પાલિકાએ સિટી બસ-બીઆરટીએસ બસમાં મુસાફરી માટે વેકિસન સર્ટિફિકેટ ફરજિયાત કરતા મુસાફરોની સંખ્યા 50 હજાર ઘટી ગઈ છે, જયારે આવકમાં પણ અંદાજે 8 લાખનો ઘટાડો થયો છે. સોમવારથી બસોમાં વેકસિન સર્ટિની તપાસ શરૂ થઈ છે તે પહેલા સામાન્ય દિવસોમાં સિટી બસમાં દૈનિક 80 થી 85 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા.
બુધવારે આ સંખ્યા 65 થી 70 હજાર થઈ હતી. તે જ રીતે, બીઆરટીએસમાં સામાન્ય દિવસોમાં દૈનિક 1.45 લાખ મુસાફરો મુસાફરી કરતાં હોય છે જે સંખ્યા બુધવારે અંદાજે 90 થી 95 હજાર થઈ હતી. રસપ્રદ બાબત એ છે કે, વેકિસન સર્ટિની તપાસ શરૂ કરી ત્યારથી બીજો ડોઝ લેનારાની સંખ્યા પણ વધી હતી. ચેકિંગ પૂર્વે સરેરાશ 7 હજાર લોકો બીજા ડોઝ માટે આવતા હતા જે 25 હજાર થયા જયારે પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2 હજારથી વધી 7 હજાર થઈ હતી.
108355ને ચેક કરતા 7475 લોકો રસી વગરના ઝડપાતાં પ્રવેશ નહીં અપાયો
સુરત : મહાપાલિકાના ફરજિયાત વૅક્સિન અંગે ચાલતા ચેકિંગમાં બુધવારે તમામ ઝોન, મુગલીસરા વડી કચેરી, ગોપીતળાવ, સિટી-બીઆરટીએસ બસ, ટી.પી. વિભાગ, સ્વિમિંગ પૂલ ખાતે મળી કુલ 1,08,355 લોકોનું ચેકીંગ કરાયું હતું, તેમાં કુલ 1,00,721 વ્યક્તિઓ વૅક્સિનેટેડ મળ્યા હતા.
પરંતુ 7475 વ્યક્તિઓ વૅક્સિન વગરના ઝડપાતાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જ્યારે મુઘલીસરા સહિતના અન્ય ઝોનમાં 159 ને રસી આપ્યા બાદ પ્રવેશ અપાયો હતો. જ્યારે મુઘલીસરા વડી કચેરીએ 35 વ્યક્તિને ગેટ પર વૅક્સિન આપી પ્રવેશ અપાયો હતો. તેવી જ રીતે અઠવા ઝોનમાં 31, લિંબાયતમાં 24, અને વરાછામાં 69 ને રસી આપ્યા બાદ પ્રવેશ અપાયો હતો.ખાનગી સ્થળો પર પ્રથમ દિવસે ચેકિંગમાં મોલમાં 3134, મલ્ટિપ્લેક્સમાં 1177 તેમજ જીમ અને અન્ય ઓફિસોમાં 1107 મળી કુલ 5418 લોકોનું વેરિફિકેશન થયું હતું.
બસમાં યાત્રીઓની સ્થિતિ | ||
મુસાફરો પહેલાં | મુસાફરો હવે | |
સિટી બસ | 80-85 હજાર | 75-80 હજાર |
BRTS | 1.45 લાખ | 90-95 હજાર |
કુલ | 2.30 લાખ | 1.45 લાખ |
કુલ આવક | 20.00 લાખ | 12.00 લાખ |
બસમાંથી ઉતારી મુકાતા રિક્ષામાં 4 ગણુ ભાડુ આપ્યું
ગજેરા સર્કલથી સિટી બસમાં મુસાફરી માટે બેસેલા સિનિયર સિટીઝન્સ પાસે વેક્સિન લીધી હોય તેનું પ્રમાણપત્ર મંગાયું હતું. તેમણે વેક્સિન લીધી છતાં સ્માર્ટ ફોન ન હોવાથી સર્ટિફિકેટ શો કરી શક્યા ન હતાં. જેના લીધે કન્ડક્ટરે બસમાંથી ઉતારી દેતા નાગરિકોએ હંગામો કર્યો હતો. અંતે ચાર ગણું વધુ ભાડુ ખર્ચી રિક્ષામાં ગયા હતા.
શ્રમિકોએ હોબાળો કરી કહ્યું, બધા નિયમો ગરીબો માટે જ
ઉધના દરવાજાથી ભેસ્તાન, પાંડેસરા અને સચીન ઇન્ડસ્ટ્રિઝમાં કામ પર જતાં કામદારો પાસે બુધવારે મુસાફરી પહેલાં ફરજિયાત વેક્સિન સર્ટિ. મંગાયું હતું. જોકે તેઓ મોબાઇલ ન રાખતાં હોવાથી વેક્સિન લીધી હોવા છતાં સર્ટિ. ન હોવાથી બસમાંથી ઉતારી મુકાતા હંગામો કરી તેઓએ કહ્યું કે,બધા નિયમ ગરીબો માટે જ બને છે.
નવી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીને ઉતારી મુકાયો
બુધવારે બહારગામથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રેલવે સ્ટેશને ઉતરેલાં દર્દીએ સિટી બસમાં પ્રવેશ લીધો હતો. સર્ટિ માંગતા તેણે નિયમ અંગે અજાણ હોવાનું જણાવી સર્ટિ સાથે લાવ્યો ન હોવાનું અને સ્માર્ટ ફોન પણ ન હોવાનું જણાવ્યું હતું. કંડક્ટરે બેસવા ન દેતા યુવકે હંગામો મચાવી કકળાટ કરતાં કરતાં ઉતરી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.