તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવધમય સુરત:માનગઢ ચોક આજે ‘રામ દરબાર’, 51 કોરોનામુક્ત વોરિયર્સ આપશે પ્લાઝ્મા, કાપડ - હીરામાં ફરી રોનક

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનગઢ ચોકમાં સરદાર પટેલની પ્રતિમાની બાજુમાં રામની પ્રતિમા રાખવામાં આવી છે. - Divya Bhaskar
માનગઢ ચોકમાં સરદાર પટેલની પ્રતિમાની બાજુમાં રામની પ્રતિમા રાખવામાં આવી છે.
  • 27 જગ્યાએ ફટાકડા ફોડી ઉજવણી કરાશે, શહેરની મોટા ભાગની સંસ્થાઓએ આજે સાંજે સાત વાગ્યે દિપ પ્રગટાવવાની અપીલ કરી

આજે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત શહેરના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી કરવામાં આવી રહી છે. રિંગરોડની ઘણી બધી માર્કેટો શણગારવામાં આવી છે. માર્કેટોમાં ઝંડા અને પતાકાઓ લગાડવામાં આવ્યા છે. બીજી તરફ વરાછા મીની બજારને પણ શણગારવામાં આવ્યું છે. જીજેઈપીસીના રિજીયોનલ પ્રેસિડેન્ટ તેમજ વીએચપી સાથે સંકળાયેલા દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, એવો કોઈ મોટો કાર્યક્રમ નથી કરી રહ્યા કે જેથી લોકો ભેગા થાય.

દરેક લોકો સાંજે 7 વાગ્યે પોતાના ઘરે દીપ પ્રગટાવે
સમગ્ર મીની બજારને શણગારવામાં આવ્યું છે અને ત્યાં એક રામ દરબાર બનાવ્યું છે. જ્યાં લોકો આવીને સેલ્ફી લઈ શકશે. સરદારની પ્રતિમા વચ્ચે રામ દરબારની મૂર્તિ મુકીશું જ્યાં લોકો નમન કરી શકશે. પાર્કિંગમાં 10-12 જણા હાજર રહી પૂજા પાઠ કરવામાં આવશે. અગાઉ વીએચપીના કાર્યકરો દ્વારા દક્ષિણ ગુજરાતના 250 મંદિરોમાંથી માટી અને પાણી મોકલવામાં આવ્યા છે. આ અંગે મંત્રી કમલેશ કયાડાએ જણાવ્યું હતું કે, મહાઆરતીની સાથે 51 કોરોનામાંથી મુક્ત થયેલા લોકો પ્લાઝ્મા ડોનેટ કરી લોકોના જીવ બચાવવાનો સંકલ્પ પણ કરશે. મીડિયા પ્રભારી પ્રવીણ ભાલાળાએ વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ આહ્વાન કરે છે કે દરેક લોકો સાંજે 7 વાગ્યે પોતાના ઘરે દીપ પ્રગટાવે.

સુરતના કાર સેવકોએ કહ્યું ‘આજે અમારી દીવાળી’

  • 700 કાર સેવકોને લઇને અયોધ્યા ગયા હતાં. પૂર્વ ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી જયંતિ કેવટ કહે છે કે ‘સુરતથી 700 કાર સેવકોને લઇને અયોધ્યા ગયા હતાં. ટ્રેનથી પરત આવતા રસ્તામાં પથ્થરમારો પણ થયો હતો.’
  • 8 કિમી ચાલતા ગયા માર્ગમાં બધે દિવા પ્રગટાવેલા હતા. સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ અનિલ ગોપલાણી કહે છે કે ‘એ સમયે પરિસ્થિતિ બગડતા જવાનું કહેવાયું. અમે 8 કીમી ચાલતા ફૈઝાબાદ ગયા. રસ્તામાં ઘરે ઘરે દિવડા પ્રગટાવ્યા હતા.
  • મેં કહી દીધુ હતું કે પહેલા કારસેવા બાદમાં લગ્ન કાર સેવક માવજી ધાપા કહે છે કે ‘મારા લગ્ન લેવાના હતા પણ મેં કહી દીધુ હતું પહેલા કારસેવા કરીને આવુ બાદમાં જ લગ્ન કરીશ. પાછા આવતા ટ્રેનના છાપરે યાત્રા કરી હતી.
  • અડવાણીની યાત્રામાં દિપકભાઇ ‘રામ’ બન્યા હતાં 1990માં લાલકૃષ્ણ અડવાણીના ‘ચાલો અયોધ્યા’ આંદોલન અંતર્ગત યોજાયેલી રથયાત્રામાં શહેરના દિપક આફ્રિકાવાલાએ રામનો વેશ ધારણ કર્યો હતો.

કુલ 18 કિલો ચાંદી મોકલાઇ
સુરતથી ભૂમિ પુજન નિમિત્તે કુલ 18 કિલો ચાંદી અયોધ્યા મોકલવામાં આવી છે. જેમાં ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસો.સુરત ગુજરાત તરફથી 3.5, જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર ટ્રસ્ટ-વીજાપુર તથા શુભમંગલ ફાઉન્ડેશન-ગુરુરામપાવનભૂમિ-સુરત ટ્રસ્ટ તરફથી 11 કિલોની ઈંટ, પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળાએ 1 કિલોની ઇંટ અને નવગ્રહ તેમજ નરેન્દ્ર ચૌધરી અને એમના મિત્રો દ્વારા 2.5 કિલોની ચાંદી મોકલાઇ છે.

સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત
અયોધ્યામાં ભૂમિપૂજન નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક પોલીસ સ્ટેશનો પોત-પોતાના વિસ્તારોમાં બંદોબસ્ત માટે તૈનાત રહેશે, ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરાશે અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં ગણાતા લિંબાયત, ઉધના, અઠવાલાઇન્સ, મહિધરપુરા, સલાબતપુરા, અમરોલી, સચીન, રાંદેર, ચોકબજાર જેવા વિસ્તારોમાં સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...