તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંસ્કારી ગણાતી પાર્ટીના નેતા જ બુટલેગર:ભાજપના તા.પંચાયતના સભ્ય અને લિસ્ટેડ મહિલા બુટલેગરનો દારૂનો વિડીયો વાઈરલ, મંત્રી ઈશ્વર પરમારના ગામની બેઠક પરથી જીતી છે ચૂંટણી

સુરત3 મહિનો પહેલા
ભાજપની તાલુકા પંચાયતની સભ્ય અને મહિલા બુટલેગર શકુંતલા રાઠોડના વાઈરલ વિડીયોનો સ્ક્રિન શોટ
  • મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ ભાજપની તાલુકા પંચાયતની સભ્ય
  • મંત્રી ઈશ્વર પરમારના ગામ બાબેન-2 બેઠક પરથી બની છે તાલુકા પંચાયતની સભ્ય

રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારુબંધીને લઈને મોટા મોટા બણગાં ફૂંકતી હોય છે. પરંતુ આજે વાઈરલ થયેલા આ વિડીયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડોને પણ ઉઘાડા પાડી દીધા છે. આ વિડીયો સંસ્કારી પાર્ટી ગણાતી ભાજપ માટે શરમજનક છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની બાબેન બેઠક-2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારુ વેચતો વિડીયો વાઈરલ થયો છે. આ મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ ભાજપની તાલુકા પંચાયતની સભ્ય હોવાથી બેખોફ રીતે દારૂનો ધંધો કરી રહી છે. તેમાં પણ સૌથી આંચકાજનક વાત તો એ છે કે, લિસ્ટેડ બુટલેગર એવી શકુંતલા રાઠોડ મંત્રી ઈશ્વર પરમારના ગામની તાલુકા પંચાયતની સભ્ય છે. આ મામલે ઈશ્વર પરમારે ઉડાઉ જવાબ આપી કહ્યું કે, આ અમારા સંગઠનનો વિષય છે.

આ મામલે DivyaBhaskarએ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પરમાર સાથે ખાસ વાત કરી હતી.

મંત્રીના ગામના તાલુકા પંચાયતના મહિલા સભ્ય બેખોફ રીતે દારૂનો ધંધો કરે છે
મંત્રીના ગામના તાલુકા પંચાયતના મહિલા સભ્ય બેખોફ રીતે દારૂનો ધંધો કરે છે

રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકાર મંત્રી ઈશ્વર પરમાર બારડોલી તાલુકાના બાબેનના રહેવાસી છે. મંત્રીના ગામના તાલુકા પંચાયતના મહિલા સભ્ય બેખોફ રીતે દારૂનો ધંધો કરતા હોય તો ગુજરાતમાં દારૂબંધીની સ્થિતિ કેવી છે તેનું કોઈ સ્પષ્ટીકરણની કરવાની જરૂર રહેતી નથી.

ભાજપે લિસ્ટેડ બુટલેગરને ટિકિટ આપી હતી
દારૂબંધીની વાતો ગુજરાતમાં પોકળ પૂરવાર થઈ રહી છે. તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ જ્યારે દારૂ અને જુગાર રમતા ઝડપાયા હોય ત્યારે તે પાર્ટી માટે શરમજનક બાબત ગણી શકાય. બારડોલીના બાબેન-2 તાલુકા પંચાયતના સભ્ય અને મહિલા બુટલેગર એવા શકુંતલા રાઠોડે ભાજપના નિશાન પરથી તાલુકા પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. ભાજપે આવી લિસ્ટેડ બુટલેગરને ઉમેદવાર તરીકે પસંદગી કરી તે ભાજપની માનસિકતા છતી કરી રહી છે.

બુટલેગરને ટિકિટ આપવા મામલે મંત્રીએ કહ્યું આ અમારા સંગઠનનો વિષય છે
બુટલેગરને ટિકિટ આપવા મામલે મંત્રીએ કહ્યું આ અમારા સંગઠનનો વિષય છે

મંત્રી ઈશ્વર પરમારે કહ્યું લિસ્ટેડ બુટલેગર છે કે નહીં મને ખબર નથી
આ અંગે DivyaBhaskar સાથે વાત કરતા રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકાર મંત્રી ઈશ્વર પરમારે કહ્યું કે હજી સુધી મેં વિડીયો જોયો નથી. શકુંતલા રાઠોડ દારૂ વેચે છે કે નહીં તે અંગે મને કોઈ માહિતી નથી. અમે જ્યારે તેમને કહ્યું કે શકુંતલા રાઠોડનું બારડોલી પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર તરીકે નામ છે. તેના જવાબમાં ઈશ્વર પટેલે કહ્યું કે તેવી કોઈ બાબતની મને ખબર નથી. ત્યારે અમે પૂછ્યું કે તો મહિલા બુટલેગરને ટિકિટ કેવી રીતે આપવામાં આવે છે તો તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે આ બધો અમારા સંગઠનનો વિષય છે.

DBના સવાલથી ભડક્યા જિ.પં.ના પ્રમુખ કહ્યું-હું કંઈ તમારો બંધાયેલો નથી
જ્યારે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલે DivyaBhaskarને જણાવ્યું કે આ અમારા સંગઠનનો વિષય છે, આના વિશે મારે કંઈ કહેવું નથી. અમે જ્યારે પૂછ્યું કે આવી વ્યક્તિને શા માટે ટિકિટ આપવામાં આવે છે? ત્યારે ભાવેશ પટેલે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે હવે તમારો ફોન મૂકી દો મારે કે તમારા બધા સવાલના જવાબ આપવાના હોતા નથી. હું કંઈ તમારો બંધાયેલો નથી ફોન મૂકી દો.

આ મામલે અમારું સંગઠન નિર્ણય લેશેઃ તા.પંચાયતના પ્રમુખ
સુરત તાલુકા પંચાયતના પ્રમુખ જીતુ વાંસિયાએ જણાવ્યું કે શકુંતલા રાઠોડનો વિડીયો વાયરલ થયો છે એ કદાચ ખોટું પણ હોય શકે એ સત્ય છે કે કેમ તે અંગે હજી તપાસ કરવી પડશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો આ વિડીયો સાચો હોય અને તમારી તાલુકા પંચાયતના મહિલા સભ્ય દારૂ વેચતા હોય તો તે વિશે તમારે શું કહેવું છે? તેમણે જવાબ આપ્યો કે આ રીતે દારૂ વેચવો એ યોગ્ય બાબત નથી. અમે એમને પૂછ્યું કે એમની સામે કયા પ્રકારના પગલા લેવાશે? તો એમણે ફરીથી એ જ જવાબ આપવાનું શરૂ કર્યું કે વિડીયો સાચો છે કે ખોટો તે અંગે હજુ કોઇ માહિતી મળી નથી અને જે પણ હશે તે અંગે અમારું સંગઠન નિર્ણય લેશે.