હુકુમ:ડાયમંડ કૌભાંડમાં મીત કાછડિયાની જામીન અરજી બીજી વખત નામંજૂર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીએ રૂ.204 કરોડનું ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડ કર્યું હતું
  • અગાઉ મોકલાયેલાં 30 કન્સાઇન્મેન્ટ મુદ્દેે કસ્ટમ વિભાગ અંધારામાં

રૂપિયા 204 કરોડના ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડમાાં સંડોવાયેલા આરોપી મીત કાછડિયાની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આરોપી દ્વારા અગાઉ પણ જામીન અરજી કરાઈ હતી જે નામંજૂર કરાઈ હતી. સરકાર તરફે એપીપી ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા દલીલો કરવામાં આવી હતી જેમાં કેસની ગંભીરતા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. દરમિયાન, તપાસમાં બહાર આવ્યુ હતુ કે, આરોપી દ્વારા પહેલાં રૂપિયા 25 લાખનું જ ટર્નઓવર કરવામાં આવ્યુ હતુ અને બાદમાં 204 કરોડની નિકાસ કરાતા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

સચિન સેઝમાં સિન્થેટિક ડાયમંડ આયાત કરી તેની પર પ્રોસેસ કરીને એક્સપોર્ટ કરવા માટે લંબે હનુમાન રોડ ખાતેની કૃષ્ણાનગર ખાતે રહેતા 25 વર્ષીય મીત કાછડિયાએ યુનિવર્સલ નામની પેઢી શરૂ કરી હતી. આયાત-નિકાસની શંકાના આધારે ડીઆરઆઇ દ્વારા આ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. અને બાદમાં આશ્ચર્ય વચ્ચે આ કેસની તપાસ કસ્ટમ વિભાગ પાસે આવી ગઈ હતી.

આરોપીએ સિન્થેટિકની જગ્યાએ નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરીને નિયમોનું ઉલ્લંખન કર્યું હતુ. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવવા માટે આરોપીએ અગાઉ ચીફ કોર્ટમાં જામીન અરજી કરી હતી, આ જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં સેશન્સ કોર્ટમાં કરાયેલી જામીન અરજી પણ આજે નામંજૂર થઈ હતી.

તપાસ ઘણાં જ નાજુક તબક્કામાં: કોર્ટ
કોર્ટે પોતાના ચુકાદમાં નોંધ્યુ હતુ કે કેસની તપાસ ઘણાં જ નાજુક તબક્કામાં છે માટે જામીન પાત્ર કેસ ગણાતો નથી.નોંધનીય છે કે આ કેસમાં અગાઉ 30 કન્સાઇન્મેન્ટ પણ એક્સપોર્ટ કરાયા હોવાનું સપાટી પર આવ્યુ હતુ. જો નેચરલ ડાયમંડ જ મોકલાયા હોય તો તે કોના હતા આ અંગે કસ્ટમ વિભાગ હજી અંધારામાં છે.

અન્ય સમાચારો પણ છે...