મુંબઈથી કટ & પોલિશ્ડ ડાયમંડનું સંપૂર્ણ વેચાણ બંધ કરી સુરતથી વેચાણ કરનાર મેમ્બરો પાસેથી 6 મહિના સુધી મેઈન્ટેનન્સ નહીં લેવાનો નિર્ણય સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. એ સાથે જ જે સભ્યો 31 ડિસેમ્બર 2022 સુધીમાં આવું કરશે તેઓને સન્માનવા માટે ડાયમંડ બુર્સના રિસેપ્શન પર આજીવન માટે તેમનાં નામની યાદી મુકવામાં આવશે.
ડાયંમડ ટ્રેડિંગનો વેપાર મુંબઈની જગ્યાએ સુરતમાં થાય તે માટે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેના માટે સુરત ડાયમંડ બુર્સ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને સભાસદોને જાણ કરવામાં આવી છે કે, ‘ફેઝ વનમાં એટલે કે, 31 ડિસેમ્બર 2022 સુધીમાં મુંબઈથી પોલિશ્ડ ડાયમંડનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાંથી જ પોલિશ્ડ ડાયમંડનું વેચાણ કરનારા મેમ્બરોનું નામ સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગ પ્રવૃત્તિ શરૂ કરનાર અગ્રણી સભાસદોની યાદીમાં લખાશે. તેમજ યાદીનું બોર્ડ સુરત ડાયમંડ બુર્સના મુખ્ય રિસેપ્શન એરિયામાં આજીવન માટે મુકવામાં આવશે. આવા મેમ્બરો પાસેથી શરૂઆતના 6 મહિના સુધી કોઈપણ મેઈન્ટેનન્સ ચાર્જ પણ લેવામાં આવશે નહીં.
બુર્સના રિસેપ્શન પર આજીવન નામ મુકાશે
કિરણ જેમ્સનો સંપૂર્ણ વહીવટ સુરતથી થશે: વલ્લભ લખાણી
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી કહે છે કે, ‘સુરત ડાયમંડ બુર્સ ઝડપથી વેગવંતુ બને તે માટે અમે આ સ્કીમ લાવ્યા છીએ. અમે અમારી કંપની કિરણ જેમ્સ મુંબઈથી સંપૂર્ણપણે બંધ કરીને સુરતથી જ તેનો સમગ્ર વહીવટ કરીશું.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.