સચિન જીઆઇડીસીમાં યુવક સાથે પ્રેમસંબંધમાં ગર્ભવતી થયેલી 16 વર્ષની તરૂણીનું ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા બાદ મોત થયું હતું. ડો. હિરેન પટેલે 5 હજારની રકમ લઈ ગર્ભપાત કર્યુ હોવાની આશંકા છે.
યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
સગીરાના મોત બાદ સચિન જીઆઈડીસી પોલીસે બળાત્કાર, પોક્સો, મનુષ્યવધ, ગર્ભપાતની કલમો અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટની કલમો હેઠળ સગીરાની બહેન-બનેવી, ઉધનાના હોમોપેથિક ડોક્ટર હિરેન પટેલ તેમજ અન્ય યુવક સામે ગુનો નોંધ્યો છે. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસે સગીરાના બેન-બનેવી અને ડોકટર હિરેન ભાનુભાઈ પટેલ(37)(રહે,શાલીગ્રામ હાઇટ્સ, અલથાણ, મૂળ રહે,પાલીતાણા, ભાવનગર)ની ધરપકડ કરી છે. સચિન જીઆઈડીસીમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે એક યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. બે મહિનામાં સગીરા ગર્ભવતી થઈ હતી.
મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા લીધી
સગીરાએ પહેલા મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા લીધી હતી. છતા ગર્ભપાત ન થતા તેણે પોતાની બહેનને વાત કરતાં બહેન ઘર નજીકના ક્લિનીકમાંથી દવા લઈ આવી હતી. બાદમાં પણ ગર્ભપાત ન થતા આખરે ડોક્ટરે ઉધનાની શ્રીજી કલીનીક એન્ડ હોસ્પિટલમાં ડો. હિરેન પટેલને ત્યાં મોકલ્યા હતા. ડો. હિરેને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યા બાદ સગીરાને રજા આપી હતી.
ડોક્ટરે 5 હજારની રકમ લઈ ગર્ભપાત કર્યાની આશંકા
ઘરે પહોંચતા સગીરાને ચક્કર આવી ઢળી પડતાં સચિનની સંજીવની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. સ્મશાનમાં અંતિમવિધી કરવા લઈ જવા ડેથ સર્ટિફિકેટ જરૂરી હતી. આથી સગીરાના પરિવારે રાત્રે સચીન જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી. પોલીસે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ સમગ્ર મામલો સામે આવી ગયો હતો. ડીએચએમએસ ડોક્ટરે 5 હજારની રકમ લઈ ગર્ભપાત કર્યાની આશંકા છે.
પાલીગામના હોમોપેથિક ડો. ભદીયાદરાના પોલીસે નિવેદનો નોંધ્યા,બહેને વાત છૂપાવી
ગર્ભવતી થયેલી 16 વર્ષની તરૂણીના મોત મામલે પાલીગામના હોમોપેથિક ડો. ભદીયાદરાના પણ પોલીસે નિવેદનો નોંધ્યા છે. ભદીયાદરા ડોકટરે પોલીસ નિવેદનમાં કહ્યું કે, માસિકની તકલીફ હોવાની વાત હતી પરંતુ પ્રેગ્નેટ હોવાની વાત તેની બહેને છુપાવી હતી. સાથે સગીરા હોવાની હકીકતો પણ છુપાવી હતી અમે તેની બહેનને ગાયનેક ડોક્ટરને બતાવવાની વાત કરી હતી.
આરોપીએ 2018માં હોસ્પિટલ બનાવી હતી
ઉધના કૈલાશનગરમાં ડો. હિરેન પટેલે પહેલા 8થી 10 વર્ષ સુધી શ્રીજી કલીનીક ચલાવતા હતા. પછી વર્ષ 2018માં કલીનીકને હોસ્પિટલ ફેરવી નાખી હતી. ડો. હિરેન પટેલની ડીએચએમએસ ડિગ્રી હતી. પાલિકામાં હોસ્પિટલનું લાયસન્સ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
આઈપીસીની કંઈ કલમો હેઠળ કેટલી સજા
376(2)(જે)- સખત કેદ 20 વર્ષથી ઓછી નહિ અથવા આજીવન કેદ,
312- 7 વર્ષની કેદ અને દંડ
304-આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ અને દંડ 313-10 વર્ષની કેદ અને દંડ
314-10 વર્ષની કેદ અને દંડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.