AAP અને BJPના કાર્યકર્તા વચ્ચે મારામારી:સુરતના સીમાડા ચોકડી ખાતે AAPના ગણેશોત્સવમાં હુમલો, મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટ્યું

સુરત3 મહિનો પહેલા
AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર હુમલો, માથાના ભાગે થઈ ગંભીર ઈજા.

સુરત શહેરમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત ઘર્ષણ થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનોજ સોરઠીયા ઉપર હુમલો થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

ગણેશ ઉત્સવની તૈયારી દરમિયાન થયો હુમલો
આમ આદમી પાર્ટી દ્વારા સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, તે મુજબ આ વખતે પણ મંડપનું આયોજન થઈ રહ્યું હતું. જેને જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પહોંચ્યા હતાં. આ દરમિયાન જ કેટલાક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું.

આપના નેતાઓ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ દ્વારા મનોજ સોરઠીયા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અમે ગણેશ ઉત્સવ ઉજવતા હોઈએ છીએ ત્યાં આગળ ભાજપના લુખ્ખાઓએ આવીને કોઈ પણ કારણ વગર જ હુમલો કરવાનો શરૂ કરી દીધું હતું. અમારા પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાના માથાના ભાગે પાઇપનો ફટકો મારતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. ભાજપના નેતાઓના હાથમાં પોલીસ હોવાને કારણે તેઓને કાયદાનો કોઈ જ ડર નથી. ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ઉપર થઈ ચૂક્યા છે.

ગણપતિની શુભેચ્છા આપતા બેનરો આપે ફાડ્યા: ​​​​​​વરાછાના ધારાસભ્ય
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જણાવ્યું કે, અમારે સીમાડા નાકા ઉપર ગણપતિ ઉત્સવના શુભેચ્છાના બેનર લગાડવામાં આવ્યા હતા, ત્યાં જ અન્ય કોંગ્રેસ પાર્ટીના પણ બેનર લગાડવામાં આવ્યા છે તે પણ એસએમસીની ગ્રીલ ઉપર લગાડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં આવીને એકા એક જ અમારા શુભેચ્છાના બેનરો ફાડવાના શરૂ કરી દીધા હતા અને હુમલો કરી દીધો હતો. મંડપ પાસે જે પાઇપ પડેલા હતા તેનાથી જ અમારા કાર્યકર્તા ઉપર પણ હુમલો કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...