ભાજપની રિપીટ થિયરી કેટલી કારગર નીવડશે?:દક્ષિણ ગુજરાતમાં પાટીદાર આંદોલનના ઝંઝાવાતમાં પણ જીતેલા MLAને ફરી ટિકિટ, એન્ટિ ઈન્કમબન્સી વચ્ચે મંત્રીઓ મેદાનમાં

સુરત3 મહિનો પહેલા

ભાજપ માટે ગુજરાત પ્રયોગશાળા માનવામાં આવે છે. ગુજરાત ભાજપમાં સતત નવા નવા પ્રયોગો થતા રહે છે. વિજય રૂપાણી સહિતનું મંત્રીમંડળ જ બદલી નાખવામાં પણ ભાજપે પ્રયોગ કર્યો હતો. મોટાભાગે નો રિપીટની થિયરીમાં ભાજપ માનતું હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં રિપીટ થિયરીનો અમલ કરવામાં આવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. ભાજપે જાહેર કરેલી 160 ઉમેદવારોની યાદીમાંથી દક્ષિણ ગુજરાત અને સુરતમાં મોટેભાગે ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. પાંચેક ચહેરા જ નવા જાહેર કરવામાં આવ્યા છે. સુરતની 11માંથી 2 જ નવા છે જ્યારે વલસાડમાં તમામ રિપીટ અને નવસારીમાં 1 જ ઉમેદવાર નવા છે. જ્યારે તાપી જિલ્લામાં બે બેઠકો પર નવા ઉમેદવારો ઉતારાયા છે.

ઉમેદવારોનાં નામ જાહેર થતાં ભાજપી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ દેખાયો હતો
ઉમેદવારોનાં નામ જાહેર થતાં ભાજપી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ દેખાયો હતો

રિપીટ કરી જોખમ ટાળવા પ્રયાસ
વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળ્યું છે. જે ઉમેદવારો હતા તે જ રિપીટ કર્યા છે. વલસાડ બેઠક ઉપર વિધાનસભાની ચૂંટણીમાં સારા એવા માર્જિનથી જીત્યા હોવાને કારણે ધારાસભ્યોને ફરીથી રિપીટ કરી દેવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં બે નવા ચેહરા ઉતારવામાં આવ્યા છે. વ્યારા વિધાનસભા બેઠક ઉપરથી તેમજ નિઝર વિધાનસભા બેઠક ઉપરથી નવા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. જોકે આ ઉમેદવારોની સ્થાનિક સ્તરે પકડ સારી હોવાને કારણે ભાજપને લાભ થઈ શકે છે. નવસારીમાં પણ માત્ર એક જ નવા ઉમેદવારને જાહેર કરવામાં આવ્યો છે.

વિનુ મોરડિયાને કાર્યકરોએ ખભે ઊંચકી લીધા હતા.
વિનુ મોરડિયાને કાર્યકરોએ ખભે ઊંચકી લીધા હતા.

સુરતમાં જ્ઞાતિનું ગણિત સાચવી લેવાયું
સુરતમાં ભાજપ દ્વારા જ્ઞાતિના ગણિતને સાચવી લેવા ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો છે. સુરતમાં વસતા પાટીદારોને ખુશ રાખવા અને પાટીદાર આંદોલનના ઝંઝાવાતમાં પણ જીતી ગયેલા કામરેજ સિવાયના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ઉધના વિસ્તારમાં કડવા પાટીદારોની સંખ્યાને ધ્યાને રાખીને એક વખત કોંગ્રેસમાં કાઉન્સિલર બની ચૂકેલા અને ભાજપમાં હારી ગયેલા મનુ પટેલને ટિકિટ અપાઈ છે. તો ઓલપાડ વિસ્તારમાં કોળી પટેલની વસતિને ધ્યાને રાખીને મુકેશ પટેલને ટિકિટ અપાઈ છે. અમરેલી અને ભાવનગર જિલ્લાની વસતિની ધ્યાને રાખીને કામરેજ પરથી લેઉઆ પટેલ પ્રફુલ્લ પાનસેરિયા, ઉત્તરથી કાંતિ બલરને, વરાછા રોડ પર કુમાર કાનાણી, કરંજ પરથી પ્રવીણ ઘોઘારી, કતારગામથી વિનુ મોરડિયાને ટિકિટ આપવાની સાથે સાથે રાણા સમાજ, ઘાંચી સમાજ સહિતના સમાજોને પણ સાચવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

