ભાસ્કર એક્સક્લૂસિવ:ભાસ્કરે પૂછ્યું, ‘તમે રેલ મંત્રી બન્યાં તો હવે સુરતને અલગ ડિવિઝન અપાવશો ખરા?’, મંત્રી જરદોશ બોલ્યાં, ‘ક્યારેય નહીં, અમે નવી વ્યવસ્થા ઊભી કરવા તૈયાર છીએ’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે-કાપડ મંત્રી દર્શના જરદોશનું વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ અભિવાદન કર્યું હતું. - Divya Bhaskar
રેલવે-કાપડ મંત્રી દર્શના જરદોશનું વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ અભિવાદન કર્યું હતું.
  • વલસાડ-આબુ ટ્રેન ટૂંકમાં શરૂ થશે, શતાબ્દી-ગુજરાત ક્વિન હવે ગાંધીનગર સુધી દોડાવાશે
  • રાજ્ય કક્ષાના કાપડ-રેલવે મંત્રી બન્યા બાદ દર્શના જરદોશનો ભાસ્કરમાં પ્રથમ ઇન્ટરવ્યૂ
  • સૌરાષ્ટ્ર માટે 21મીથી સુરત-મહુવા ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે, ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનને સુરતનું સ્ટોપેજ અપાશે
  • સુરતમાં મેગા ટેક્સટાઇલ પાર્ક બનશે કે નહીં તે અંગે હું કંઇ ના કહી શકું, આ નિર્ણય કેબિનેટમાં લેવાશે : મંત્રી દર્શના જરદોશ

કેન્દ્રના રેલરાજ્ય મંત્રી તેમજ કાપડ મંત્રી બન્યા બાદ સુરત આવેલા સાંસદ દર્શના જરદોશે જન આશીર્વાદ યાત્રા યોજી હતી તેમજ સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. દર્શનાબેન સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી રેલવે તેમજ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી, જેમાં રેલવેના અલાયદા ડિવિઝનની સુરતની વર્ષો જૂની માંગણીનો સાસંદે એક ઝાટકે છેદ ઉડાવી કહ્યું હતું કે, સરકાર ડિવિઝનો વધારવાનું નહીં પણ ઘટાડવાનું વિચારી રહી છે.

ભાસ્કર: સુરત સ્ટેશનની આવક પશ્ચિમ રેલવેના અમુક ડિવિઝનો કરતાં પણ વધુ હોવાં છતાં સુરતને ડિવિઝન કેમ નથી બનાવાતું ? નાનાં-નાનાં કામો માટે પણ સુરતથી મુંબઈ સુધી લાંબા થવું પડે છે.
મંત્રી:
જુઓ, સૌથી પહેલી વાતએ છે કે સુરતને ડિવિઝન બનાવવાની માંગ કરવામાં જ આવી નથી અને સુરતને ડિવિઝન બનાવવાથી કોઈ ફરક પડતો નથી. લોકોએ મુંબઈ સુધી લાંબા થવું પડતું હોવાની વાત જ ખોટી છે. સુરતને ડિવિઝન બનાવવાની કોઈ જરૂર જ નથી. સુરતને ક્યારેય ડિવિઝન નહિ બનાવાય. અમે તો રેલવેના ડિવિઝનો ઘટાવાનું વિચારીએ છીએ, નહીં કે નવા ડિવિઝન બનાવવાનું. ઝોન પ્રમાણેની નવી વ્યવસ્થા ઊભી કરવાની વિચારણા ચાલી રહી છે.

ભાસ્કર: સુરતથી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોની સંખ્યા વધારશો ?
મંત્રી:
સુરત-મહુવા ટ્રેન ચાલુ કરી જ છે, જે સપ્તાહમાં 5 દિવસ અને સાથે જ મુંબઇથી મહુવા માટેની ટ્રેન પણ અઠવાડિયે 1 દિવસ દોડશે. 21મીથી રોજ રાત્રે સુરતથી બેસી સવારે મહુવા પહોંચી શકાશે. વલસાડથી આબુ માટેની ટ્રેન પણ શરૂ થઇ જશે. ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેન પણ આજથી સુરત સ્ટેશને થોભશે.શતાબ્દી-ગુજરાત ક્વિનને પણ ગાંધીનગર સુધી લંબાવાશે.

ભાસ્કર: MMTHને બદલે હવે સુરત-ઉધના સ્ટેશનના રિ-ડેવલપમેન્ટની વાતો છે, એ કામ ક્યાં પહોંચ્યું?
મંત્રી:
બંને સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવવાનું કાર્ય એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ટેન્ડરિંગ) સુધી પહોંચી ગયું છે. ઝડપભેર બંને રેલવે સ્ટેશનની કાયાપલટ થઇ જશે.

ભાસ્કર: સુરતમાં મેગા ટેક્સટાઇલ પાર્ક માટેની સંભાવના છે ?
મંત્રી:
મેગા ટેક્સટાઇલ પાર્ક બનશે કે નહિ એ હાલ કહી શકાય એમ નથી. આ બાબત કેબિનેટ નક્કી કરશે.

ભાસ્કર: કાપડમાં જૂની GSTની ક્રેડિટના પ્રશ્નો ક્યારે ઉકેલાશે?
મંત્રી:
આ પ્રશ્ને નાણાં મંત્રાલય નિર્ણય લેશે. જોકે નવી જીએસટીની ક્રેડિટ આપવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

ભાસ્કર: કાપડ ઉદ્યોગની અન્ય સમસ્યા કેવી રીતે ઉકેલશો?
મંત્રી:
એન્ટિ ડમ્પિંગ ડ્યુટી પ્રશ્ને પરિણામ આવ્યું છે. સુરત જ નહીં, અનેક રાજ્યોમાં ટેકસટાઇલ ઉદ્યોગ ચાલી રહ્યો છે, જેના વિકાસ માટે યોજનાઓનું નવીનીકરણ કરી જલદી અમલમાં આવે એવા પ્રયાસો છે.

અન્ય સમાચારો પણ છે...