ઉત્તરાણનો તહેવાર ગુજરાતીઓ માટે સૌથી વધુ હર્ષોલ્લાસનો પર્વ છે. જેમાં સદીઓથી ચાલી આવતી પતંગ ચગાવવાની પરંપરા ખુબ જ ઉત્સાહથી ઉજવે છે. જુસ્સો એવો હોય છે કે, ઉત્તરાયણના બે મહિના પહેલાથી આકાશમાં પતંગ પેચ લડાવવાની શરૂઆત થઈ જાય છે. જોકે, હવે આ તહેવાર માટે લોકોના ઉત્સાહમાં ઘટાડો જોવા મળે છે.14 જાન્યુઆરીએ ઉત્તરાણ છે છતાં પતંગ બજારમાં પહેલા જેવી રોનક નથી. વેપારીઓનું કહેવું છે કે, બજારમાં મંદીના કારણે આ વખતે પતંગના ધંધામાં ભારે ઘટાડો જોવા મળી શકે છે. તેનું કારણ માંજો મોઘો થઈ ગયો છે તેની સાથે ડિમાન્ડ પણ 70 ટકા જેટલી ઘટી ગઈ છે.
લેબર ચાર્જ અને દોરી ઘસવામાં વપરાતો સામાન 25થી 30 ટકા સુધી મોઘો થઈ ગયો છે. જેની સીધી અસર માંઝા અને પતંગ બનાવનારાના વ્યવસાય પર પડી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગત વર્ષે પતંગ અને માંજાનો બિઝનેસ 800 કરોડ જેટલો થયો હતો. પરંતુ આ વખતે 350થી 400 કરોડ સુધી થવાની આશંકા છે.
મટીરિયલ | ભાવ 2022 | ભાવ, 2023 |
100 નંગ | 120-250 | 150-300 |
માંજા (એક ફિરકી) | 300 | 370 |
દોરી (500 ગ્રામ) | 550 | 730 |
રંગ (એક કિલો) | 1400 | 2200 |
સરફ (20 કિલો) | 2800 | 4200 |
(નોંધ - ભાવ રૂપિયામાં) |
મોટી ચિંતા;ગત વર્ષે 800 કરોડનો ધંધો આ વખતે સરેરાશ 400 કરોડ થઈ શકે છે
સુરત; કોટનના ભાવ ઘટ્યા છતાં કંપનીઓના નફામાં ઘટાડો નહીં
સુરતના એક વેપારીએ જણાવ્યું કે, ગત વર્ષે 500 ગ્રામ દોરી 550 રૂપિયાની હતી. જેના હવે 730 રૂપિયા થઈ ગયા છે. કોટનના ભાવ ઘટ્યા હોવા છતાં કંપની ગત વર્ષની જેમ નફો રળી રહી છે. જ્યારે ગત વર્ષે કોટનના ભાવ વધુ હતા આ વખતે કારમી મંદી છે. માંજો ઘસનારા કારીગરો પણ નવરા બેઠા છે. ખર્ચો પણ નિકળતો નથી. કલરના ભાવ વધી ગયા છે છેલ્લા સમયે જો ધંધો થશે તો પણ માત્ર કારીગરોનો પગાર જ નિકળશે. અન્ય એક વેપારીએ કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં પતંગનો ધંધો બંધ થઈ જવાની આરે આવી જશે.
અમદાવાદ; માંગ 30 ટકા ઘટી, ચાઇનીઝ દોરીનું વેચાણ વધ્યું
અમદાવાદમાં પતંગના વેપારી લિયાકતે જણાવ્યું કે, બજારમાં મંદી છે. મટીરીયલ બહુ મોંઘું થઈ ગયું છે. તેમાં 25 ટકા વધુ થયો છે.માંગ 30 ટકા જેટલી ઘટી ગઈ છે. પોલીસની મહેરબાનીથી ચીનનો માલ વેચાઈ રહ્યો છે. ચાઇનીઝ દોરીની જ વધુ ડિમાન્ડ છે. પ્રતિબંધ હોવા છતાં કુબેરનગર વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. કારગીરનો પગાર પણ કાઢવો મુશ્કેલ છે. પતંગમાં વપરાતી સળીનો ભાવ પણ 25 ટકા વધી ગયો છે. આ બધુ જોઈ દોરી વેંચવાનું જ બંધ કરી દીધું છે.હવે માત્ર પતંગ વેચુ છું.
વડોદરા; પતંગ-દોરીની માંગમાં 50થી 60 ટકા જેટલો ફેર પડ્યો છે
વડોદરામાં દોરીનો ધંધો કરનારા અનવર ચૌધરીનું કહેવું છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે દોરીનો ભાવ 30 ટકા જેટલો વધી ગયો છે. જ્યારે અમે ત્રણ વર્ષમાં ફિરકીનો ભાવ ત્રીસ રૂપિયા વધાર્યા છે. તહેવાર આવાનો છે અને અત્યારે અમે ખાલી બેઠા છે. માંગમાં 50થી 60 ટકા જેટલો ફરક પડ્યો છે. અમારા પાસે ઓછામાં ઓછા 15થી 20 માણસો કામ કરી રહ્યા છે. કોટન સસ્તું છે છતાં દોરી 30 ટકા મોંઘી થઈ ગઈ છે. કંપની ભાવ વધારી રહી છે. તેમનું કહેવું છે કે, ટાન્સપોર્ટેશન, પેટ્રોલ, લેબર, ટેક્સ વધી જતાં ભાવ વધારો કરવો પડ્યો છે.
કાગળના ભાવ પણ વધતાં પતંગ મોંઘા થયા
વેપારીઓનું કહેવું છે કે, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે છતાં માર્કેટ ઉંચકાશે તો પણ કારીગરોનો પગાર જ નીકળી શકશે. વેપારીઓ એટલા માટે પણ પરેશાન છે કે, પ્રતિબંધ હોવા છતાં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે. તેમનું કહેવું છે કે આ બધુ મીલીભગતથી થઈ રહ્યું છે. એક વેપારીના જણાવ્યા મુજબ કંપનીએ દોરીઓના ભાવ વધારવાના કારણે મુશ્કેલીઓ આવી રહી છે. ઉપરાંત કાગળનો ભાવ વધતાં પતંગ મોઘા થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.