એન્ટિ ઈન્કમબન્સી
છેલ્લા પાંચ વર્ષના શાસન ઉપર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીને લઈને સ્થાનિક લોકોમાં સુરત શહેરમાં પણ ખૂબ રોષ જોવા મળતો હતો. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કરેલી કામગીરીથી અને વહીવટી તંત્રએ લીધેલા નિર્ણયોથી ભારે આક્રોશ હતો. કોરોના સંક્રમણકાળ દરમિયાન આઈસોલેશન સેન્ટરથી માંડીને ઓક્સિજનની અછત, રેમડેસિવિયર ઇન્જેક્શનને લઈને વિવાદ, ચોમાસા દરમિયાન રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર, નવા સીમાંકનમાં આવેલા વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ, સોશિયલ મીડિયાની અંદર સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનને વિશ્વ કક્ષાના બનાવવાની વારંવાર રજૂઆત હોય, તક્ષશિલા અગ્નિકાંડમાં 22 ભૂલકાઓના મોત થયાં હતાં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટી કામગીરી સતત વિવાદમાં રહેતી આવી છે. સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચવાના આક્ષેપો, અશાંતધારો જે વિસ્તારમાં લાગુ થયો છે. તે વિસ્તારમાં યોગ્ય રીતે અમલ ન થતો હોવાની પણ બુમરાણ ઊઠી હતી. પાંચ વર્ષ દરમિયાન અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જે નુકસાન થયું હતું તેની ભરપાઈનો મુદ્દો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આવા નાના-મોટા અનેક સ્થાનિક મુદ્દાઓને કારણે ભાજપ શાસકોને લઈને લોકોમાં ચોક્કસપણે રોષ જોવા મળતો હતો. આવી સ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવાનો નિર્ણય માથે પડે તેવી આશંકા તજજ્ઞો સેવી રહ્યા છે.

સંગીતા પાટીલ સામે સ્થાનિક સ્તરે ઘણા સમયથી વર્તાતી નારાજગી સપાટી પર પણ આવી ગઈ હતી
સંગીતા પાટીલ સામે સ્થાનિક સ્તરે ઘણા સમયથી વર્તાતી નારાજગી સપાટી પર પણ આવી ગઈ હતી

ઓપરેશન ડેમેજ કંટ્રોલ શરૂ
વર્તમાન ધારાસભ્યો ઉપર લોકોમાં ભારે રોષ હતો. આ બેઠક ઉપર એન્ટિ ઈન્કમબન્સી ફેક્ટર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે રીતે કામે લાગતું હોય છે તેના કારણે જે એન્ટિ ઇન્કમબન્સીને રોકવા માટે આજથી જ પ્રયાસો શરૂ કરી દેવામાં આવશે. લિંબાયત વિધાનસભા બેઠક ઉપર સંગીતા પાટીલનું નામ જાહેર થતાંની સાથે જ આંતરિક વિખવાદો સામે આવી શકે છે. પહેલાંથી જ તેમના વિરોધમાં પોસ્ટર લગાડવા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાનું ચાલુ હતું. પરંતુ આ બેઠક ઉપર સીધી અસર સી.આર. પાટીલ રાખતા હોવાને કારણે લોકો સંગીતા પાટીલનો વિરોધ કરવા માટે બહાર આવતા નથી. ભાજપમાં રહીને જો સંગીતા પાટીલનો વિરોધ કરવા જાવ તો એનો અર્થ એવો થાય છે કે, તમે સીધો સીઆર પાટીલનો વિરોધ કરી રહ્યા છો અને આ ડરના કારણે કોઈ સ્પષ્ટ રીતે સામે ખૂલીને બોલવા તૈયાર નથી. તેમના વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા હંમેશાં ચર્ચામાં રહે છે. અસામાજિક તત્ત્વોનો ત્રાસ વિસ્તારની અંદર વધી ગયો છે. સ્થાનિક લોકો સંગીતા પાટીલને રજૂઆત વારંવાર કરે છે છતાં પણ તેમનાં સામાન્ય કામો પણ ન થતાં હોવાની વાતો સામે આવતી રહી છે.

કુમાર કાનાણી સામે કોરોનાકાળની કામગીરીથી લોકોમાં રોષ છે
કુમાર કાનાણી સામે કોરોનાકાળની કામગીરીથી લોકોમાં રોષ છે

કાનાણી સામે રોષ
કુમાર કાનાણી આરોગ્યમંત્રી હતા તે સમય દરમિયાન કોરોનાકાળમાં તેઓ પોતે બહાર નીકળીને વધુ કામ કરતા દેખાયા નહોતા. શહેરમાં જે રીતે સિવિલ હોસ્પિટલના દરવાજા બંધ થઈ ગયા હતા તેના કારણે કુમાર કાનાણી ઉપર ખૂબ માછલાં ધોવાયાં હતાં. સમયસર આરોગ્યલક્ષી સેવાઓનો અભાવ કુમાર કાનાણીને મુસીબતમાં મૂકી દીધા હતા. જોકે કુમાર કાનાણીનો આખાબોલો સ્વભાવ હોવાને કારણે તેઓ સોશિયલ મીડિયામાં જ્યારે પણ કોઈ પોસ્ટ મૂકતા ત્યારે તેમના મતવિસ્તારમાં અને ખાસ કરીને પાટીદાર મતદાર વિસ્તારોની અંદર યુવાનો ખૂબ રોષ ઠાલવતા હતા. સોશિયલ મીડિયા ઉપર જાણે યુદ્ધ શરૂ થઈ જતું હતું. કુમારભાઈનો પાટીદારોમાં અને ખાસ કરીને પાસ ટીમ તેમની વિરુદ્ધમાં હોવાને કારણે આંતરિક રોષ પણ હતો. કોરોનાકાળમાં નબળી કામગીરી તેમના માટે એન્ટિ ઇન્કમબન્સીનું કારણ બન્યું છે.

