વીડિયો વાઈરલ:સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં બાઈક પર 'પિસ્તોલ' સાથે સ્ટંટ કરતો યુવક, આરોપી ઝડપાઈ ગયાનું ગૃહ રાજ્યમંત્રીએ ટ્વિટ કર્યું

સુરત5 મહિનો પહેલા
બાઈક પર મિત્ર અને તેના પર યુવકે બેસી સ્ટંટ કર્યા.
  • સુરતમાં યુવાનને કાયદા વ્યવસ્થાનો જાણે ડર ન હોય તેવો સોશિયલ મીડિયા વીડિયો વાઈરલ

સુરત શહેરમાં યુવાનો સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના વીડિયો વાઈરલ કરતા હોય છે. સમયાંતરે અનેક વિવાદાસ્પદ વીડિયો સામે આવતા રહે છે. ફરી એક વીડિયો વાઈરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં યુવક તેના મિત્ર સાથે બાઈક ઉપર બેસીને હાથમાં 'પિસ્તોલ' રાખે છે અને જાહેર સ્થળો ઉપર સિગારેટ પીતો પીતો પસાર થાય છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે. એક તરફ રાત્રી કર્ફ્યુના નિયમનું ઉલ્લંઘન છે તો બીજી તરફ આ શખ્સ કાયદો-વ્યવસ્થાના ડર વગર ફરતો દેખાઈ રહ્યો છે. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આરોપી ઝડપાઈ ગયા હોવાની માહિતી આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સ્ટંટ કરતા બંને યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. વાઈરલ થયેલો વીડિયો 14 ડિસેમ્બરનો છે. વીડિયો જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઈટર છે. આવા ગુનાઓમાં વધુ સચેત છીએ.

આરોપીઓ ઝડપાયા હોવાનું ગૃહ રાજ્યમંત્રીનું ટ્વિટ.
આરોપીઓ ઝડપાયા હોવાનું ગૃહ રાજ્યમંત્રીનું ટ્વિટ.

યુવાનોમાં વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ
યુવાનો સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે કાયદાનું ઉલ્લંઘન કરીને સ્ટંટ કરતા અવારનવાર વીડિયો વાઈરલ કરતા હોય છે. આ વીડિયોમાં પણ જે યુવક છે તેનું નામ નિક ઓડેદરા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ તેણે પોતાના સોશિયલ મીડિયા ઉપર આવા અનેક વીડિયો મુક્યા હોવાનું પણ જણાય આવે છે. જે વીડિયો વાઈરલ થયો છે તેમાં તેના હાથમાં પિસ્તોલ જેવું દેખાઈ રહ્યું છે. તે રીયલ પિસ્તોલ છે કે એર ગન લઈને ફરી રહ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે એ પિસ્તોલ પણ રીયલ છે અને આવી રીતે ઘણીવાર વીડિયો પોસ્ટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોતાના વિસ્તારમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ ઊભો થતો દેખાઈ રહ્યો છે.

જાહેરમાં કાયદાનું ઉલ્લંધ થતું નજરે પડ્યું.
જાહેરમાં કાયદાનું ઉલ્લંધ થતું નજરે પડ્યું.

યુવાનોને કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ ડર લાગતો નથી
યુવાનોમાં સોશિયલ મીડિયાને લઈને એટલો ક્રેઝ છે કે અનેક વખત કાયદાનું ઉલ્લંઘન કરવાનો પણ તેમને ડર લાગતો નથી. ભૂતકાળમાં પણ જ્યારે આવા વીડિયો વાઈરલ થાય છે ત્યારે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે તો આવા યુવાનો જે પ્રસિદ્ધિ મેળવવા સ્ટંટ કરતા હોય છે તેને રોકી શકાય. કોરોના સંક્રમણને કારણે હવે રાત્રે કર્ફ્યૂના નિયમોનું પાલન સખ્તાઇપૂર્વક કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તેવા સમયે આવા યુવાનો મોડી રાત સુધી ખુલ્લામાં હથિયારો લઇને ફરતા હોય ત્યારે પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઊભો થાય છે.

સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ.
સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના વીડિયો વાઈરલ કરવાનો એક પ્રકારનો ક્રેઝ.

વીડિયો કયા વિસ્તારનો છે તે પોલીસ તપાસ કરશે
શહેરમાં જ્યારે પણ આવા તત્વો પોતાના વીડિયો વાઈરલ કરતા હોય છે, ત્યારે તેમની સામે પોલીસે કડક હાથે કામગીરી કરવાની જરૂર જણાઈ રહી છે. નિક ઓડેદરા બાઈક ઉપર સ્ટંટ કરતા ડુમસ વિસ્તારનો વીડિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ આ બાબતે જ્યારે ડુમસ પોલીસ સ્ટેશનના પીઆઇને પૂછ્યું ત્યારે તેમના કહેવા મુજબ આ વીડિયો તેમના વિસ્તારનો ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેમણે કહ્યું છે કે અમે છતાં પણ તપાસ કરીશું કે આ વ્યક્તિ અમારા વિસ્તારનો છે કે કેમ અને વીડિયો અમારા વિસ્તારનો જ છે કે નહીં તેની તપાસ કરીશું.