સુરતમાં અડાજણના સફાયર બિઝનેશ હબમાં ઓફિસ ધરાવતા આધેડને મુંબઇ-દાદરની ટ્રેડમ નામની કંપનીના સંચાલક દંપતી અને સીઇઓએ મહિને 20 ટકા વળતરની લાલચ આપી હતી. રૂ. 80.35 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી રફુચક્કર થઇ જતા અડાજણ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ છે.
વળતરની લાલચ આપી ફસાવ્યો
અડાજણના મધુવન સર્કલ સ્થિત સફાયર બિઝનેસ હબમાં અવિધ્ન સોલ્યુશન અને ગોલ્ડફ્રિંચ પાવર એન્ડ આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. નામે ઓફિસ ધરાવતા મૃગેશ બબનરાવ પવાર (ઉ.વ. 53) નો જાન્યુઆરી 2020માં વસંતકુમાર એગન નગરાળે (રહે. 319, આઇમ્સ સ્કેવર, વી.આઇ.પી રોડ, વેસુ અને શીવ એપાર્ટમેન્ટ, હરિનગર-3, ઉધના) સાથે પરિચય થયો હતો. વસંતે મુંબઇના દાદરના હાજી હબીબ બિલ્ડીંગમાં ટ્રેડમ નામની કંપનીમાં સીઇઓ તરીકેનું કામ કરતો હોવાનું અને કંપનીના માલિક રાજકુમાર મનોહરકુમાર સીંગ અને તેની પત્ની કોમલ રાજકુમાર સીંગ હોવાની ઓળખ આપી હતી.
ટુકડે-ટુકડે રૂ. 80.35 લાખનું રોકાણ કર્યું
રાજકુમાર અને વસંતે મૃગેશને રોકાણના 20 ટકા વળતરની લાલચ આપી ટુકડે-ટુકડે રૂ. 1.50 કરોડનું રોકાણ કરવાનો એમ.ઓ.યુ કર્યો હતો. શરૂઆતમાં રૂ. 10 લાખનું રોકાણ કરનાર મૃગેશને અસારી અને ઓઝોન કંપનીના શેર સિક્યુરીટી પેટે ડિપોઝીટ કર્યા હતા. મૃગેશે પોતાની અલગ-અલગ કંપનીમાંથી ટુકડે-ટુકડે રૂ. 80.35 લાખ આરટીજીએસથી ટ્રેડમ કંપનીમાં રોકાણ કર્યુ હતું.
અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા
શરૂઆતમાં વળતર ચુકવ્યા બાદ રાજકુમાર રાતોરાત પોતાની ઓફિસ અને મોબાઇલ ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકુમારે એક માત્ર મૃગેશ નહીં પરંતુ અનેક લોકો પાસેથી રોકાણના નામે કરોડો રૂપિયા પડાવ્યા છે અને આ મુદ્દે મુંબઇના દાદર, ભોયવાડા અને પૂણેના પીપંપળી, ચીંચવડ અને ખરાડી ચંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.