અઠવાલાઇન્સ ખાતે આવેલી કોર્ટ બિલ્ડિંગ જીઆવ-બુડિયા ખસેડવાના મામલો ફરી ચર્ચમાં છે આજે વકીલની અરજી પર સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો.ની કાઉન્સિલની મિટિંગ મળી હતી જેમાં અરજી પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો હતો અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધિશને મળ્યા બાદ આગળની રણનીતિ નક્કી કરવાનુ નિર્ધારિત કરાયુ હતુ.
પાલ ખાતે ફેમિલી કોર્ટને ફાળવાયેલી બિલ્ડિંગને પણ જીઆવ-બુડિયાવાળી જગ્યા પર શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવતા સમગ્ર મામલો ફરી ગરમાયો હતો. સમગ્ર મામલે એડવોકેટ ટર્મિશ કણિયાએ જણાવ્યુ કે જીઆવ-બુડિયા નજીકની જગ્યા પર પોલ્યુશનનો મોટો ઇશ્યુ છે. ઉપરાંત વકીલો અને પક્ષકારોને પણ દુર પડશે.
કોર્ટ બિલ્ડિગની બાજુની જ કૃષિ ફાર્મની જગ્યાએ કોર્ટ બિલ્ડિંગ માટે ફાળવી દેવામાં આવે જેથી ત્યાં વધુ એક બિલ્ડિંગ બને ઉપરાંત હાલની પાર્કિંગની જગ્યા છે ત્યાં મલ્ટીલેયર પાર્કિંગ બને. શહેરની મધ્યમાં આ જગ્યા સુધી લોકોને પહોંચવામાં ઘણી જ સરળતા રહે છે.
વકીલ મંડળે અનેકવાર રજૂઆત કરી, ઠરાવ પણ કર્યા
સાડા ચાર વર્ષ અગાઉ જીઆવ-બુડિયા ખાતેની 50 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જો કે, પાછળથી વકીલ મંડળને ઠરાવ પસાર કરી આ જગ્યાનો વિરોધ કર્યો હતો. વિરોધનું મુખ્ય કારણ પોલ્યુશન હતુ. નજીક જ પાલિકા દ્વારા થતાં ડમ્પિંગના લીધે સતત હવાનું પોલ્યુશન રહેતુ હોય છે.
વકીલ મંંડળે અગાઉ જીપીસીબીના રિપોર્ટ સાથે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી અને જગ્યા બીજે ફાળવવા જણાવ્યુ હતુ. જેમાં વેસુ અને પાલની જગ્યાનો સમાવેશ થતો હતો. બાર એસો.ના હોદ્દેદાર યાહ્યા મુખ્ત્યાર શેેખે કહ્યુ કે વકીલ મંડળ દ્વારા દરેક સાથે સંકલન સાધીને વખતોવખત રજૂઆત કરવામાં આવી જ છે.
હાઇકોર્ટ જસ્ટીસને મળવા માટેની પ્રોસિઝર પણ કરાઈ છે. મુલાકાત નક્કી થતા જ ફરી સ્થિતિથી વાકેફ કરવામાં આવશે. જીઆવ-બુડિયાની જગ્યા લોકો-વકીલો માટે પોલ્યુશનની દૃષ્ટિએ હાનિકારક છે. જ્યારે એડવોકેટ પ્રીતિ જોષીએ કહ્યુ કે ફેમિલી કોર્ટ માં મહિલાઓ- બાળકો પણ આવતા હોય છે. પાલ નજીકની જગ્યા જ ફેમિલી કોર્ટ માટે યોગ્ય હતી. કોઇપણ નિર્ણય લેતા અગાઉ લોકોની પડતી હાલાકી પણ ધ્યાનમાં લેવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.