કામગીરી શરૂ:મેટ્રો સ્ટેશનનું કામ શરૂ, આજથી ચોક, LH રોડ સહિત 6 રસ્તા 1 વર્ષ સુધી બંધ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડ્રીમ સિટીથી કાદરશાહ નાળ સુધી એલિવેટેડ કોરિડોર, ચોકથી કાપોદ્રા સુધી ટનલ બનશે
  • 7 કિમી​​​​​​​ લાંબા રૂટ પર કામગીરી શરૂ, વાહનવ્યવહારને આ રીતે ડાયવર્ટ કરાશે

શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લાઇન-1 અંતર્ગત ચોકબજારથી કાપોદ્રા સુધીના 7.02 કિમી લાંબા અન્ડરગ્રાઉન્ડ રૂટમાં શરૂઆતમાં 6 સ્ટેશન બનાવવા મુખ્ય માર્ગો 1 વર્ષ માટે બંધ તથા ડાયવર્ટ કરાશે. ચોકબજાર, રાજમાર્ગ તથા લંબેહનુમાન રોડ વગેરે વિસ્તારમાં વાહન વ્યવહાર બાધિત ન થાય તે માટે ડાયવર્ઝન અપાશે. બુધવારે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી આગામી 1 વર્ષ એટલે 3 નવેમ્બર, 2022 સુધી રોડ બંધ-ડાયવર્ટ રાખવાનો આદેશ કર્યો છે.

LH રોડ સ્ટેશન : બંધ રસ્તો : રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરેન્ટથી LH પોલીસ ચોકી સુધી
વૈકલ્પિક રસ્તો : લંબેહનુમાન જે. બી. ડાયમંડ સર્કલ તરફથી દિલ્હી ગેટ અને રિંગ રોડ તરફ આવવા માટે લંબે હનુમાન પોલીસ ચોકીથી વરાછા મેઇન રોડથી, આયુર્વેદિક કોલેજ સર્કલથી સ્ટેશન રોડ અથવા લાલ દરવાજા રોડનો ઉપયોગ કરી શકાશે. કતારગામ તરફ જવા વરાછા મેઇન રોડ પરથી લાલ દરવાજા રોડ થઈને જઈ શકાશે. જીએસઆરટીસી બસ ડેપો અને ખારવા ચાલના રહેવાસીઓએ અલગથી 4 મીટર આપવામાં આવેલા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

મસ્કતિ હોસ્પિ. સ્ટેશન : બંધ રસ્તો : રાજમાર્ગ ઉપર મસ્કતિથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ
વૈકલ્પિક રસ્તો : સ્ટેશન રોડ પર મોતી ટોકિઝ (પાણીની ટાંકી) તરફથી મહિધરપુરા જવા માટે દારૂખાના રોડથી મહિધરપુરા રોડ પર આવી શકાશે. રાજમાર્ગથી ભાગળ ચાર રસ્તા અને ચોક બજાર તરફ જવા દારૂખાના રોડથી મહિધરપુરા રોડથી, ઘી કાંટા રોડ થઈ કાંસકીવાડ થઈ ભાગળ આવી શકાશે. ચોકબજાર અને ભાગળ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જવા પીરછડી રોડ અથવા કાંસકીવાડ રોડથી ઘી કાંટા રોડથી મહિધરપુરા મેઇન રોડથી રાજમાર્ગ પર આવી શકાશે.

