• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'Millions Of Flats With NOC BUC Are Illegal, Notice To Demolish In 21 Days Is A Threat, It Is Safer To Stay In Kabul Than This'

સુરતના રહીશોનો આક્રોશ:‘NOC-BUCવાળા કરોડોના ફ્લેટ ગેરકાયદે કહી 21 દિવસમાં તોડવાની નોટિસ એ ધમકી કહેવાય, આના કરતાં કાબુલમાં રહેવું વધારે સેફ છે’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરપોર્ટના રન-વેને નડતરરૂપ 27 પ્રોજેક્ટના 3000 ફ્લેટ તોડી પડાશે તો મોદીને સામૂહિક સ્યુસાઈડ નોટ મોકલવા રહીશોની ચિમકી
  • વેસુ, રૂંઢ અને મગદલ્લાના બિલ્ડિંગોને જવાબ આપવા હવે બે સપ્તાહ બાકી, જવાબ નહીં આપે તો પાલિકા ફ્લેટ સીલ કરશે

એરપોર્ટના રન-વે સામે નડતરરૂપ વેસુ, રૂંઢ, મગદલ્લાના 27 પ્રોજેક્ટની રજાચિઠ્ઠી સ્થગિત કરી 21 દિવસમાં કારણ રજૂ કરવાની અપીલને હવે બે અઠવાડિયા જ બાકી છે ત્યારે રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી રહ્યો છે. આ મામલે સ્થાનિક રહીશ એવા ડો. અતુલ અભ્યંકર, વિપુલ શાહ અને ધર્મેશ જોશી અંદાજે 3000 ફ્લેટધારકો વતી લડત આપવા તૈયારી કરી રહ્યાં છે. ડો. અભ્યંકરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું કે, ‘પાલિકાની 21 દિવસમાં મકાનો તોડી પાડવાની નોટિસ એ ધમકી કહેવાય આના કરતાં તો કાબુલમાં રહેવું વધુ સેઈફ છે.

તાલિબાનોથી મુક્તિ પામી ભારતીયો અહીં આવી ગયા. અહીં તો લીગલી રહેતાં હોવા છતાં 21 દિવસમાં જ મકાન તોડવા ચેતવણી અપાઈ છે. જે ઘર્ષણ ફેલાવી શકે છે. પાલિકાએ જ પ્લાન મંજૂર કર્યા, NOC આપી ને BUC પણ આપી, રજીસ્ટરર્ડ ફી પણ લીધી, વેરા પણ વસુલે છે’ તંત્રની કાર્યવાહીથી ઘણાં રહીશો ડિપ્રેશનમાં પણ આવી ગયા છે. તંત્રની કાર્યવાહી મામલે રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો માનવિય અભિગમ ન અપનાવાય તો PMOમાં સામૂહિક સ્યુસાઇડ નોટ મોકલાશે. રહીશોએ કહ્યું હતું કે, તમામ NOC તથા મંજૂર પ્લાન જોઇને જ લોકોએ મોંઘાદાટ ફ્લેટો ખરીદ્યા હતા. હવે અચાનક બિલ્ડિંગો ગેરકાયદે કેવી રીતે થઈ ગઈ? પાલિકાએ નોટિસનો સમયગાળો પૂરો થતાં જ રજાચિઠ્ઠી રદ કરી કડક કાર્યવાહીની સ્પષ્ટતા કરી છે.

ફ્લેટો વેચવા કાઢ્યા છે, પણ કોઈ લેવા તૈયાર નથી
વેસુ સ્થિત સેવન હેવન હાઇરાઇઝની કમિટીના અગ્રણી વિપુલ શાહે કહ્યું કે, આ પરિસ્થિતિ માટે કોને જવાબદાર ગણીએ તે સમજ બહાર છે. અનેક રહીશો સતત તાણમાં રહે છે. લોકડાઉનના લીધે કપરી સ્થિતિમાં મુકાયેલાં ઘણા લોકોએ ઘર વેચવા કાઢ્યા છે પણ વિવાદના લીધે ખરીદાર મળતા નથી. જો માનવિય અભિગમ ન અપનાવાય તો સામૂહિક સ્યુસાઇડ નોટ મોકલવી પડશે.

ઘર ખોવાના ડરે કોઈ આપઘાત કરશે તો જવાબદાર કોણ?
વેસુના સેલેસ્ટિયલ ડ્રિમ્ઝમાં રહેતા ડો. અતુલ અભ્યંકરે જણાવ્યું કે, તંત્રએ 21 દિવસમાં જવાબ નહિ આપો તો મકાનો તોડી પાડવા ચેતવણી આપી છે. આ મહેતલ તાલીબાની દહેશત જેવી છે. કાયદાકીય લડતોે આપીશું પણ સાઈકોલોજીકલ ઈફેક્ટ થશે તો શું થશે? ઘર ખોવાના ડરે જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લેશે તો તેના માટે જવાબદાર કોણ? હું ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે મારા શબ્દો ખોટા પડે.

હજુ 15 વર્ષની લોન બાકી છે ને ફ્લેટ તોડવા નોટિસ મળી
વેસુના હોરાઇઝોનમાં રહેતાં ધર્મેશ જોષીએ કહ્યું કે, હજુ 15 વર્ષની લોન બાકી છે ત્યાં તો ફ્લેટ તોડવાની નોટિસ મળી છે. ઘર જ નહીં રહેશે તો લોન કેવી રીતે ચુકવીશું? સમગ્ર પ્રકરણ રિડ્યુઝ લેવલ બિંદુના લીધે વિવાદમાં છે પણ AAI, PWD કે ડેવલપર્સ તે નક્કી RL ક્યાંથી લાવ્યાં તે કહેવા તૈયાર નથી. હજારો અસરગ્રસ્તો હોવા છતાં અમારો પક્ષ લેવા કોઈ તૈયાર નથી.

ફ્લેટ ખાલી કરાવી સીલ સુધીની કાર્યવાહી થઇ શકે -પાલિકાના શહેરી વિકાસ વિભાગના અધિકારીએ કહ્યું કે, એરપોર્ટ ઓથોરિટીએ વેસુ, રૂંઢ અને મગદલ્લા વિસ્તારમાં બનેલી એરપોર્ટ માટે નડતરરૂપ બિલ્ડિંગની એનઓસી ઇનવેલિડ કરી છે. આવામાં પ્રોજેક્ટ હોદ્દેદારો સમય મર્યાદામાં સંતોષકારક જવાબ રજૂ ન કરે તો રજાચિઠ્ઠી રદ કરી દેવાશે. એટલે બીયુસી પણ આપોઆપ ડિસ્ક્વોલિફાઇ થઈ જતાં વસવાટ તમામ પણ ખાલી કરાવી સીલ મારી દેવા સુધીની કાર્યવાહી થઇ શકે છે. આ અંગે એએઆઇ અને કલેક્ટરના આદેશ મુજબ આગળની કાર્યવાહી થઇ શકે છે. અમે, આદેશની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...