• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Maru Surat: At The Time Of The Plague, Fear Had Spread To Surat Alone, With 700 Million People Around The World Flocking To Corona

મારૂ સુરત:પ્લેગ વખતે માત્ર સુરતીઓમાં જ ડર ફેલાયેલો, કોરોનામાં વિશ્વના 700 કરોડ લોકો ફફડી રહ્યા છે

સુરત2 વર્ષ પહેલા
પ્લેગ બાદ ડર્યા વગર સફાઈના કામો માટે જાહેરમાં લોકો ઉતરતા હતાં(ઈન્સેટમાં ગોવિંદભાઈ ધોળીકીયા)
  • પ્લેગ વખતે ફ્લાઈટ સેવા બંધ થયેલી,ડર્યા વગર પ્લેગને ભગાવવા સફાઈ થતી
  • કોરોના સમયમાં સતત માનિસક ડર રાખ્યા વગર તકેદારી રાખવી જરૂરી છે

કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જાય છે. જેની સાથે વિશ્વના 700 કરોડ લોકો માનસિક રીતે ડરી ગયા છે. સમગ્ર વિશ્વ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આવું જ અઢી દાયકા પહેલા સુરતમાં પ્લેગથી થયેલું. લોકો ડરી ગયેલા, ફ્લાઈટો બંધ થઈ ગયેલી. પરંતુ સુરતીઓ રસ્તા પર ઉતરીને સફાઈ કામમાં વળી ગયેલા તેમ કહેતા હીરા ઉદ્યોગકાર ગોવિંદભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, હાલ મુશ્કેલી દરેકને છે. પરંતુ અમારી કંપનીનું સ્લોગન છે. પ્રોબ્લેમ ઈઝ પ્રોગ્રેસ. આ સૂત્ર અનુસાર શહેરમાં અનેક આપતિઓ આવી અને તેમાંથી નવા રસ્તાઓ શોધતા ગયા. આજે સુરત પણ ખૂબ વિકસીત થઈ ગયું છે. ત્યારે કોરોના સામે સતત ડરવાની જગ્યાએ તેની તકેદારી રાખીને માનસિક રીતે મજબૂત થવાની ગોવિંદભાઈએ વધુમાં હાંકલ કરી હતી.

પ્લેગ અને કોરોનામાં ડરનો માહોલ 

ગોવિંદભાઈએ કહ્યું કે, હું સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાના લાઠિ તાલુકાના દૂધાળા ગામેથી 1964માં સુરતમાં આવ્યો. સુરતમાં દર ચાર વર્ષે તાપી નદીના પાણી શહેરમાં ફરી વળતા. 1968માં પણ પૂર આવ્યું અને લોકોએ તરીને જવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. આવી આપતિઓથી સુરતીઓ ટેવાઈ ગયેલા પરંતુ નેવુંના દાયકામાં આવેલા પૂર બાદ પ્લેગ ફેલાયો હતો. લોકોમાં ડરનો માહોલ હતો. પલાયન શરૂ થઈ ગયેલું. અત્યારે પણ એવું જ છે. પરંતુ અત્યારે આખું વિશ્વ ડરી રહ્યું છે. ઉઠે ત્યાંથી સૂવે ત્યાં સુધી કોરોના...કોરોના અને કોરોનાનો ડર લગભગ દરેકને લાગી ગયો છે. વિશ્વમાં લગભગ 700 કરોડની વસતિ છે પરંતુ એક ટકા લોકોને પણ કોરોના થયો નથી. છતાં તેનો ડર અને મૃત્યુના ભયથી લોકો ફફડી રહ્યાં છે એ સ્વાભાવિક છે.

પ્લેગ વખતે સફાઈ કામની સેવા થતી

પ્લેગ બાદ અફડાતફડી સર્જાઈ હોય તેમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ થઈ ગઈ હતી. પરંતુ અમે સુરતમાં ઘર બહાર નીકળીને સફાઈ કામ કરતાં હતાં. રસ્તાઓ સાફ કરતાં કોઈના ઘરમાં પાણી ભરાયા હોય તો તે સાફ કરતાં હતાં. લોકો મુંબઈમાં કે ત્યાંથી આવવા ડરતા અને અમે અહિં જાહેરમાં સફાઈ કરતાં હતાં. કોરોના કાળમાં પણ લોકોએ ઘરે બેસી રહેવાની જગ્યાએ જરૂરીયાતમંદ શ્રમિકો-ગરીબોની ખૂબ મદદ કરી છે. જમાડવાથી લઈને અનાજની કિટ પહોંચાડવાની સેવા કરી હોવાનું ગોવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું. 

