MLA કાનાણીની ટકોર:સુરતના હીરાબાગ સર્કલ પર ટ્રાફિક અધિકારીઓને મળી કહ્યું- લોકો પાસે દંડ ન લેવો અને માનવીય અભિગમ રાખવો

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુમાર કાનાણીએ સ્થળ પર પહોંચી ટ્રાફિક વિભાગના અધિકારીઓને અપીલ કરી. - Divya Bhaskar
કુમાર કાનાણીએ સ્થળ પર પહોંચી ટ્રાફિક વિભાગના અધિકારીઓને અપીલ કરી.
  • ટ્રાફિક કર્મચારીઓ વાહનચાલકોને દંડ ફટકારતા હોવાની ફરિયાદ મળી હતી

વરાછા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઘણા વર્ષોથી છે. વિવિધ વિસ્તારમાં ફ્લાયઓવર બનાવ્યા બાદ પણ વરાછા, કાપોદ્રા, સરથાણા, યોગીચોક જેવા વિસ્તારોની અંદર ડાયમંડ ફેક્ટરી હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. આથી ટ્રાફિક કર્મચારીઓ વાહનચાલકોને મસમોટો દંડ ફટકારે છે તેવી ફરિયાદ મળતા ધારાસભ્ય કુમાર કાનાણી હીરાબાગ સર્કલ પર પહોંચ્યા હતા અને અધિકારીઓને બોલાવી માનવીય અભિગમ રાખીને દંડ ન ફટકારવા જણાવ્યું હતું. તેમજ સારી રીતે ટ્રાફિકનું સંચાલન કરવા પર ધ્યાન આપવા કહ્યું હતું.

લોકો વારંવાર ફરિયાદ કરતા હતા
આ વિસ્તારની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડ ફેક્ટરી આવેલી છે, તેને કારણે બાઇક ચલાવતા લોકોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં છે. ઘણી જગ્યાએ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેમજ કોર્પોરેશનની કામગીરીને કારણે ઘણા રસ્તાઓ પણ બંધ છે. ટ્રાફિકના કર્મચારીઓ સતત વાહનચાલકોને દંડ ફટકારતા હોવાની ફરિયાદ વધી રહી હતી. લોકો આર્થિક બોજ વધતો હોવાની વારંવાર ફરિયાદ પણ કરતા હતા.

અધિકારીઓએ માનવીય વલણ રાખવું જોઈએ
કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મે અગાઉ પણ લેખિત અને મૌખિક ટ્રાફિક બાબતે રજૂઆત કરી હતી. કોરોના સંક્રમણને કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ પણ નબળી પડી હતી. તેવા સમયે દંડ લેવો યોગ્ય હોવાની વાત પણ અગાઉ કરી હતી. છેલ્લા 15થી 20 દિવસથી ટ્રાફિક જવાનો દ્વારા કરવામાં આવતા દંડની ફરિયાદ મારા સુધી આવતા મેં ડીસીપીને લેખિતમાં અને ફરજ ઉપર રહેલા અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરી હતી. અધિકારીઓએ માનવીય વલણ રાખવું જોઈએ. દંડ કરવાને બદલે યોગ્ય ટ્રાફિક નિયમન થાય એ જરૂરી છે.