તાપી જિલ્લાના વડામથક વ્યારા નજીકથી ટીચકપુરા ખાતે વિદ્યાર્થિની ચાલુ બસમાંથી પટકાતાં જીવન અને મોત વચ્ચે ઝોલાં ખાતી હતી. 22 નવેમ્બરના દિવસે ચાલુ બસમાંથી પટકાતાં સીસીટીવી કેમેરાનાં દૃશ્યો સામે આવ્યાં છે. સીસીટીવીમાં જે રીતે વિદ્યાર્થિની પટકાઈ હતી એ જોતાં તેનું જીવવું મુશ્કેલ લાગે એ સ્વાભાવિક છે. દીકરીને તાત્કાલિક અસરથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ દીકરીને વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. તેની સ્થિતિ સુધરતાં ઓક્સિજન પર આઈસીયુમાં રાખવામાં આવી છે.
દીકરી દાદાના સહારે, પણ તેમની પણ સર્પદંશથી હાલત નાજુક
માંડવી તાલુકાના વાધનેરા ગામની પિતાની છત્રછાયા ગુમાવનારી યુવતી અસ્માતમાં ભોગ બની હતી. ગરીબ ઘરની દીકરી માત્ર એક તેના દાદાના સહારે રહેતી હતી. આવી સ્થિતિ વચ્ચે એકાએક તેના દાદાને ખેતરમાં સર્પદંશ થયો છે. પરિણામે, તેમની પણ સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તેઓ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દીકરી જેના સહારે હતા તે દાદા પોતે જ ગંભીર સ્થિતિમાં મુકાઈ ગયા છે. તેમને હાલ સિવિલ હોસ્પિટલની અંદર સારવાર આપવામાં આવી રહી છે.
દીકરી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રિયંકાના પરિચિત વ્યક્તિ જશવંતભાઈએ જણાવ્યું હતું કે સુરતના અડાજણ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં પ્રિયંકા અશોકભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી તે વેન્ટિલેટર પર હતી, પરંતુ હવે તેની સ્થિતિ સુધરતાં વેન્ટિલેટર બાદ તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને આઈસીયુમાં સારવાર ચાલી રહી છે.
મંત્રી ગાંધીનગરથી સતત સંપર્કમાં
પ્રિયંકા ખૂબ જ ગરીબ ઘરની છે અને અહીં ખર્ચ ખૂબ વધુ હોવાની વાત જાણવા મળી હતી. એને કારણે થોડી ચિંતા વધી ગઈ હતી. એના કરતાં પણ વધુ મુશ્કેલી ત્યારે આવી ગઈ, જ્યારે તેના દાદાને પણ ખેતરમાં સર્પદંશ થયો અને તેમની પણ તબિયત બગડી છે. તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. ખૂબ સારી બાબત એ છે કે અમારા વિસ્તારના ધારાસભ્ય કુંવરજી હળપતિ હાલ મંત્રી બન્યા છે. આ માહિતી મળતાંની સાથે જ તેમણે અમને આર્થિક રીતે ખૂબ મોટી મદદ કરી છે અને દીકરીને સારવાર આપવા માટે તેઓ ગાંધીનગરથી સતત સંપર્કમાં છે.
દીકરીની સારવારનો ખર્ચ ભોગવી શકે એમ નથી
નવનિયુક્ત આદિજાતિમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે પ્રિયંકા ચૌધરીને ઇજા થઈ હોવાની વાત સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સુધી પહોંચી હતી. જાણ થતાંની સાથે જ મેં ખૂબ જ ગંભીરતાથી આ બાબત લીધી છે. જ્યારે તેમના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે મને જાણ થઈ કે આર્થિક રીતે તેઓ ખૂબ જ ગરીબ છે અને દીકરીની સારવારનો ખર્ચ ભોગવી શકે તેમ નથી.
દીકરીને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે: કુંવરજી હળપતિ
ખાનગી હોસ્પિટલના સારવાર આપનાર ડોક્ટર સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે દીકરીની સારવાર માટે કોઈપણ પ્રકારની આર્થિક ખર્ચની ચિંતા કરવી નહીં અને તેને યોગ્ય સારવાર આપવી. રૂપિયા એક લાખ તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ડોક્ટરને પહોંચાડી દેવામાં આવ્યા હતા. હજી પણ હું દીકરીના પરિવારના સભ્યો સાથે સંપર્કમાં છું અને ડોક્ટરને પણ કહ્યું છે કે દીકરીની પૂરતી સારવાર થવી જોઈએ. તમામ ખર્ચની વ્યવસ્થા શક્ય હોય એવી રીતે કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.