ચોકબજાર સ્ટેશન : બંધ રસ્તો : ક્રાઇમ બ્રાંચથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધીબાગ સર્કલ સુધીનો રસ્તો
વૈકલ્પિક રસ્તો : રાજમાર્ગથી નહેરુ બ્રિજ જવા તેમજ આવવા માટે નાના વાહનોને ચોકથી રસ્તો અપાશે. રાજમાર્ગથી ગાંધીબાગ, વિવેકાનંદ સર્કલ જવા ચાર ગલી (વન-વે)થી જઈ શકાશે. વિવેકાનંદ સર્કલથી રાજમાર્ગ જવા રંગ ઉપવન રોડ (વન-વે), કમાલ ગલી રોડ. ગાંધીબાગ તરફથી નહેરુ બ્રિજ આવવા-જવા SBI પાછળથી જઈ શકાશે. પાલિકા તરફ જવા નાણાવટ રોડનો નાના વાહનોએ જ ઉપયોગ કરવાનો રહેશે. મોટા વાહનો જીલાની બ્રિજ થઈને જઈ શકશે.

વેરહાઉસ UG સ્ટેશન​​​​​​​ : બંધ રસ્તો : LH રોડ પર જે.બી. ડાયમંડ સર્કલથી વસંત ભીખાની વાડી સુધીનો રસ્તો
વૈકલ્પિક રસ્તો : રેલવે સ્ટેશન તરફથી આવતા વાહનો (ટુ-ફોર વ્હીલ સિવાય) LH રોડ પર જે.બી. ડાયમંડ સર્કલ પર બેટરીમોલથી જમણે વળીને, ઇન્ડિનીયો ફેશન પર ડાબે વળીને ત્રિકમનગર થઈ કાલીદાસ નગર ગણેશજી પંડાલ પાસે ડાબે વળીને બોમ્બે માર્કેટ થઈ વસંતભીખાની વાડી પહોંચી શકશે. વસંતભીખા સર્કલ તરફથી આવતા વાહનો મેક્સ કોર્પોરેશન પાસે જમણે વળી સહકારી બેંક રોડ, વરાછા, લાલ દરવાજા થઈ જે.બી. ડાયમંડ સુધી પહોંચી શકશે.

લાભેશ્વર UG સ્ટેશન : બંધ રસ્તો : ખેતલા આપા ટી સ્ટોલ પાસે માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી
વૈકલ્પિક રસ્તો : માતાવાડી સર્કલ તરફથી આવતા વાહનો ઇશ્વરકૃપા રોડથી જમણે, મોરલીધર મોબાઇલથી ડાબે વળીને ડાહ્યાપાર્ક સોસાયટી થઈ ભવનાથ હોટલ પાસે ડાબે વળીને એ.વી. પટેલ રોડ થઈને લાભેશ્વર ચોકી તરફ જઈ શકશે. લાભેશ્વર તરફથી આવતા વાહનો જમણે, લાભેશ્વર રોડ થઈ સદભાવના હોસ્પિટલ અને મેટરનિટી હોમથી ડાબે વળી વરાછા આવશે ત્યાંથી પોશિયા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે ડાબે વળી ભરતનગર થઈ માતાવાડી સર્કલ જઈ શકશે.

કાપોદ્રા UG સ્ટેશન : બંધ રસ્તો : કલાકુંજ રોડ ફિનિક્ષ સર્કલથી ઝડફિયા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે
​​​​​​​
વૈકલ્પિક રસ્તો : વરાછા રોડ પર હીરાબાગ અને કાપોદ્રા તરફથી આવતા વાહનો રચના સર્કલ તરફ જઈ અને LH રોડ થઈને વડવાળા સર્કલ થઈ અક્ષરધામ સોસાયટીથી ડાબે વળીને પુણા ગામ રોડ થઈને કલાકુંજ ઝડફિયા જંકશન તરફ પહોંચી શકશે. જ્યાંથી આવતા વાહનોને જમણે વળીને પુણાગામ રોડ થઈને કાપોદ્રા ફાયર સ્ટેશનથી ડાબે વળીને વરાછા મેઇન રોડ થઈને કાપોદ્રા સર્કલ પાસે ડાબો વળાંક લઈ વાહનો રચના રોડ થઈને ફિનિક્સ સર્કલ સુધી પહોંચી શકશે.

અન્ય સમાચારો પણ છે...