આજે વહેલી સવારથી જ સુરત શહેરમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ હતી. સુરત શહેર સહિત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ઉકળાટને લીધે સુરતીઓ ત્રસ્ત થઈ ગયા છે. જોકે, આજે વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વરાછા વિસ્તારમાં 1 ઇંચ વરસાદ
સુરત શહેરના વાતાવરણમાં આજે અચાનક જ પલટો આવ્યો છે. સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. વરાછા એ ઝોનમાં ધોધમાર વરસાદ થતાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરાછા,પાલ,લીમ્બાયત રાંદેર, રિંગરોડ સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદની હેલી જોવા મળી હતી.
મહુવા,માંડવી અને ઉમરપાડામાં વરસાદ
સુરત સહિત સમગ્ર જિલ્લામાં મેઘમહર જોવા મળી રહી છે. મહુવામાં સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. 10 વાગ્યા સુધીમાં મહુવામાં અને માંડવી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં હજી પણ આકાશકાળા ડિબાગાળાઓથી ઘેરાયેલું દેખાઈ રહ્યું છે. અત્યારની સ્થિતિ જોતા દિવસભર વરસાદી માહોલ શહેરમાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.