મારૂ સુરત:પ્લેગ બાદ લોકોએ સ્વયંભૂ રીતે સફાઈ અને ઉંદર પકડવાની કામગીરી અભિયાન સ્વરૂપે ઉપાડી હતી

સુરત3 વર્ષ પહેલા
પ્લેગ બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાતા લોકોએ વતનની વાટ પકડી હોવાનું (ઈન્સેટમાં) તારાચંદ કાસટએ જણાવ્યું હતું.
  • કાપડ માર્કેટ બે અઠવાડિયા બંધ રહ્યું હતું
  • કાપડ માર્કેટમાંથી પણ લોકો નાસી ગયેલા

કોરોના હાલ જે રીતે કાળો કેર વર્તાવી રહ્યો છે તેવો જ અનુભવ સુરતીઓએ થોડા સમય માટે બે દાયકા અગાઉ કર્યો. સુરતમાં પ્લેગ ફેલાતા જ લોકોનું પલાયન શરૂ થઈ ગયું. શહેરમાંથી લગભગ ચારેક લાખ લોકો પોતાના વતન બસ, ટ્રેન સહિતના વાહનો દ્વારા જતાં રહ્યાં. ચારેતરફ ડરનો માહોલ સર્જાયો હોવાના દિવસોને યાદ કરતાં કાપડના વેપારી તારચંદ કાસટએ જણાવ્યું હતું કે, પ્લેગ તો થોડા દિવસોમાં કન્ટ્રોલમાં આવી ગયો લોકો ફરીથી સુરત આવ્યા અને સફાઈ અને ઉંદર પકડવાનું અભિયાન પૂરજોશમાં શરૂ કરાયું હતું. હાલ કોરોના સમયમાં ઈતિહાસમાં પ્રથમ વખત 60 દિવસથી વધુ સમય ટેક્સટાઈલ માર્કેટ બંધ રહી છે.

પ્લેગ વખતે ડરનો માહોલ વધુ હતો

પ્લેગ ફેલાયો તે દિવસોને યાદ કરતાં ટેક્સટાઈલ માર્કેટના અગ્રણી અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપારી મંડળના વાઈસ પ્રેસિડન્ટ તારાચંદ કાસટએ જણાવ્યું હતું કે, લોકોમાં ડરનો માહોલ ખૂબ હતો. સુરતમાં રહેતા સંતાનોને વતનથી માતા પિતા સતત બોલાવી રહ્યાં હતાં. જેથી સુરતથી પલાયન વધી ગયું હતું. બે ત્રણ દિવસમાં જ સુરત છોડીને લોકો જતાં રહ્યાં હતાં. પરંતુ અમે પ્લેગ વખતે પણ અહિં જ છીએ અને કોરોનામાં પણ અહિં જ છીએ. કર્મભૂમિને છોડીને ક્યારેય ગયા નથી સુરતમાં તો કુદરતી આપતિઓ આવતી જ રહેતી હોય છે.

એ વખતે લોકડાઉન નહોતું

તારાચંદ કાસટએ ઉમેર્યું કે, પ્લેગ વખતે લોકડાઉન નહોતું. બે અઠવાડીયાથી વધુ સમય માર્કેટ બંધ રહ્યું હતું. લોકડાઉન નહોતું એ વખતે પણ લોકોમાં ડર હતો. સ્વયંભૂ રીતે જ લોકો હાથમાં મોજા અને મોં પર રૂમાલ કે માસ્ક બાંધીને ફરતાં હતાં. અત્યારે તંત્ર દ્વારા અપીલ કરવી પડે છે કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવો પણ એ પ્લેગના સમયમાં લોકો જાતે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવતાં થઈ ગયાં હતાં. 

અફવાઓ ફેલાતી રહેતી હતી

એ સમયમાં મોબાઈલ કે મીડિયા એટલું સક્રિય નહોતું. જેથી ખૂબ અફવાઓ ફેલાતી હતી.બીજા અને ત્રીજા દિવસથી અફવાઓ ઓછી થઈ હતી. જો કે અત્યારના સમયમાં મોબાઈલમાં અફવાઓ ફેલાઈ રહી છે. જો કે, એ અફવાનો સાચો જવાબ પણ થોડી જ વારમાં મળી જતો હોય છે. તાપી નદીમાં એ વખતે પૂર આવેલું અને તેના પાણી શહેરમાં ફરી વળ્યાં હતાં. પાણી ઓસર્યા બાદ સફાઈ અને ઉંદર તથા અન્ય પશુઓના મોત બાદ ઈન્ફેક્શનને લગતી બીમારી ફેલાઈ હોવાથી લોકોએ માર્કેટમાં સફાઈથી લઈને ઉંદર પકડવાનું પણ અભિયાન ચલાવ્યું હતું. 

કોરોનાનો ધીમે ધીમે વ્યાપ વધે છે

કોરોના વાઈરસનો ધીમે ધીમે શહેરમાં અજગરી ભરડો લાગી રહ્યો છે પરંતુ પ્લેગમાં એવું નહોતું. શરૂઆતના દિવસોમાં વધુ ફેલાવો રહ્યા બાદ એકાદ બે અઠવાડીયામાં તો પ્લેગ સાવ કાબૂમાં આવી ગયો હતો. પ્લેગ બાદ થોડા દિવસોમાં જ કાબૂમાં આવી ગયેલો. જ્યારે કોરાના વિશ્વ વ્યાપી છે.પ્લેગની થોડા દિવસો વિશ્વભરમાં હોહા થઈ પણ મૃત્યુ દર ઘટતાં લાગ્યું કે આ કોઈ મોટી મહામારી નથી એટલે જનજીવન સામાન્ય થઈ ગયેલું.

સુરતને તાપી માતાના આશિર્વાદ

સુરતને કર્મભૂમિ બનાવનાર તારાચંદ કાસટએ જણાવ્યું હતું કે, સુરતને તાપી માતાના આશિર્વાદ છે અનેક આપતીઓમાંથી પણ સુરત ઝડપથી બેઠું થઈ જાય છે. લોકોની ખુદ્દારી,ખુમારી અને જોમ જુસ્સો જ એવો છે કે, દરેક પકડારોનો સામનો કરીને સુરત ઝડપથી આગળ વધવા લાગશે. એ વખતે 25 હજાર આસપાસ દુકાનો ટેક્સટાઈલ માર્કેટમાં હતી આજે 75 હજારથી વધુ દુકાનો છે. એ વખતે થોડા દિવસોમાં થાળે પડ્યાં હતા જો કે કોરોના લાંબો ચાલતા એકાદ દોઢ મહિનામાં ફરી પાટે ચડી જઈશું અને વિકાસની તેજ રફતારમાં સુરત ફરીથી આવી જશે તેવો આશાવાદ તારાચંદ કાસટએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...