અરવિંદ રાણા વિરુદ્ધ પણ પોસ્ટરો અને બેનરો લાગ્યાં હતાં
અરવિંદ રાણા વિરુદ્ધ પણ પોસ્ટરો અને બેનરો લાગ્યાં હતાં

હિન્દુ સંગઠનો નારાજ
અરવિંદ રાણા પૂર્વ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. એન્ટિ ઇન્કમબન્સી તો ઘણા સમયથી દેખાઈ રહી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, કોઈપણ ધારાસભ્યના વિરોધમાં પોતાના મતવિસ્તારમાં જ બેનરો લાગ્યાં હોય તેવા સૌથી વધારે કિસ્સા પૂર્વ વિધાનસભા બેઠકમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પરંતુ મૂળ સુરતીઓનો આ વિસ્તાર જ્યાં અશાંતધારાને ખૂબ જ ચીવટપૂર્વક અને ચોકસાઈથી અમલમાં લાવવાની જરૂરિયાત હતી ત્યાં તેમની નબળાઈ સ્પષ્ટપણે સામે દેખાતી રહી છે. જેને કારણે હિન્દુ સંગઠનોમાં પણ અરવિંદ રાણાને લઈને ભારે નારાજગી જોવા મળતી હતી.

મુકેશ પટેલથી ખેડૂત સમાજ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.
મુકેશ પટેલથી ખેડૂત સમાજ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે.

ખેડૂતો નારાજ
ઓલપાડ બેઠક ઉપરથી મુકેશ પટેલ કૃષિ ઊર્જા અને પેટ્રોલ કેમિકલ્સ જેવા મહત્ત્વના વિભાગ આપવામાં આવ્યા હતાં.પરંતુ શરૂઆતના તબક્કામાં જે રીતે પાંચ વર્ષ દરમિયાન જે અતિવૃષ્ટિ થતી રહી તેને કારણે ખેડૂતોને જે પાકનું નુકસાન સહન કરવું પડ્યું છે. તેના આર્થિક પેકેજની સુવિધા ઝડપથી ખેડૂતોના હાથમાં લાગી ન હતી. વારંવાર સરકાર દ્વારા કરવામાં આવતા સર્વેને કારણે પણ ખેડૂતોમાં રોષ હતો. એની સાથે સાથે જમીન સંપાદનનો મુદ્દો પણ તેમના માટે ખૂબ જ મુશ્કેલીજનક રહ્યો છે. ઘણા એવા વિસ્તારોમાં વીજળીનો પ્રશ્ન હતો અને તે વિસ્તારમાં સબ સ્ટેશન ચાલુ કરવાને લઈને પણ જે ધીમી ગતિએ કામ થયું એનો રોષ મુકેશ પટેલે સહન કરવો પડ્યો છે.

આપનું પ્રભુત્વ મજબૂત
આમ આદમી પાર્ટી સતત ભારતીય જનતા પાર્ટીના વર્તમાન ધારાસભ્યોની કામગીરીને લઈને તેમને આડે હાથે લેતી રહી છે. પરંતુ જે રાજકીય પાર્ટી અને લોકોના રોષના પણ નિશાને રહ્યા છે તેવા ધારાસભ્યોને રિપીટ કરીને ભાજપે જોખમ પણ ઊભું કર્યું હોય તેવું આંતરિક ચર્ચા ચાલી રહી છે. જો આંતરિક રોષ અને સ્થાનિક લોકોની કામગીરીમાં રાખવામાં આવેલી નબળાઈ ભાજપના વિરુદ્ધ મતદાન થાય તો ઘણું સહન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. રિપીટ ફોર્મ્યુલાએ એકાદ બેઠકો પર કોંગ્રેસને અને અન્ય બેઠકો પર આમ આદમી પાર્ટીને લાભ કરાવી શકે તો નવાઈ નહીં.

કોંગ્રેસને લાભ થઈ શકે
અત્યારે જે પ્રકારનાં નામો જાહેર થયાં છે. તે જોતાં સુરત ઓલપાડ બેઠક ઉપર કોંગ્રેસને લાભ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તેમ જ સુરત પૂર્વ બેઠક ઉપર પણ કોંગ્રેસ યોગ્ય રીતે લડાઈ લડે તો તેનો લાભ તેને મળી શકે એમ છે. આમ આદમી પાર્ટી માટે કતારગામ વરાછા અને કરંજ બેઠક ઉપર જે સ્થાનિક ધારાસભ્યોનો રોષ છે તેને વોટમાં કેશ કરી લેવાની કવાયત છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી હતી. એમાં પણ જ્યારે આશ્ચર્યજનક રીતે એ જ તમામ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવતા તેમની પણ આશા વધુ મજબૂત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...