પ્લેગ બાદ સુરત રહેવા જેવું થયું

ગોવિંદભાઈએ કહ્યું કે, પ્લેગ આવ્યો અને જતો રહ્યો પરંતુ ત્યારબાદ ગુજરાત સરકારે પાલિકા કમિશનર તરીકે એસ.આર.રાવની નિમણૂંક કરી. તેમણે ઘણા ફેરફાર કર્યા જેથી સુરત રહેવા જેવું થયું હતું. આ જ રીતે કોરોનાથી ડરવાની જરૂર નથી. સુરતીઓ આનંદમાં રહે છે. આ મહામારીને પણ આનંદથી લઈને ડર્યા વગર સામનો કરી રહ્યાં છે. હાલ કોરોનાના લોકડાઉનમાં બધુ જ બંધ છે. વાહનવ્યવહારના તમામ સાધનો પર રોક લાગી ગઈ છે.જે બહાર રહેતા હતા તે હવે ઘરમાં રહેવા લાગ્યા છે.

તંત્ર દ્વારા અથાક મહેનત કરાઈ રહી છે

પ્લેગની જેમ જ કોરોના કાળમાં પણ પોલીસ તંત્ર, પાલિકા તંત્ર, ફાયરબ્રિગેડ સહિતના વોરિયર્સ રાત દિવસ મહેનત કરી રહ્યાં છે.તબીબો એક એક મહિનો ઘરે નથી ગયા. મેડિકલ સ્ટાફ પણ ઘરે ગયા વગર સતત કામ કરી રહ્યાં છે. તે લોકોના કારણે આપણે સલામત છીએ. હવે ધીમે ધીમે ઈન્ડસ્ટ્રીઝ અને મુવમેન્ટ શરૂ થઈ રહ્યાં છે. ત્યારે તેમાં તકેદારી રાખીને હવે કામ કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે કામ ધીમ ધીમે શરૂ થયું હોવાનું ગોવિંદભાઈએ વધુમાં કહ્યું હતું.

એકાદ બે મહિનામાં બધુ પાટે ચડી જશે

ગોવિંદભાઈએ કહ્યું કે, હીરા ઉદ્યોગ પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા લાગ્યો છે. કારખાના ફરી શરૂ થયા છે. પરંતુ મુંબઈ BKCમાર્કેટ કન્ટેઈનમેન્ટ ઝોનમાં હોવાથી ત્યાં કામ શરૂ થયા નથી. એટલે ઈમ્પોર્ટ એક્સપોર્ટને પણ અસર થઈ છે. જે કારખાનેદારો પાસે જૂનો માલ પડ્યો હોય તેના આધારે કામ શરૂ થયા છે. ફરી બધુ થાળે પડતાં એકાદ બે મહિના લાગી જશે. 

કોરોના બાદ ફરી તેજ ગતિથી આગળ નીકળીશું

પ્લેગ બાદ પણ સુરતનો આર્થિક વિકાસદર તેજ થયો હતો. તે જ રીતે કોરોના બાદ પણ સુરત, ગુજરાત અને ભારત ખૂબ ઝડપથી આગળ નીકળશે તેવા આશાવાદ સાથે ગોવિંદભાઈએ કહ્યું કે, મને લાગે છે કે કોરોનાને આપણે ઝડપથી હરાવી દઈશું અને 2021નું વર્ષ આપણું છે. જેમાં ફરીથી જનજીવન ખૂબ સારી રીતે પ્રગતિ કરશે. તંદુરસ્તી જળવાઈ રહેશે અને બીજી બધી જ દિશામાં ખૂબ ઝડપથી પ્રગતિ થશે તેવી આશા તેમણે વધુમાં વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...