મારૂ સુરત / પ્લેગ વખતે લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં સામેથી જ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવું વર્તન થતું હતું

કોરોનાના કપરા સમયમાં સેવંતીભાઈ શાહ(ઈન્સેટ)માંએ અઢી દાયકા પહેલા ફેલાયેલા પ્લેગના દિવસોને યાદ કર્યા હતાં.
X

  • પ્લેગ બાદ ગંદકીમાંથી શહેર સ્વચ્છતામાં અવ્વલ બન્યું
  • પ્લેગ અને કોરોના બન્નેની સ્થિતિમાં તંત્ર ખડેપગે રહ્યું છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 12:55 PM IST

સુરત. આફતોને અવગણીને અવસરની શોધમાં સતત ધબકતાં સુરતની છબી 1994માં ખરડાઈ જાય છે. એકાએક આવેલા પ્લેગના કારણે લોકોમાં ભયનો માહોલ પેદા થાય છે, જેથી લોકોની હિજરત પણ ખૂબ વધે છે એ પ્લેગના દિવસોને કોરોનાના હાલના સમયમાં યાદ કરતાં હીરા ઉદ્યોગકાર સેવતંભાઈ શાહએ જણાવ્યું કે, પ્લેગથી સમગ્ર શહેરમાં ગભરાહટનો માહોલ પેદા થયો હતો. પ્લેગ વખતે લોકો સુરત છોડીને જ્યાં જ્યાં ગયા ત્યાં સામેથી લોકો સુરતીઓથી ડિસ્ટન્સ રાખતાં હતાં. 

ધીમે ધીમે કોરોનાનો ભરડો લાગ્યો

 પ્લેગ માત્ર સુરત શહેર પુરતો સિમિત રહ્યો હતો જ્યારે કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ચીનથી ડિસેમ્બર મહિનાથી શરૂ થયેલો કોરોના સુરત આવતા આવતાં માર્ચ મહિનો થઈ ગયો હતો.એટલે લોકો કોરોનાની ભયાનકતાથી લઈને તમામ બાબતે સજાગ અને તૈયાર હતાં. પરંતુ એ વખતે આવેલો પ્લેગ અચાનક આવ્યો અને ચાર પાંચ દિવસમાં તો તેનો પ્રભાવ પૂરો થઈ ગયો હોય તેમ કાબૂમાં આવી જતાં શહેર નોર્મલ થઈ ગયું હતું.કોરોનાની ભયાનકતાને પગલે સરકારે ઓફિશિયલી 25મીથી લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ કોરોનાના કારણે 22-23 માર્ચથી જ સુરત બંધ થઈ ગયું હતું. આજે બે મહિના થઈ ગયા છતાં કોરોના કેટલો ચાલશે તે કોઈ કહી શકે તેમ નથી. 

પ્લેગ વખતે લોકો અછૂત બની ગયેલા

સેવંતીભાઈએ પ્લેગના કપરા સમયને યાદ કરતાં કહ્યું કે, લોકો શહેર છોડીને જ્યાં જ્યાં ગયાં ત્યાં સામેથી લોકો ડિસ્ટન્સ રાખતાં. કોરોના સમયમાં હવે આપણે સોશિયલ ડિસટન્સ રાખો તેમ કહેવું પડે છે પરંતુ પ્લેગ વખતે તો લોકો અછૂત બની ગયા હોય તેવું જોવા મળતું હતું.કોરોના ચેપી રોગ હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે અને જાળવવું જ જોઈએ.

પ્લેગ ગંદકી બાદ ફેલાયો હતો

પ્લેગ ફેલાવાનું એક કારણ ગંદકી પણ માનવામાં આવતું. ત્યારે સુરત દેશના ગંદા શહેરો પૈકીનું એક ગણાતું હતું.મેલેરિયા,ટાઈફોડ જેવા રોગો તો કાયમી ઘર કરી ગયા હતાં. એ વખતે હોસ્પિટલમાં એવી પરિસ્થિતિ થતી કે બેડ પણ ખૂટી પડે અને દર્દીઓને લોબીમાં સૂવડાવવા પડતાં હતાં. પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે સુરત સ્વચ્છતાની બાબતમાં ખૂબ આગળ આવ્યું અને નંબર વનના એવોર્ડ પણ મેળવી ચુક્યું છે. સ્વચ્છ સુરત થયા બાદ બીમારી ઓછી થઈ નવી નવી હોસ્પિટલો બની પરંતુ તેમના અંદાજ ખોટા પડ્યા હોય તેમ હવે દર્દીઓ પણ ઓછા મળી રહ્યાં છે. જેથી મોટી મોટી હોસ્પિટલ પણ મુશ્કેલીમાં મુકાઈ હોવાનું સેવંતીભાઈએ વધુમાં ઉમેર્યું હતું.

વસતિ ગીચતા અંગે વિચારવું પડશે

કોરોના અંગે વસતિ ગીચતાના કારણે વધુ ફેલાતો હોવાનું એક મોટું કારણ કહેવાતું હોવાનું ઉમેરતાં સેવંતીભાઈએ જણાવ્યું કે,સરકાર હવે આ બાબતે પણ ચોક્કસ વિચારશે. જેના કારણે તેના સારા પરિણામો આવે તો સુરત માટે પણ સારૂં સદભાગ્ય બની રહે.પ્લેગ વખતે પણ વહિવટી તંત્ર બરાબર કામ કરતું હતું. પ્લેગ વખતે લોકોના પ્રશ્નો અને રોગમાંથી બહાર આવવા માટે બરાબર તંત્ર કામે લાગેલું હતું.એ વખતે પ્રોબ્લેમ પાંચકે દિવસનો હતો કોરોના સમયમાં લગભગ વહિવટી તંત્ર બે મહિના કરતાં વધુ સમયથી ખડેપગે જે કામ કરે છે. 
કોરોના વોરિયર્સની અથાક મહેનત

સેવંતિભાઈએ કહ્યું કે, પાલિકા તંત્ર,ક્લેક્ટર અને પોલીસ તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે તેની જેટલી પણ પ્રશંસા કરીએ તે ઓછી છે.બે મહિનાથી જે રીતે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમાંથી ઘણાને તો ઊંઘ પણ બહુ ઓછી મળી રહી છે. તેથી આવા કોરોનાના કપરા કાળમાં કોરોના વોરિયર્સની મહેનત ખરેખર પ્રશંસનિય છે. એટલે શહેરની સાથે તંત્રને પણ કોરોનામાંથી ઝડપતી મુક્તિ મળે તેવી આશા રાખવી જોઈએ.

ભવિષ્ય શુભ બનશે

પ્લેગ બાદ સુરતની વિકાસની ગતિએ થોડો સમય અટક્યા બાદ હરણફાળ ભરી હતી.તે જ રીતે કોરોનામાં પાટા પરથી ઉતરી ગયેલા સુરતની દિશા અને ગતિ વિકાસની નવી કેડી કંડારશે અને સુરતી ખમીર ફરી ખૂબ ઝડપથી આગળ વધશે તેવો આશાવાદ સેવંતિભાઈ શાહે વધુમાં વ્યક્ત કર્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી