સુરત મહાનગરપાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે મહત્તમ સિટી બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સમયાંતરે સિટી બસ અને બીઆરટીએસ બસને જે રીતે અકસ્માત નડી રહ્યા છે. તેને કારણે મુસાફરોમાં પણ ડરનો માહોલ જોવા મળતો હોય છે. કતારગામ વિસ્તારમાં સિટી બસને અકસ્માત નડતા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતા.
ગજેરા સર્કલ નજીક અકસ્માત
સુરત મહાનગરપાલિકાની સિટી બસનો રોજના હજારો લોકો ઉપયોગ કરે છે. પોતાના ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવા માટે સિટી બસમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સૌથી વધુ મુસાફરી કરતા હોય છે. કતારગામથી ડભોલી તરફ જતા ગજેરા સર્કલ પાસેના સિગ્નલ નજીક અકસ્માત થયો હતો. બસ ડ્રાઈવરે ગફલત ભરી રીતે હંકારતા બસને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. બસમાં બેઠેલા 8થી 10 જેટલા મુસાફરો બસ ડિવાઈડર પર ચડી જતા ગભરાઈ ગયા હતા.
કોઈ મુસાફરને ઇજા થઈ નથી: અધિકારી
મનપાના વહીવટી અધિકારી મેહુલ પટેલે જણાવ્યું કે, કતારગામ ગજેરા સર્કલના સિગ્નલ પાસે અકસ્માત થયા હોવાની માહિતી મળી છે. ડ્રાઇવર સાથે થયેલી વાતચીત મુજબ લેફ્ટ સાઈડ ઉપરનું સિગ્નલ ખાલી હોવાથી તે પોતાની બસ તે તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગળ અન્ય એક સિટી બસ હોવાને કારણે બસ સીધી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. બસમાં બેઠેલા કોઈપણ મુસાફરને ઈજા થઈ નથી. અકસ્માતના વીડિયો સામે આવતા બસમાં આગ લાગી હોવાની વાત સામે આવી રહી હતી. પરંતુ, એ વાત ખોટી છે. બસમાં કોઈ ધુમાડા નીકળ્યા ન હતા બસ ડિવાઈડર પર ચડી જવાને કારણે ડસ્ટ ઉડી રહી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.