વરાછામાં એક પરણિતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે પરણિતાએ ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી. આપઘાતના અન્ય બનાવમાં પાંડેસરામાં પણ યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. યુવકની થોડો સમય પહેલા જ સગાઈ થઈ હતી. જોકે યુવકે પણ ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.અમરેલીના ધારીના વતની અને વરાછા લાભેશ્વર રણુજાધામ સોસાયટી ખાતે રહેતા ગૌતમભાઈ મધુભાઈ મોલડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. દોઢ વર્ષ પહેલા જ તેમના દિવ્યાબેન(૨૦) સાથે લગ્ન થયા હતા.
સોમવારે સવારે દિવ્યાબેને પોતાના ઘરમાં હુંક સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે દિવ્યાબેને ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય બનાવમાં પાંડેસરા ગણેશ નગર ખાતે રહેતો પવન દેવરાજ યાદવ(૨૩)ઓનલાઈન શોપીંગ કંપનીમાં ડિલીવરીનું કામ કરતો હતો અને સુરતમાં એકલો રહેતો હતો. થોડો સમય પહેલા જ તેની યુપી ખાતે સગાઈ પણ થઈ હતી. દરમિયાન રવિવારે રાત્રે પવને પોતાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે પવને ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.