કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદના પેટર્નમાં થયેલા બદલાવને કારણે ખેડૂતોમાં કમોસમી ઝાપટાને લઈને ખૂબ ચિંતા રહેતી હોય છે. ફરી એક વખત આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થયું છે.
ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ સુરત તેમજ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જબરજસ્ત પલટો દેખાયો હતો. કાળા ડિંબાગ વાદળાઓથી આકાશ ઘેરાયેલો હતો. બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ આવતા જાણે ચોમાસુ હોય તે રીતનો માહોલ સર્જાયો હતો. ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.
1 લાખ હેક્ટરમાં કેરીના પાકને નુકસાન
દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં આંબાવાડી કરતા હોય છે. માર્ચ મહિના બાદ આંબાને મોર આવવાના શરૂ થઈ જાય છે. તેના પરથી ખેડૂતો અંદાજ લગાવે છે કે, આ વખતે કેરીનો પાક કેવો રહેશે. હવામાન વિભાગએ માવઠાની આગાહી કરી ત્યારથી જ ખેડૂતોમાં ચિંતા હતી કારણ કે, આંબા ઉપર ખૂબ સારા મોર દેખાવાના શરૂ થઈ ગયા હતા. જો આ મોરને પાણી લાગી જાય તો તેમાં સડો લાગી જાય છે.તેના કારણે તેનું નુકસાન થતું હોય છે. એક તરફ વરસાદ અને પવન ફુગાવાને કારણે આંબા પર લાગેલા મોરને ખૂબ મોટું નુકસાન થયું છે. એક અંદાજ મુજબ દક્ષિણ ગુજરાતમાં એક લાખ હેકટર જમીનમાં આંબાનો પાક હતો પરંતુ માવઠાના કારણે આ પાકને મોટું નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો ઉપર આર્થિક બોજો આવશે. સરકારી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આર્થિક પેકેજની જાહેરાત કરવાની માંગ ખેડૂત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.