને ગયા હતા.પુણાના કોંગ્રેસી નગરસેવક નિલેશ કુંભાણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

પાલિકાના SSI સહિત વધુ 11 દર્દીના મોત
મંગળવારે ફ્રન્ટલાઈન વોરિયર પાલિકાના એસએસઆઈ ગીરીશભાઈ ભદારકાનું સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં મોત થયું હતું. તેઓ લેપ્રસી વિભાગમાં ઉધનામાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત એ.કે. રોડના 60 વર્ષીય વૃધ્ધ, પાલનપોર જકાતનાકાના 77 વર્ષીય વૃદ્ધ, સગરામપુરાના 74 વર્ષીય વૃદ્ધ, કતારગામના 50 વર્ષીય આધેડ, કતારગામના 65 વર્ષીય વૃધ્ધ સહિત 11ના  મોત થયા છે.

સિવિલના વધુ 7 સહિત 10 તબીબ સંક્રમિત
સેન્ટ્રલ ઝોનમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબ, તેમજ નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને નવી સિવિલ હોસ્પિટમાં ફરજ બજાવતા અન્ય 6 તબીબ સંક્રમિત થયા છે. વરાછામાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા એક તબીબ સંક્રમિત થયા છે. જ્યારે વરાછામાં રહેતા અને પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા અન્ય 2 તબીબ સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 119 તબીબો સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...