સુરતના લિંબાયત પરવત ગામ વિસ્તારમાં પતિના ત્રાસને કારણે પત્નીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે. આપઘાત પહેલાં પત્નીએ પોતાના ડાબા હાથ પર હિન્દીમાં 'પતિ મુજે પરેશાન કરતા હૈ, લખાણ લખી આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કરતાં બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આ અંગે મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પતિના ત્રાસથી પત્નીનો આપઘાત
સુરતના લિંબાયત પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા પર્વત ગામમાં એક પતિ-પત્નીનો ઘરકંકાસ મોતનું કારણ બન્યું હતું. મહિલાને તેનો પતિ અવારનવાર ત્રાસ આપતો હોવાથી આખરે કંટાળીને પત્નીએ આપઘાત કરી લીધો હતો. એટલું જ નહીં, પત્ની તેના પતિના ત્રાસથી એ હદે કંટાળી ગઈ હતી કે આપઘાત કરતાં પહેલાં હિન્દીમાં તેના હાથ પર સુસાઇડ નોટ લખી હતી. મહિલાએ ડાબા હાથ પર સુસાઇડ નોટ લખીને મોતને વહાલું કરી લીધું હતું.
બે બાળકે માતાની છત્રછાયા ગુમાવી
મૂળ ઝારખંડની વતની સીતાબેનના લગ્ન તેના વતન નજીક આવેલા ડોરડા ગામ ખાતે રહેતા પ્રવીણ છોટીનાથ ગોસ્વામી સાથે કર્યા હતા. બંનેનાં લગ્ન સમાજના રીતરીવાજ મુજબ વર્ષ 2014માં થયાં હતાં. લગ્ન બાદ દંપતી સુરત રહેવા આવી ગયું હતું. હાલમાં આ દંપતી પરવત ગામ સ્થિત ગીતાનગર ખાતે રહેતું હતું. લગ્નગાળા દરમિયાન દંપતીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જ્યારે પતિ પ્રવીણ ગોસ્વામી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અત્યારે મહિલાએ આપઘાત કરી લેતાં બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
અવારનવાર પતિ આપતો હતો ત્રાસ
વર્ષ 2014માં લગ્ન થયાનાં 3 વર્ષ બાદ પ્રવીણ ગોસ્વામીએ તેની પત્નીને અવારનવાર મહેણાંટોણાં મારવાનું શરુ કર્યું હતું. તું દહેજમાં કશું લાવી નથી, એમ કહી હેરાનપરેશાન કરવાનું શરૂ કર્યું હતું તેમજ વર્ષ 2018માં પતિએ પત્નીને ત્રાસ આપતાં તેનો ભાઈ અને માતા ખબરઅંતર પૂછવા સુરત આવ્યાં હતાં, જેમાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી 'તું તારા ભાઈ તેમજ માને કેમ અહીં બોલાવે છે,' એમ કહી તેના ભાઈ સાથે મારામારી કરી હતી. ત્યાર બાદ સાળા અને સાસુને રાત્રિના સમયે ઘરમાંથી કાઢી મૂક્યા હતા.
પતિએ સાળા સાથે પણ અનેકવાર ઝઘડો કર્યો
પતિ તેની પત્નીને ઘરની બહાર નીકળવા દેતો નહોતો અને કોઈની સાથે વાતચીત પણ કરવા દેતો નહોતો. તેને મોબાઈલ ફોન પણ રાખવા દેતો નહોતો. વર્ષ 2022માં પરિણીતા પતિના ત્રાસના કારણે બાળકોને લઈને વતનમાં તેના પિતાના ઘરે પણ જતી રહી હતી. ત્યાં એકાદ મહિનો રોકાઈ હતી, જેથી પતિ પ્રવીણે સુરતમાં રહેતા તેમના સાળાને ત્યાં જઈને ઝઘડો કર્યો હતો, જેથી વતનમાં જઈને પત્ની પતિ વિરુદ્ધ પોલીસમાં અરજી આપતાં પતિએ વતનમાં જઈ પત્ની સાથે સમાધાન કર્યું હતું. બાદમાં પત્ની અને બાળકોને લઇ પરત સુરત આવ્યો હતો.
પતિ હાથ પણ ઉપાડતો હતો
પતિના વારંવારના આ પ્રકારના વર્તન અને ત્રાસને કારણે આખરે પત્ની કંટાળી ગઈ હતી. પતિ પ્રવીણ તેની પત્ની સામે વહેમ રાખી મારઝૂડ પણ કરતો હતો. ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસ આપતો જ રહ્યો હતો. એને લઇ આખરે કંટાળીને પરિણીતાએ ગત 24 જાન્યુઆરીના રોજ ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતાં પહેલાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ ડાબા હાથ ઉપર પતિના ત્રાસ અંગેની સુસાઇડ નોટ પણ લખી હતી.
હાથ પર પતિ મુજે પરેસાન કરતાં હૈ લખ્યું
પત્ની સીતા દ્વારા આપઘાત કર્યા પહેલાં હિન્દી ભાષામાં હાથ પર સુસાઇડ નોટ લખી દીધી હતી. પત્નીએ હાથ પર લખ્યું હતું કે 'મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મૈં જીના ચાહતી હૂં. ઇતની પરેશાની મેં કેસે જીઉંગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી, રોજ મારના પીટના નહીં સહ પા રહી હૂં. મેરા પતિ ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઔર સસુરજી કી કોઈ ગલતી નહીં હૈ. મેં થક ગઈ હૂં.'
પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો થયો
ઘટના અંગે લિંબાયત પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે મરનારી મહિલાના ભાઈ બાસુદેવ ભીમ ગૌસ્વામીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં મહિલાના પતિ સામે વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે લિંબાયત પોલીસ મથકના પીઆઇ એચબી ઝાલાએ જણાવ્યું હતું કે જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાએ હાથ ઉપર તેના પતિ વિરુદ્ધ સુસાઇડ નોટ લખી છે. આ બાબતે પોલીસે એફએસએલની ટીમ અને પંચનામાની ટીમ સાથે વીડિયોગ્રાફી કરી છે. આ વીડિયોગ્રાફી અને ફોટોને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહિલાએ જાતે જ તેના હાથ પર તેના પતિ સામે સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. ત્યારે આ ગુનામાં પોલીસ દ્વારા આઇપીસી કલમ 306 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.